Abtak Media Google News

“વિશ્વ આખામાં હોબાળો થતા રાજ્ય સરકારે આ ગીરનાં ‘વિરપ્પન’ને પકડવા માટે ખાસ હુકમો કરી હેલીકોપ્ટર સહિત ત્રણ જિલ્લાની દોઢેક હજાર પોલીસ, એસઆરપી, વનતંત્ર સહિતનાઓએ મહાઅભિયાન ચલાવેલુ !

ગીરનો વિરપ્પન હમાલ હસન

ફોજદાર જયદેવ ધારી પોલીસ સ્ટેશનમાં હાજર થયો તેના થોડા મહિનાઓ પહેલા ગીર જંગલમાં આવેલા સેમરડી ગામની સીમમાંથી ૩૦ સિંહોના મૃતદેહો કે જે શિકાર કરેલા કે મારી નાખેલા અને દાટી દીધેલા તે મળી આવેલા આ બાબતે પર્યાવરણ વાદીઓ પ્રકૃતિ પ્રેમીઓ એ ખૂબજ ઉહાપોહ મચાવેલ અને સમાચાર પત્રો અને મીડીયાએ આ સમાચારો ખૂબ લડાવી લડાવીને જનતા સમક્ષ રજૂ કરેલા વળી બીબીસી લંડને તો સચિત્ર સમાચારો આપતા સમગ્ર વિશ્વમાં જબરદસ્ત પડઘા પડેલા અને જે તે તંત્રો તો ઠીક પણ કેન્દ્ર સરકાર પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગયેલી.

આ ત્રિસ સિંહોના શિકાર માટે વનતંત્રની અણઆવડત અને બેદરકારી તો છતી થયેલી. પરંતુ આ સિંહોનો શિકાર કરનાર મુખ્ય સુત્રધાર શિકારી આરોપી અને સેમરડી ગામનોજ રહીશ હમાલ હસનને પકડી શકતા ન હતા. જેમ દક્ષિણ ભારતમાં તામિલનાડુ, કર્ણાટક અને કેરલના જંગલોમાં જે આંતરરાષ્ટ્રીય ચંદન ચોર વિરપ્પન ને તે સમયે ત્યાની સરકારો પકડી શકતી નહતી તેમ આ ગુજરાતના ગીરના જંગલમાંથી શિકારી હમાલ હસનને અમરેલી અને જૂનાગઢ જિલ્લાનું વનતંત્ર પકડી શકતુ ન હતુ દક્ષિણ ભારતનો વિરપ્પન તો આંતરરાષ્ટ્રીય ચંદન ચોર અને દાણચોર આર્થિક રીતે સંપન્ન અને ઓટોમેટીક વિદેશી હથીયારોથી સજજ અને આયોજીત ટોળકીઓ, ધરાવતો હતો.

જયારે ગીરનો હમાલ હસન (સમાચાર પત્રો એ બીરૂદ આપેલુ તે ‘ગીરનો વિરપ્પન’)તો એકલો ખાસ કોઈ હથિયારો વગરનો અને જનતાની ભાષામાં કહીએ તો ‘રોટલીયો’ ગુનેગાર જ હતો. તે બચપણથી જ ગીરનાં જંગલોમાં ઉછર્યો હોય નાના મોટા ગુન્હાઓ કરી જંગલોમાં લાંબો સમય ભટકતો રહેતો તે ધારીના દલખાણીયા, ખાંભાના ગીદરડી, કોડીનારના ઘાંટવડના જંગલોમાં તેમજ વિસાવદર, ગીરગઢડા, અને તાલાળાના જંગલોમાં વાંદરાની જેમ લપાતો છુપાતો રહેતો ટુંકમાં ૪૫૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ગીરનાં જંગલોનો તે ભોમીયો થઈ ગયો હતો અને વનતંત્ર તેની પાસે વામણુ પડતુ હતુ તેથી પકડાતો નહોતો. બાકી આમ તો તે મુફલીસ ગુનેગાર જ હતો. આમ તંત્રની નાકામયાબી અને સમાચારોમાં પ્રસિધ્ધિને કારણે તેનું ‘ગીરના વિરપ્પન’નું બીરૂદ મજબુત બની ગયું હતુ.

