Abtak Media Google News

વેરા વળતર યોજનાનો લાભ લેવા કરદાતાઓને પદાધિકારીઓની અપીલ

એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે હાલ મહાપાલિકામાં વેરા વળતર યોજના ચાલી રહી છે જે અંતર્ગત એડવાન્સ ટેકસ ભરનારને વેરામાં ૧૦ ટકા વળતર આપવામાં આવી રહ્યું છે. આ યોજના આગામી ૩૦મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે જેનો લાભ લેવા માટે મેયર સહિતના પદાધિકારીઓએ કરદાતાઓને અપીલ કરી છે. ઓકટોબરથી બાકી વેરા પર વાર્ષિક ૧૮ ટકા વ્યાજનું મીટર ચડવા લાગશે.

મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, એડવાન્સ ટેકસ ભરતા કરદાતાને હાલ વેરામાં ૧૦ ટકા અને મહિલા મિલકત ધારકને વેરામાં ૫ ટકા વિશેષ વળતર સાથે કુલ ૧૫ ટકા વળતર આપવામાં આવી રહ્યું છે.

સામાન્ય રીતે દર વર્ષે ૩૧મી મે સુધી જ ૧૦ ટકા વેરા વળતર યોજના ચાલતી હોય છે પરંતુ ચાલુ સાલ મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયા બેઈઝ પઘ્ધતિની અમલવારી કરવામાં આવી હોય વાંધા અરજીઓના નિકાલ માટે બે વખત વળતર યોજના લંબાવવામાં આવી હતી.

અત્યાર સુધીમાં ૨,૩૮,૭૧૯ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે અને મહાપાલિકાની તિજોરીમાં રૂ૧૩૦.૫૬ કરોડ જેવી માતબર રકમ જમા કરાવી છે. રૂ.૩૦.૪૭ લાખ કરોડનું પેમેન્ટ ઓનલાઈન માધ્યમથી કરવામાં આવ્યું છે. મિલકત ધારકોને ૧૦ કરોડથી પણ વધુનું રીબેટ આપવામાં આવ્યું છે.

આગામી ૩૦મી સપ્ટેમ્બરના રોજ વેરા વળતર યોજના પૂર્ણ થઈ રહી છે જેમાં હવે મુદત લંબાવવામાં આવશે નહીં. ઓકટોબરથી બાકી વેરા પર વાર્ષિક ૧૮ ટકા લેખે વ્યાજ વસુલ કરવામાં આવતું હોય શહેરીજનોને સમયસર વેરો ભરપાઈ કરવા માટે પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.