Abtak Media Google News

ખેડુતને આપેલી નોટિસની પતાવટ કરવા રૂા.૯૦ હજારની લાંચ માગ્યા બાદ રૂા.૩૦ હજારમાં કર્યુ સેટિંગ

શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર આવેલી ઇન્કમટેકસ ઓફિસના અધિકારીને રૂા.૩૦ હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના સ્ટાફે રંગેહાથ ઝડપી લેતા ઇન્કમટેકસ અધિકારીઓમાં ફફડાટ મચી ગયો છે.

આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઇન્કમ ટેકસ વિભાગ દ્વારા એક ખેડુતને રૂા.૧૨ લાખની નોટિસ આપવામાં આવી હતી. નોટિસની પતાવટ કરવા માટે ખેડુત દ્વારા ઇન્કમટેકસ અધિકારી નરશી સોલંકીનો સંપર્ક કરવામાં આવતા તેઓએ રૂા.૯૦ હજારની લાંચની માગણી કરી નોટિસ ફાઇલ કરી દેવાનું જણાવ્યું હતું.

ખેડુત દ્વારા ઇન્કમટેકસ અધિકારી સાથે રકઝક કરીને રૂા.૩૦ હજારમાં સેટીંગ કરી રૂા.૩૦ હજાર લાંચ આપવાથી રૂા.૧૨ લાખની નોટિસ ફાઇલ કરી આપવાનું નક્કી થયા બાદ ખેડુતે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરતા લાંચ રૂશ્વત બ્યુરોના એસીપી એચ.પી.દોશી સહિતના સ્ટાફે આઇકર ભવન ખાતે લાંચ અંગેનું છટકું ગોઠવ્યું હતું.

ખેડુત બે પંચની સાથે આઇકર ભવનમાં ઇન્કમ ટેકસ અધિકારી નરશી સોલંકીની ચેમ્બરમાં જઇને લાંચના રૂા.૩૦ હજાર ચુકવ્યા ત્યારે તેઓએ સ્વીકારી લીધા હતા તે દરમિયાન એન્ટી કરપ્શન બ્યુરોના સ્ટાફે તેમને રંગે હાથ ઝડપી લેતા લાંચના ગુનામાં ઝડપાતા ઇન્કમટેકસ અધિકારી નરશી સોલંકી પરસેવે રેબઝેબ થઇ ગયા હતા.

રાજકોટના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આઇકર ભવનમાં લાંચ અંગે દરોડો પાડવામાં આવ્યાનું અને ઇન્કમટેસના અધિકારી લાંચના ગુનામાં ઝડપાતા આઇકર ભવનના અન્ય કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો છે. એસીબી સ્ટાફે ઇન્કમટેકસ અધિકારી સામે લાંચ અંગેનો ગુનો નોંધી એક ટીમને તેમના નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન માટે મોકલી હતી. ઇન્કમ ટેકસના અધિકારી નરશી સોલંકીએ પોતાના ફરજ કાળ દરમિયાન ભ્રષ્ટ રીત રસમથી કેટલી સંપત્તી એકઠી કરી તે અંગે એસીપી સ્ટાફે સર્ચ ઓપરેશન શરૂ કરી બેન્ક ખાતા અંગેની પણ વિગતો એકઠી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.