આથી રાજય સરકારે ગીરના જંગલને ફરતે આવેલા પોલીસ મથકોને પણ ખાસ હુકમ કરીને આ વિરપ્પન હમાલ હસનને પકડવા માટે આદેશો આપેલા તેમ છતા તે પકડાતો નહતો એશિયાખંડના દુર્લભ સિંહોના જથ્થાબંધ શિકારને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બદનામી વધી જતા સરકારે તે વખતના રાજયના પોલીસ વડા દત્તા કે જેઓ સૌરાષ્ટ્રની ભુગોળથી કાંઈક અંશે વાકેફ હતા તેમને આ શિકારીને ખાસ પકડવા તાકીદ કરી.

આથી પોલીસ દળના વડા દતાએ જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સફળતા પૂર્વક ફરજ બજાવી ગયેલા અધિકારીઓને એકઠા કરીખાસ પકડવા માટેના કોમ્બીંગનું આયોજન કર્યું અને આ બંને જિલ્લાનાં ભોમીયા ગણાતા ફોજદાર માનસિંહ રાઠોડની સરદારીમાં અને વનતંત્રની રાહબરી તળે દોઢ હજાર જેટલા જવાનો જેમા પોલીસ એસ.આર.પી.અને વનતંત્રના કર્મચારીઓ તો જુદા તેમનું સંકલન કરી ‘ઓપરેશન હમાલ હસન’ને પકડવાનું મહા અભિયાન શરૂ કરેલું જેનું સુપર વિજન જાતે પોલીસ દળનાવડા દત્તાએ હેલીકોપ્ટરમાં ઉડીને કરેલું આવુ મહાઅભિયાન ભૂતકાળમાં ખૂનખાર બહારવટીયા ‘ભુપત’ને પકડવા પણ થયેલુ નહિ આથી આ સમાચારો મીડીયામાં ખૂબજ પ્રસિધ્ધ થતા મુફલીસ ગુનેગાર હમાલ હસનને બહુ મોટા કવરેજનું બહુમાન મળેલું પણ તેમ છતા હમાલ હસન પકડાયેલો નહિ જાણે હવામાં ઓગળી ગયો!

આ મહાઅભિયાન પૂરું થયા પછી તૂર્ત જ કોડીનાર ના એક પત્રકારે ગીરના જંગલમાં જઈ હમાલ હસનને મળી તેનું ઈન્ટરવ્યુ લઈ ફોટાઓ લઈ સમાચારોમાં પ્રસિધ્ધ કરતા વન તંત્ર તો ઠીક પણ પોલીસદળ ઉપર પણ માછલા ધોવાવા લાગ્યા કે એક માત્ર પત્રકાર ને આ ગુનેગારનો પત્તો મળતો હોય તો આવા હજારોની સંખ્યા વાળા તંત્રોને પત્તો મળતો નથી તે એક કોયડો કહેવાય ! તે પછી પણ તંત્રોના ખૂબ પ્રયત્નો છતા ગુનેગાર હમાલ હસન પકડાયો નહિ અને જંગલમાં જ રખડતો રહ્યો

જયદેવ ધારી થાણામાં હાજર થયો અને ચોરીઓ નો પ્રશ્ર્ન હલ થઈ જતા આ જુનો અને અસંભવ કોયડો ઉકેલવા પ્રયત્ન ચાલુ કર્યો સૌ પ્રથમ તેણે થાણાના અનુભવી જવાનો તથા બાતમીદારો પાસેથી અને રેકર્ડ ઉપરથી હમાલ હસનની ક્રાઈમ કુંડળી મેળવી અને તેની હીલચાલ અવર જવર અને સંભવિત રહેઠાણો અંગે બાતમી મેળવવા પ્રયત્નો શરૂ કર્યા આથી જાણવા મળ્યું કે પોલીસના મહા અભિયાનની ઘોંસને કારણે હમાલ હસને ગુન્હા કરવાનુંતો સદંતર બંધ કરી દીધું છે અને તે ઘાંટવડ અને ગીર ગઢડાના ગાઢ જંગલોમાં રખડતો ભટકતો રહે છે.

