Abtak Media Google News

કાર્યક્રમમાં  પ્રાચીન ગરબા, અઠંગો રાસ, પાંચાળ પ્રદેશનો પ્રખ્યાત હુડો રાસ અને ગીરના સીદીઓનું ધમાલ નૃત્ય થશે રજૂ

રાસ-ગરબા-ડાયરાની વિસરાતી જતી પરંપરાને ઉજાગર કરતી વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક કૃતિઓની કરાશે કલાત્મક પ્રસ્તૃતિ

રાજકોટ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે તા. 05થી 09 સપ્ટેમ્બર સુધી “રસરંગ લોકમેળા”નું આયોજન કરાયું છે. જેના ઉદઘાટન કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશભાઈ દીહોરાના માર્ગદર્શન હેઠળ રાસ-ગરબા-ડાયરાની વિસરાતી જતી પરંપરાને ઉજાગર કરતી વૈવિધ્યપૂર્ણ નવ સાંસ્કૃતિક કૃતિઓની કલાત્મક પ્રસ્તુતિ કરાશે. જે પૈકી શ્રીવૃંદ ગ્રુપ અર્વાચીન ગરબા અને અઠંગો રાસની જમાવટ કરશે.  આ સાથે પાંચાળ પ્રદેશનો પ્રખ્યાત હુડો રાસ અને  ગીરના  સીદીઓનું ધમાલ નૃત્ય રજૂ થશે. શ્રીવૃંદ  ગ્રુપના સંચાલક વિરંચીભાઈ બુચ જણાવે છે કે શ્રીવૃંદ ગ્રુપ દ્વારા પ્રસ્તુત થનારા અર્વાચીન ગરબાના શબ્દો છે “નભના ચોકે નવદુર્ગા રમતી હતી રાસ”. નવદુર્ગાના ગરબામાં દસ યુવતીઓ માતા દુર્ગાના દસ સ્વરૂપને રજૂ કરશે. આ ગરબાએ ઇન્ટરનેશનલ કલ્ચરલ ફેસ્ટિવલ, કુલુમાં દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેમજ “અમે મહિયારાં રે ગોકુળ ગામનાં..” અર્વાચીન ગીત ઉપર અઠંગો રાસને આઠ કલાકાર મહિલાઓ રજૂ કરશે. આ કૃતિ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને સમગ્ર દેશમાં પ્રથમ આવી છે. બંને કૃતિ માટે શ્રી પ્રાપ્તિબેન બુચ તથા શ્રી રન્નાબેન છાયા જહેમત ઊઠાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો હોવાનું મનાય છે. ભારતીય પ્રાચીન પરંપરામાં ગરબાને માતા આદ્યશક્તિની ભક્તિ સાથે જોડવામાં આવ્યા છે. નવરાત્રિના તહેવાર દરમિયાન ભક્તો કાણાવાળી મટકીમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીનું પૂજન-અર્ચન કરે છે. તેમજ ગરબા ગાઈને તથા ગરબે ઘુમીને માતા પાર્વતીના નવ રૂપોની ઉપાસના કરે છે.

આ ઉપરાંત, અઠંગો રાસને ગોફ રાસ અને ગૂંથણી રાસ પણ કહેવાય છે. જે કાન્હા-ગોપીની યાદમાં દાંડિયાથી રમાય છે. રાસના મઘ્યમાં વાંસનો દંડા સાથે જુદા-જુદા રંગોના દોરડાઓ બાંધેલા હોય છે. રાસ રમતી વખતે દરેક ખેલૈયાના હાથમાં દોરડાનો છેડો હોય છે. ચાર-ચાર ભાઈઓ-બહેનો રાસ લેતા-લેતા દોરડાંની ગૂંથણી કરતા જાય છે. તેવી જ રીતે, ગૂંથણી કર્યા બાદ રાસ રમતા-રમતા ઉકેલતા જાય છે. ક્યારેક ગૂંથણીવાળી જગ્યાએ પ્રસાદ ભરેલી મટુકી મૂકાય છે. રાસ બાદ એક યુવક શ્રીકૃષ્ણ બની પ્રેક્ષકોને પ્રસાદ વહેંચે છે.

ઉદઘાટન કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થનાર છે જેમાં પાંચાળ પ્રદેશના ભરવાડનો પ્રખ્યાત હુડો રાસ અને ગીરના સીદીઓનું ધમાલ નૃત્ય રાજકોટની ઉત્સવપ્રેમી જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

