Abtak Media Google News

શ્રાવણે કરાવ્યો સુખદ અનુભવ

શ્રાવણ બાદ પણ દર્શન માટે ઓનલાઈન, ઓફલાઈન પાસ સિસ્ટમ ચાલુ રાખવા સોમનાથ મંદિર ટ્રસ્ટનો નિર્ણય

સરકારની ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે દર્શન માટે શ્રી સોમનાથ મંદિરમાં શ્રાવણ માસ બાદ પણ ખાસ સિસ્ટમ અમલી રાખવા સોમનાથ ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. શ્રાવણ માસ દરમ્યાન કોરોનાની વૈશ્ર્વિક મહામારી દરમિયાન શ્રદ્ધાળુઓને નિયત સમયમાં શાંતીથી સામાજીક અંતર જાળવીને દર્શન માટે ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન પાસ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી તેનો સારો પ્રતિસાદ મળ્યો છે. શ્રાવણ માસમાં ૧,૮૧,૮૪૬ શ્રદ્ધાળુઓએ ઓનલાઈન અને ઓફલાઈન પાસ સિસ્ટમથી સારી રીતે દર્શન કર્યા છે. તેમજ આ સિસ્ટમ ગોઠવ્યા બદલ અનેક શ્રદ્ધાળુઓએ ટ્રસ્ટને અભિનંદન આપ્યા છે.

Advertisement

અનેક મંદિરોમાં પણ દર્શન માટે પાસ સિસ્ટમ અમલમાં છે. શ્રી સોમનાથ મંદિરમાં પણ શ્રાવણ માસના સુખદ અનુભવ પછી દર્શન માટે ઓનલાઈન અને ઓફલાઈન પાસ સિસ્ટમ ચાલુ રાખવાનું નકકી કરવામાં આવ્યું છે. હવે પછી શ્રદ્ધાળુઓએ શ્રી સોમનાથ મંદિરમાં દર્શન માટે ઓનલાઈન/ ઓફલાઈન પાસ લેવાનો રહેશે.

શ્રાવણ માસ દરમ્યાન શ્રદ્ધાળુઓ દ્વારા ૫૪ જેટલી સવાલક્ષ બિલ્વપૂજા, ૧૫૩ ઘ્વજાપુજા, શ્રાવણ માસના ત્રીસ દિવસની શૃંગારપુજા પણ જુદા જુદા ભાવિકો દ્વારા કરાવવામાં આવી છે. તેમજ ૪૬ તત્કાલ મહાપૂજા પણ શ્રદ્ધાળુઓ દ્વારા કરાવવામાં આવી હતી. શ્રાવણ માસ બાદ તા.૨૦/૦૮/૨૦૨૦થી શ્રી સોમનાથ મંદિરનો સમય સવારે ૬:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યાનો રહેશે. મંદિરની ત્રણેય આરતીમાં કોઈપણ શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં નહીં આવે. આરતી સિવાયના સમયમાં શ્રદ્ધાળુઓ પાસ મેળવી દર્શન કરી શકશે.

દર્શનનો સમય સવારે ૭:૩૦ થી ૧૧:૩૦, ૧૨:૩૦ થી ૬:૩૦ અને સાંજે ૭:૩૦ થી ૯:૩૦નો રહેશે. ઓનલાઈન દર્શન પાસની જેમ ઓનલાઈન ઈ-પૂજા સંકલ્પની જે વિડીયો કોલીંગ મારફત પૂજાવિધિનો સંકલ્પ કરાવવાની વ્યવસ્થાને પણ દેશ-વિદેશના ભકતોનો સારો પ્રતિસાદ મળ્યો છે. જેથી શ્રી સોમનાથ મંદિરમાં ભકતો પોતાના જન્મદિન, લગ્નદિન કે શુભ પ્રસંગોએ પોતાના ઘરેબેઠા પણ વિડીયો કોલીંગના માધ્યમથી શ્રી સોમનાથજીના દર્શન, ઈ-પુજા સંકલ્પ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.