તેમ છતા જયદેવે બાતમી મેળવવા પ્રયત્નો ચાલુ રાખ્યા તેને એવી બાતમી મળી કે ધારી થાણાના જ દલખણીયા ગામે હમાલ હસનની એકલી જ રહેતી પ્રેમીકા સંજુ નામની વિધવા સ્ત્રી ગામના પાદરમાં જંગલને અડીનેજ આવેલ ઝુંપડામાં રહે છે તેને કયારેક કયારેક રાતવરત મળવા આવે છે. અને હમાલ એકાદ કલાક રોકાઈને તુરંત જ પાછો જંગલમાં ઉતરી જાય છે. આથી જયદેવ ખાનગી કપડામાં દલખાણીયા ગામે આવ્યો જીપને ગામમાં આઉટ પોસ્ટ માંજ રાખીને તેણે પગપાળા ચાલીને હમાલ પ્રેમીકા સંજુના ઘેરની રેકી કરી, જગ્યા જોઈ આથી આરોપી ઓચિંતો આવ્યાની બાતમી મળે તો જવાનોને સાથે લઈ મકાનમાં રાત્રીનાં સમયે કઈ રીતે ખાબકવું તેનું આયોજન કર્યું

સામાન્ય રીતે પોલીસની ગુપ્ત હિલચાલની ગુનેગારોતો ઠીક પણ આમ જનતા પણ કાંઈક ઈંતેજારીથી અને શું થવાનું છે કે થશે તેના કારણે નોંધ લેતી હોય છે. આ જયદેવની રેકીની ખબર હમાલ પ્રેમીકા સંજુને પડતા જ તે ઉપાધીમાં પડી ગઈ આથી સંજુએ દલખાણીયાના મહિલા અગ્રણી  અને ફુલનદેવી જેવો રોલો ધરાવતા ગગીબેનનો સંપર્ક કર્યો. આ ગગીબેન આર્થિક રીતે સમૃધ્ધ પરિવારના અપરિણીત, આધેડ વયના સમાજસેવી સ્વભાવના હતા અને વિશાળ બંગલામાં નોકરચાકર સાથે એકલા જ રહેતા હતા નોકરચાકર સહ કુટુંબ અલાયદા આઉટ હાઉસમાં રહેતા હતા.

આ ગગીબેન સમૃધ્ધ અને વિશાળ ખેતી ઉપરાંત આધુનિક ફાર્મ હાઉસ પણ ધરાવતા હતા. તેમના ભાઈઓ વિદેશમાં તથા અન્ય રાજયોમાં મોટાગજાના ઉદ્યોગપતિઓ હતા ગગીબેનના બંગલામાં ટેલીફોન સહિતની આધુનિક સુવિધાઓ પણ હતી અને ખેતી કામ માટે માણસોની મોટી ફોજ પણ હતી અને બંગલામાં ગ્રેટ ડેન જાતીનો વિશાળ કુતરો પણ પાળેલો હતો.

આ ગગીબેન છ ફૂટ ઉંચાઈના પડછંદ અને મજબુત બાંધાના અને લાયસન્સી હથીયાર બંધૂક અને જીપ, કાર જેવા વાહનો પણ રાખતા હતા અને વાપરી પણ જાણતા હતા. દલખાણીયા ઉપરાંત આજુબાજુના ગીર કાંઠાના ગામડાઓમાં તેમની સામાજીક સેવા સાથે ધાક પણ એવી જ હતી અને વિનમ્રતા અને અડગતા પણ હતી. આવા ગગીબેનનું વ્યકિતત્વ રાજકારણીઓને કણાની જેમ ખૂંચતુ પણ ગગીબેનના ભાઈઓ, અને સમાજમાં તેમના કુટુંબના માભાને કારણે કોઈ તેમનું નામ પણ લઈ શકતુ નહિ. ગગીબેન વિનયી વિવેકી અને પરોપકારી સ્વભાવના હતા તેમના ફાર્મ હાઉસમાં કોઈ મહેમાન આવે તો તેની આગતા સ્વાગતા માટે પણ અલગ ખાસ રસાલો રાખેલો.

