Abtak Media Google News

ડાયાબિટીસ, ટી.બી., પેઇનકીલર્સનો પણ એસેન્શિયલ મેડિસિન્સની યાદીમાં સમાવેશ કરાશે !!

અગાઉ જે રીતે અનેક એન્ટિબાયોટિક દવાઓનો નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ(એનએલઇએમ)માં સમાવેશ કરીને સરકારે ભાવ બાંધણું કર્યું હતું તે જ રીતે હવે અન્ય ઘણીબધી દવાઓનો પણ આ લિસ્ટમાં સમાવેશ કરીને દવાઓનું ભાવ બાંધણું કરવામાં આવશે જેના લીધે આ દવાઓ સસ્તી થશે. જે દવાઓનો લિસ્ટમાં સમાવેશ થશે તેમાં હજુ અનેક એન્ટિબાયોટિક્સ, નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી પ્રોડક્ટ્સ, પેઇનકિલર્સ તેમજ લાંબા ગાળાના રોગોની દવાઓનો સમાવેશ થાય તેવી પ્રબળ શકયતા છે.

એનએલઇએમમાં સૂચિબદ્ધ દવાઓ અને ઉપકરણોનો કિંમત નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ) દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. એનપીપીએ દ્વારા જે કિંમત નક્કી કરવામાં આવી હોય તેનાથી ઉંચી કિંમત વસૂલી શકાતી નથી. જેનો સીધો ઉદ્દેશ્ય એવો હોય છે કે, આ દવાઓની સંગ્રહખોરી કરી બજારમાં અછત ઉભી કરી ઉંચો નફો મેળવી શકાય નહીં અને જરૂરિયાતના સમયે આ દવા સરળતાથી નિર્ધારિત ભાવમાં મળી રહે. જ્યારે બિન-શિડ્યુલ્ડ સૂચિમાં રહેલી દવાઓ 10% ના મહત્તમ વાર્ષિક ભાવ વધારાની મંજૂરી આપવામાં આવે છે.

એનએલઇએમની યાદી છેલ્લે વર્ષ 2015માં રજૂ કરાઈ હતી. આ યાદીમાં દર ત્રણ વર્ષે સુધારો કરવો તેવી જોગવાઈ છે પરંતુ વાસ્તવિકમાં એવું ક્યારેય બન્યું નથી.

આરોગ્ય મંત્રાલયે દવાઓની સમીક્ષા કરવાની કવાયત ફરીથી શરૂ કરી દીધી છે. જેને હવે અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યો છે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી દવાઓ જે ગયા વર્ષે ભાવ નિયંત્રણ હેઠળ લાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી તેમાં ડાયાબિટીસ વિરોધી દવાઓ જેવી કે ટેનેલિગ્લિપ્ટિન અને ઇન્સ્યુલિન ગ્લેરજીન, એન્ટિ-ટ્યુબરક્યુલોસિસ દવાઓ બેડાક્વિલિન અને ડેલામેનિડ, એન્ટિપેરાસાઇટિક આઇવરમેક્ટીન અને રોટાવાયરસ રસીનો સમાવેશ થાય છે.

આરોગ્ય સંશોધન વિભાગના ભૂતપૂર્વ સચિવ અને ભારતીય તબીબી સંશોધન પરિષદના ડિરેક્ટર-જનરલ બલરામ ભાર્ગવની આગેવાની હેઠળની નેશનલ લિસ્ટ ઑફ એસેન્શિયલ મેડિસિન્સ (એનએલઇએમ) સમિતિ હાલ સમયની જરૂરિયાત મુજબ જે દવાઓ બજારમાં સતત સરળ રીતે તેમજ સસ્તી કિંમતમાં મળી રહે તેના માટે દવાઓની યાદી તૈયાર કરી રહી છે. એનએલઈએમમાં સમાવિષ્ટ દવાઓ માટે ઉત્પાદકોએ સરકાર દ્વારા નિર્ધારિત ફોમ્ર્યુલાનો ઉપયોગ કરીને નિર્ધારિત કિંમતની ટોચમર્યાદા કરતાં સમાન અથવા ઓછી કિંમતે વેચાણ કરવું જરૂરી છે.

ટોચમર્યાદા કિંમતની ગણતરી ઓછામાં ઓછી 1 ટકા બજારહિસ્સો ધરાવતી વિવિધ બ્રાન્ડની દવાઓના બજાર ભાવની સરળ સરેરાશ પર આધારિત છે.

અગાઉની આરોગ્ય મંત્રાલયે ભાવ નિયમન માટે લાયક દવાઓની સૂચિ તૈયાર કરી હતી, જેના પગલે રસાયણો અને ખાતર મંત્રાલય હેઠળના ફાર્માસ્યુટિકલ્સ વિભાગે તેમને ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરની સૂચિ 1 માં સમાવિષ્ટ કર્યા હતા. ત્યારબાદ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ દવાઓની કિંમતો નક્કી કરી હતી.

કેન્સરને નોટિફાઇડ રોગ જાહેર કરવા ભલામણ: સંશોધનને વેગ મળશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિએ કેન્સરને નોટિફાઇડ ડીસીઝ તરીકે વર્ગીકૃત કરવાની ભલામણ કરી છે. સોમવારે રાજ્યસભામાં 139મો અહેવાલ દાખલ કરવામાં આવ્યો છે જેમાં સમિતિએ જણાવ્યું છે કે, કેન્સરને નોટિફાઇડ ડીસીઝ જાહેર કરવાથી કેન્સરની વ્યાપકતા જાણવામાં ખૂબ મદદ મળશે ઉપરાંત ક્યાં પ્રદેશમાં કેવા પ્રકારના કેન્સરની વ્યાપકતા છે તે જાણીને એક સચોટ સંશોધન કરી શકાશે.

ઇન્ટરેક્ટિવ ટૂલ્સ સાથે કેન્સરની સંભાળ માટે નોંધણી, રીઅલ-ટાઇમ ડેટા સંગ્રહ, કાઉન્સેલિંગ, સહાયક સંસાધનો માટે એક પોર્ટલ બનાવવાની ભલામણ પણ સમિતિ દ્વારા કરવામાં આવી છે. સાંસદ રામ ગોપાલ યાદવની આગેવાની હેઠળની સમિતિએ જણાવ્યું હતું કે, પોર્ટલ કેન્સરથી પીડિત લોકોને સારવાર અને વ્યવસ્થાપન માટે માર્ગદર્શન આપનારું બની રહેશે. સમિતિએ ઉમેર્યું છે કે કેન્સરને હજુ નોટિફાયેબલ રોગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું નથી જેના પરિણામે કેન્સરથી થતા મૃત્યુના અહેવાલો સરકાર સુધી પહોંચી શકતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.