Abtak Media Google News

મહિલા પોલીસ સ્ટેશન પાછળ આવેલા બગીચામાં ગાંજો વેચાતો હોવાની ફરિયાદ બાદ શહેરભરનાં બગીચાઓમાં ચેકિંગ: આવારાતત્વોને તગેડાયા

શહેરનાં રેસકોર્સ રીંગ રોડ પર આવેલા મહિલા પોલીસ સ્ટેશનની પાછળનાં ભાગે એરપોર્ટ રેલવે ફાટક નજીક બગીચામાં ગાંજાનું વેચાણ થતું હોવાની ફરિયાદ કોર્પોરેશનને મળતાં આજથી શહેરભરનાં બગીચાઓમાં વિજિલન્સ પોલીસ દ્વારા ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ બગીચાઓમાં આવારાતત્વોનો ત્રાસ, પ્રેમીઓ પંખીડાઓનો સતત પડાવ, નશાખોર તત્વોની રંજાડ સહિતની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન મહિલા પોલીસ સ્ટેશનની પાછળનાં ભાગે આવેલા નાના એવા બગીચામાં અમુક લોકો દ્વારા ગાંજાનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સુધી પહોંચતા વિજિલન્સ શાખા દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં આવેલા તમામ ૧૧૮ જેટલા બગીચાઓમાં ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. દિવસમાં ૩ વખત હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કશું શંકાસ્પદ મળી આવ્યું ન હોવાનું પણ વિજિલન્સ શાખાનાં સુત્રોએ જણાવ્યું હતું. બગીચાઓમાં ચેકિંગ દરમિયાન આવારા તત્વો, નશાખોર તત્વો, પ્રેમીપંખીડાઓને તગેડી મુકવામાં આવે છે. અલગ-અલગ બગીચાઓમાં આગામી દિવસોમાં પણ ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.