ગગીબેન સરકારના તમામ તંત્રો શિક્ષણ, આરોગ્ય પોલીસ, રેવન્યુ, પંચાયત અને વનખાતા સહિત તમામ સાથે સારૂ સંકલન રાખી હંમેશા મદદ માટે તૈયાર રહેતા, તો તંત્રો પણ ગગીબેનની વ્યાજબી અને કાયદેસરની બાબતોમાં તેમને સહકાર આપતા, આ બાબત જ સ્વાર્થી રાજકારણીઓને પસંદ પડતી નહિ.

જયદેવ જયારે ટાસ્ક ફોર્સના ફોજદાર તરીકે અમરેલી હતો ત્યારે દલખાણીયા આઉટ પોસ્ટના એક લોકપ્રિય જમાદારની બદલી સ્વાર્થી રાજકારણીએ અન્ય જગ્યાએ કરાવેલી આથી ગગીબેન તેની બદલી રદ કરાવવા માટે રાજકોટના એક પ્રતિષ્ઠિત વ્યકિત કે જેઓ જયદેવના પરિચયમાં હતા તેને લઈ રૂબરૂ માં અમરેલી, આવી આ જમાદારને પાછા દલખાણીયા જ નિમણુંક કરાવવા માટે વિનંતી કરેલી. જયદેવ જે તે વખતેના નિષ્ઠાવાન પોલીસ વડાને આ રાજકીય રીતે બદલાયેલ જમાદારને પાછા દલખાણીયા મુકવા સમજાવવામાં સફળ રહેલો, અને જમાદાર પાછા દલખાણીયા મુકાયેલા આથી ગગીબેનનો તમેના વિસ્તારમાં વટ પડી ગયેલો.

હમાલની પ્રેમીકા સંજુ કડકા અને લુખા થઈ ગયેલા હમાલથી હવે ‘ગળે આવી ગઈ’ હતી સામાન્ય રીતે આવેગના ઉન્માદ અને ઉત્સાહ કે મજબુરી કે લાલચમાં ઉતાવળે અને વગર વિચાર્યે બાંધેલા વિજાતીય સંબંધો અમુક સમયે ગળામાં ફસાયેલા હાડકા જેવા બની જતા હોય છે. અને પછી અનેક પ્રકારની મુશ્કેલીઓ અને બદનામી પણ ઉભી કરતા હોય છે. આમ પોલીસની છુપી હિલચાલને કારણે ગભરાયેલી સંજુ ગગીબેનને મળી અને રજૂઆત કરીકે હવે તો હદ થઈ ગઈ છે. મુઓ (હમાલ) પોલીસમાં પકડાતો પણ નથી અને રજૂ પણ થતો નથી વળી રાતવરતના ગમે ત્યારે તે આવી ચડે છે.

જો પોલીસને ગંધ આવી ગઈ અને દરોડો પડયો તો તે મુઆનું તો જે થવાનું હોય તે થાય પણ વગર કારણે મારા વિરૂધ્ધ પણ કાર્યવાહી થાય અને બદનામી થાય તે તો સમજયા પણ જો સામસામા ભડાકા થયા તો જાનનું પણ જોખમ છે. તમે બેન કાંઈક ઉપાય કરો કેમકે તેતો રોયો (હમાલ) હરાયા પશુ જેવો છે. અને મરણીયો થયો છે ગમે તે કરે, હવે તો તેને તો મારૂ કે મરૂ તેવું છે કેમકે તે કહેતો હતો કે છાપાવાળા કહેતા હતા કે જંગલ ખાતા વાળા એટલા ભુરાયા થયા છે કે હવે તે હાથમાં આવે તો તેની પાકકી દવા (એન્કાઉન્ટર) જ કરી નાખી બદનામી દૂર કરવાના છે. તેથી જંગલ ખાતા ઉપર જરાપણ ભરોસો નથી. ગગીબેને સંજુને પુછયું કે ‘તો શું તેને પોલીસ પાસે શરણે જવું છે? સંજુએ કહ્યું’ એ હું તેને પુછીને કહીશ’ થોડા દિવસ પછી સંજુ ફરીથી ગગીબેનને મળી અને કહ્યું કે ‘હમાલ પોલીસ પાસે સરંડર થવા માગે છે. પણ પોલીસ જીવન અભય વચન આપે તો, એન્કાઉટર ન કરે તો બાકી મારકૂટ ભલે કરે !’

