Abtak Media Google News

સામાજિક શાંતિ ડહોળીને રાજકીય રોટલાં શેકી રહેલા તત્વોની ચાલબાજીમાં નહીં ફસાવા જનતાને ભાજપ અગ્રણીની અપીલ

ગુજરાતમાં વસતા અન્ય દેશવાસીઓ પરના હુમલાના બનાવોને ભાજપના અગ્રણી અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવક્તા  રાજુભાઈ ધ્રુવે સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે અને સમગ્ર ગુજરાતની પ્રજાને સંપૂર્ણ શાંતિ જાળવવાની હાર્દિક અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, કોઈપણ ગુનાખોર કોઈ નાત, જાત, કોમ કે પ્રાંતનો પ્રતિનિધિ હોતો નથી અને કોઈ એકલ-દોકલ ગુનાખોરી માટે સામુહિક દોષ દઈ શકાય નહીં. નાત, જાત, કોમ, ધર્મ, ભાષા અને પ્રાંતના વૈવિધ્ય વચ્ચે એકાત્મ ભાવ એ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે અને તેના થકી જ ભારતીય પ્રજા હજ્જારો વર્ષોથી પોતાની આગવી ઓળખ જાળવી શકી છે એ હકીકત કોઈપણ દેશવાસીએ ભૂલવા જેવી નથી. તેમણે જણાવ્યું છે કે, પોતાના રાજકીય મનસુબાઓ પાર પાડવા માટે ખાટસવાદિયા તત્વો ગુનાખોરીની ઘટનાઓને રાજકીય રંગ આપવા તૈયાર જ બેઠા હોય છે; તેઓનો એકમાત્ર ધંધો પ્રજાની લાગણીઓ ભડકાવીને આગ ચાંપવાનો અને તેમાં પોતાના રાજકીય રોટલાં શેકવાનો હોય છે. આવા તત્વોથી સતત સાવચેત રહેવા અને માનવી માનવી વચ્ચે શત્રુતાની આગ ભડકાવી રહેલા તત્વોને ખૂલ્લા પાડવામાં સક્રિય સહકાર આપવાની પ્રજાજોગ હાકલ  ધ્રુવે કરી છે.

Advertisement

વસુધૈવ કુટુમ્બકમના સૂત્રને સાચા અર્થમાં કોઈએ ચરિતાર્થ કર્યું હોય તો એ ગુજરાતી પ્રજાએ કર્યું છે. ગુજરાતી પ્રજાએ કદીયે કોઈને પારકાં ગણ્યા નથી, સહુને રોટલો અને ઓટલો આપીને પોતાના સ્વજન સમાન બનાવ્યા છે; ગુજરાતની ભૂમિ યોગેશ્વર  કૃષ્ણની ભૂમિ છે; વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે જેવા સમગ્ર માનવજાત માટે મહાન પ્રેરણાદાયી ભજનના રચયિતા નરસિંહ મહેતાની ભૂમિ છે, સમગ્ર વિશ્વને અહિંસાનો સત્ય અને અહિંસાનો સંદેશો આપનાર મહાત્મા ગાંધીની ભૂમિ છે. ઈરાનથી પહેર્યે કપડે આવેલા પારસીઓને ગુજરાતની ધરતીએ પોતાના સંતાનની જેમ આશ્રય આપ્યો હતો અને આજે એ જ પારસીઓએ જગતભરમાં સવાયા ગુજરાતી તરીકેની નામના મેળવી છે. ગુજરાતી પ્રજાની આ ભવ્ય અને મહાન પરંપરાને માત્ર ને માત્ર પોતાનો સંકૂચિત રાજકીય સ્વાર્થ સાધવા માટે કોંગ્રેસ પ્રેરિત તત્વો નુકસાન પહોંચાડવાનો દુષ્ટ પ્રયાસ કરી રહ્યા છે. સત્તા વિના ટળવળી રહેલી કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા કબજે કરવા દેશમાં નાત, જાત, કોમ, ધર્મ અને પ્રાંતના ભેદભાવ ઊભા કરવાની અત્યંત ગંદી ચાલ ચાલી રહી છે તે હકીકત સમજીને સંપૂર્ણ શાંતિ જાળવવી અને પરપ્રાંતની એકપણ વ્યક્તિ ગુજરાતમાં સહેજ પણ ભય પામે નહીં તે બાબત સુનિશ્ચિત કરવાની આ ઘડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.