ગગીબેન દલખાણીયા આઉટ પોસ્ટના જમાદારને પુછયું કે ‘આ ફોજદાર જયદેવ જે પહેલા અમરેલી ટાસ્ક ફોર્સમાં હતા તેજ છે કે?’ જમાદારે હા કહેતા જ ગગીબેને તેને કહ્યું કે ‘તો તમે ફોજદાર સાહેબને પૂછી જોજો કે ગગીબેન દલખાણીયા વાળા ધારી મળવા આવે?’જયદેવે જમાદારને કહ્યું તેમાં પુછવાનું શું હોય? પોલીસ સ્ટેશનનાં દરવાજા તો આમેય ચોવીસેય કલાક તમામ માટે ખૂલ્લા જ રહે છે. અને આમ ગગીબેન જમાદારને લઈ ધારી આવી જયદેવને મળ્યા અને ભૂતકાળમાં પોતાનો વટ રહી જાય તે રીતે જમાદારની પાછી દલખાણીયા નિમણુંક કરાવેલી તે માટે આભાર વ્યકત કર્યો અને કહ્યું કે ‘હું આજે એવું કામ લઈને આવી છું કે પોલીસ દળમાં તો ઠીક પણ સમગ્ર ગુજરાતમાં છાપાઓ અને સમાચાર પત્રોમાં તમારો ડંકો વાગી જાય જે કાર્ય બે જીલ્લાની પોલીસ અને દોઢ હજાર અન્ય પોલીસ દળના જવાનો અને સમગ્ર ગીરનુંજંગલ ખાતુ કરી શકયું નથી.

તેનો જશ તમને અપાવવો છે ‘જયદેવ મનમાં તુરંત સમજી ગયો છતા ગગીબેન પાસેથી પુરી વિગત જાણી. ગગીબેને કહ્યું ‘આમતો હમાલ હસન કોઈનો ભરોસો કરતો નથી. પરંતુ મને તમારો વિશ્વા છે. તેથી એક અભય વચન સાથે હું હમાલને તમારી પાસે શરણે લાવવા માંગુ છું. જયદેવે પૂછયું ‘શું અભય વચન?’ ગગીબેને કહ્યું ‘તમારે હમાલને જે રીતે ટ્રીટ મારકૂટ કરવી હોય તે છૂટ પણ કોઈ તેનું ખોટું એન્કાઉન્ટર કરી નાખે નહિ તે માટે તમારે એક ક્ષત્રીય તરીકે વચન આપવાનું છે.’ આમ તો જયદેવ જાણતો હતો. કે હમાલ બદમાશતો ખરો જ અને લાવારીશ પણ છે.

તેની પાછળ રડવાવાળુ કોઈ નથી તેથી ‘આંકડે મધ અને તે પણ રેઢુ’ તેવો મોકો હતો. પરંતુ વચનની વાત અને તે પણ ક્ષત્રીય તરીકે તે વાત જયદેવ માટે અધરી હતી. તેણે ગગીબેનને કહ્યું તમે એકાદ કલાક ગામમાં કામ હોય તે પતાવીને પાછા આવો ત્યાં હું નકકી કરી લઉ.

ગગીબેન ગયા બાદ જયદેવનું મનોમંથન ચાલુ થયું એક વ્યકિત જે ભલે ગુનેગાર હતી પણ તેની જીંદગી હતી. બીજી બાજુ પોતે તો વચન આપી તેનું પાલન કરે પરંતુ બીજા પોલીસ સ્ટેશનો કે વનતંત્ર નું શું ? તેઓની વચન બધ્ધતા અંગે જવાબદારી કેટલી? તે દ્રષ્ટીએ જયદેવને હમાલ હસનનું ભવિષ્ય એટલે કે મૃત્યુ સ્પષ્ટ પણે જણાતું હતુ. જયદેવ ‘અશ્વયો નરોવા કુંજરોવા’ની જેમ મભમ વચન આપી શકે તેમ હતો, પરંતુ આમ સમાજમાં જે ક્ષત્રીય સમાજની વચન બધ્ધતા અંગેની છાપ અને માન્યતા તથા પ્રતિષ્ઠા છે.

કે શરણે આવેલાને જોતે બચાવી શકે નહિ તો તે તેના માટે જબ‚ લાંછન રૂપ માનતો હોય તેણે વિચાર્યું કે હું તો એન્કાઉન્ટર ન કરૂ પરંતુ બીજા અધિકારીઓ તેને ટ્રાન્સ્ફર વોરંટથી લઈ ગયા પછી શું થાય તે નકકી નહી અને પોતે તેને બચાવી શકે નહિ. તેણે વિચાર્યું કે શરણે આવેલો આત્મા પણ પરમાત્મા જરૂ પોતાને જો જીંદગી આપવાની સતા નથી તો જીંદગી લઈ લેવાનો શું અધિકાર? પરંતુ બીજી બાજુ મનમાં જબ્બરદસ્ત પ્રસિધ્ધી અને ઈનામની લાલચ દેખાતા હતા.

નજર સામે હેડ લાઈનમાં સમાચારો અને પોતાની તસ્વીરો નજરે તરવા લાગી કે જે ગુનેગારને આટલા લાંબા સમયથી આટલુ વિશાળ પોલીસ દળ અને વનતંત્ર પકડી શકતા નહતા તેને ફોજદાર જયદેવે ધારી આવતા વેંત ચપટી વગાડતા સિંહોના શિકારી અને ગીરના વિરપ્પનને તેની પ્રેમીકા સંજુના ઘેરથી પકડી પાડયાના સમાચારો અને તસ્વીરોની પ્રસિધ્ધીની લાલચો નજર સામે તરવરવા લાગી અને જયદેવે પોતાનો નિર્ણય પાકકો કરી લીધો.

કલાક પછી ગગીબેન પાછા તેમની જોંગો જીપ લઈને ઘણા ઉમંગ અને હરખથી પોલીસ સ્ટેશનને આવ્યા તેમને મનમાં ત્રણ મોટા ઉમંગ હતા. એક તો જયદેવે ભૂતકાળમાં કરેલ ઉપકારનો બદલો પાછો વળી જાય બીજુ પોતાના ગીર કાંઠાના ગામડાના લોકોને હમાલની રંજાડ બંધ થતા સેવા થાય અને જનતામાં પોતાનો હમાલને રજૂ કર્યાનો રોલો પડે અને ત્રીજુ તેમના રાજકીય હરીફોને બતાવી શકે કે તેણીજ ગરીબ અને આમ જનતાના સેવક છે. અને આવા ખૂંખાર ગુનેગારને પકડાવી સમાજને સુરક્ષા પણ અપાવી શકે તેમ છે. !

આમ ગગીબેન મનમાં મલકાતા મલકાતા ફોજદાર જયદેવને મળ્યા જયદેવે આવકાર આપીને ગગીબેનને કહ્યું ‘બેન હું હમાલ હસન ને અભય વચન આપી શકુ નહિ અને જો આપું તો પણ બીજા કોઈ તેનો કબ્જો લઈ તેનું એન્કાઉન્ટર કરી નાખે તો મારા વચનનો પણ ભંગ થાય. હવે વાત રહી દલખાણીયાની મને કે મારી પોલીસને જો બાતમી મળી કે હમાલ હસન તેની પ્રેમીકા સંજુને ત્યાં આવ્યો છે તો હું પૂરતી તૈયારી સાથે ત્યાં ખાબકીશ અને અમારા હથીયારોની નજરે હમાલ ચડયો તો તમે જાણો જ છો કે ગોળી ઉપર કોઈનું નામ લખેલું નથી હોતુ, તે પછી તે હમાલ હોય કે તેના જોડીદાર કે આશ્રયદાતા હોય ! મને મારી વચન બધ્ધતા અને શરણે આવેલાની રક્ષા કરવાના સિધ્ધાંતને વળગી રહું છું પણ તે જ રીતે એક ક્ષત્રીય તરીકે મને સમાજ અને સરકારના દુશ્મન ગુનેગાર પ્રત્યે લડાઈના મેદાનમાં કોઈ દયા કે લાગણી પણ ન હોય તે પણ તમો સમજી શકો છો’

આ સાંભળીને ગગીબેનના તમામ ઉમંગ અને ઉત્સાહ એકદમ ઉડી ગયા અને થોડીવારે ધીમેથી બોલ્યા ‘ભલે સાહેબ આપની મરજી’ અને તેઓ રવાના થયા પરંતુ તે દિવસથી દલખાણીયાનું ઝુંપડુ પણ સંજુએ ખાલી કરી નાખ્યું અને કયાંક અલોપ થઈ ગઈ ! પોલીસને ત્યાર પછી તેનો કોઈ પત્તો લાગ્યો નહિ.

જયદેવની અમરેલીથી ભાવનગર જીલ્લામાં બદલી માટે ભાવનગરના વરિષ્ઠ આગેવાને અથાક પ્રયત્નો કરેલા પરંતુ તે સમયે રાજયના પોલીસ વડા રહેલા અધિકારી જેઓ જીવનભર નિષ્ઠાવાન અને પ્રમાણીક રહેલા પરંતુ છેલ્લે રાજયના પોલીસ વડા બન્યા બાદ વહેવારીક બની ગયેલા તેઓએ ખજુરીયા મુખ્યમંત્રીના સીધ્ધા આદેશ અને માર્ગદર્શન છતા જયદેવનો બદલી હુકમ સિધ્ધો ગાંધીનગરથી જ અમરેલીથી ભાવનગર કરવા ને બદલે તેમણે જૂનાગઢ રેન્જના પોલીસ વડાને હુકમ કર્યો કે તમે જયદેવને અમરેલીથી ભાવનગર બદલો ! આમ ને આમ જયદેવ આઠ દસ મહિના લટકી રહ્યો અને બગસરા કુંકાવાવ ધારી એમ ભટકતો રહ્યો. પરંતુ હવે જયદેવને ધારી પોલીસ સ્ટેશન માફક આવી ગયું હતુ તેથી ભાવનગર બદલવાની ઈચ્છા પણ ન હતી અને તે કોઈને યાદી પણ આપતો નહતો.

મોડે મોડે પણ જયદેવનો બદલી હુકમ જૂનાગઢ રેન્જ પોલીસ વડાએ અમરેલી પોલીસ વડાને મોકલી દીધો અને ગમે તે રીતે અમરેલી રાષ્ટ્રીય પાર્ટીના યુવરાજને તે બાબતની ખબર પડી યુવરાજને જયદેવને વિધાનસભા પેટા ચૂંટણી સુધી રાખવાની ઈચ્છા હતી તેથી પોલીસ વડાને તેણે કહ્યું કે તે હુકમ નો અમલ તો વિધાનસભાની ચૂંટણીઓ પછી જ કરવો ! પરંતુ કાળની ગતિ અકળ છે. એક રોડ અકસ્માતાં યુવરાજનું અકાળ અવસાન થયું અને જયદેવના બદલી હુકમ ઉપરનું બાન પણ ઉઠી ગયું. જયદેવની હવે ઈચ્છા ધારી જ રહેવાની હોવા છતા ન છૂટકે ભાવનગર જિલ્લા માટે ધારીથી છૂટો થઈ જતો રહ્યો.

‘બુરે કામ કા બુરા નતીજા’તે ન્યાયે જયદેવે બે ચાર મહિના બાદ ગઢડા (સ્વામી) પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે છાપામાં સમાચાર વાંચેલા કે ગીરનો વિરપ્પન હમાલ હસન ખાંભાના ગીદરડીના જંગલમાંથી અમરેલી પોલીસના હાથે ઉંઘતો ઝડપાયેલો પરંતુ ત્યારબાદ કોડીનાર પોલીસ હમાલને એક ખૂન કેસની તપાસમાં ટ્રાન્સફર વોરંટથીલઈ ગયેલ અને તપાસ દરમ્યાન ઘાટવડના જંગલોમાં તે કોડીનાર પોલીસ સાથેની અથડામણમાં ઠાર મરાયેલો!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.