હુડો રાસ વિશે જણાવતા એમ. જે. ફોક ડાન્સ ગૃપના   મેઘાબેન વિઠલાણીએ કહ્યું હતું કે, હુડો એ ગુજરાતના લોકનૃત્યમાંનું એક જાણીતું લોકનૃત્ય છે. તે ગુજરાતના ભરવાડ સમુદાયના લોકોની આગવી ઓળખ છે. આ નૃત્યનો વિચાર ઘેટાંની લડાઈમાંથી ઉદભવ્યો છે, જેમાં બે ઘેટાંની હલનચલનની નકલ કરવામાં આવે છે. નર્તકો બળપૂર્વક અને લયબદ્ધ રીતે તાળીઓ પાડે છે. હુડો ડાન્સમાં પુરુષો અને સ્ત્રીઓ બંને ભાગ લે છે. સૌરાષ્ટ્રમાં આ નૃત્યને રાસડા પણ કહેવાય છે. હુડો સામાન્યત: શ્રી કૃષ્ણના ગીતો પર રમવામાં આવે છે. તરણેતરના મેળામા આ નૃત્યના અંતે જીવનસાથીઓની પસંદગી કરવાની પણ પરંપરા છે. લોકમેળાના પ્રારંભે ગોકુળ ગામનો ગોવાળિયો… લે ને તારી વાંસળી વગેરે કૃષ્ણ ગીતો પર હુડો રમવામાં આવશે, ત્યારે જન્માષ્ટમીએ યોજાતા આ મેળામાં કૃષ્ણની રાસલીલાનુ ચિત્ર તાદૃશ્ય કરી લોકોને રસતરબોળ કરવા હુડો રાસ રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત, ગીરના સીદી સમુદાયનું વિશિષ્ટ ધમાલ નૃત્ય લોકો માટે વિશેષ આકર્ષણ જગાવશે. મૂળ આફ્રિકાના વતનીઓ સીદીઓ જાફરાબાદ પાસે જાંબુર ગામમાં ત્રણસો વર્ષથી વસેલા છે. તેમણે આફ્રિકાનું પોતાનુ ગિલ નૃત્ય જાળવી રાખ્યું છે. જેને સૌરાષ્ટ્રમાં ધમાલ નૃત્ય કહેવામાં આવે છે.

10 વર્ષથી ગેબી સરકાર ગૃપ ચલાવતા સંચાલક   ઈરફાનભાઇએ જણાવ્યું હતું કે, આ નૃત્યમા નાળિયેરની આખી કાચલીમાં કોડીઓ ભરીને એના પર લીલું કપડું વીંટાળીને તાલબદ્ધ રીતે ખખડાવામાં આવે છે જેને ’મશીરા’ કહેવાય છે. આ મશીરાને મોરપીંછનાં ઝુંડ અને નાનાં ઢોલકાં સાથે હાથમાં લઈને સીદીઓ ગોળાકારે આ ધમાલ નૃત્ય કરે છે. આ નૃત્યમાં સૌથી આગળ સીદીઓનો મુખી ગાતો હોય છે અને અન્યોને ગવડાવતો હોય છે. તે કૂદકો મારે અને બધાના માથે મોરપીંછનો ઝૂડો ફેરવતો જતો હોય છે. સદીઓ અગાઉથી ગીરમાં વસેલા સીદી સમુદાયના અનેક ગૃપે વિવિધ પ્રસંગોએ આ પરંપરાગત નૃત્યને રજૂ કર્યુ છે. પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં દિલ્હી ખાતે પણ ધમાલ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.

100 જેટલી રાઇડસના એક હજારથી વધુ કારીગરોને મળશે રોજગારી

દિવસે રંગબેરંગી દેખાતા ફઝર ફાળકા રાત્રે રંગીન રોશનીથી ઝગમગશે: દરેક રાઈડ્સના પાર્ટ્સને થઈ રહ્યા છે ઓઇલ પેઇન્ટસ

રાઈડ્સને ઈન્સ્ટોલેશન કામગીરી પુર જોશમાં: દરેક રાઈડ્સમાં ઓછામાં ઓછા 12થી 22 સભ્યો જન્માષ્ટમી પર્વ નિમિત્તે યોજાતા રાજકોટના સુપ્રસિદ્ધ લોકમેળાને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે  આ ભાતીગળ લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, આ મેળો યોજવાનો છે તે રેસકોર્ષ મેદાનમાં વિવિધ રાઈડ્સ આવી ચૂકી છે. દરેક રાઈડ્સમાં ઓછામાં ઓછા 12 થી 22 સભ્યો સામેલ હોય છે. પાંચથી થી સાત દિવસમાં વિવિધ રાઈડ્સની ઈન્સ્ટોલેશનની કામગીરી થાય છે. રાજકોટના આ લોકમેળામાં સો જેટલી નાની મોટી રાઇડસના એક હજારથી વધુ કારીગરો ઈન્સ્ટોલેશનના કામે લાગી ચૂક્યા છે. આ તમામને આ મેળામાં કામ અને રોજગારી મળી રહેશે. રંગીલા રાજકોટના લોકમેળામાં રંગરોગાન થઈ રહયા છે. ઈન્સ્ટોલેશનના કામ પહેલા રાઈડ્સના વિવિધ પાર્ટસને રંગબેરંગી ઓઇલ કલર(પેઇન્ટ) કરવામાં આવી રહ્યા છે. ફજર ફાળકા તેમજ ઝુલાને ગોઠવી તેના પર આકર્ષક રંગો કરવામાં આવી રહ્યા છે જેના દ્વારા વધુને વધુ લોકો આ ઝુલા પર આવે, જેથી તેમની રાઈડ્સ સુંદર અને આકર્ષક લાગે, લોકો  રાઈડ્સ તરફ ખેંચાય – આકર્ષિત થઈ શકે. ને વેપાર વધે.

કેટલાક પાર્ટસને ઓઇલ અને ગ્રીસ કરવામાં આવે છે. જેનાથી  રાઈડ્સ વ્યવસ્થિત અને યોગ્ય રીતે ચાલી શકે.રાજકોટમાં યોજાનારા લોકમેળાની ઝગમગાટ બે પ્રકારની હોય છે. દિવસ દરમિયાન મેળાના મુલાકાતીઓને રંગબેરંગી ફઝર ફાળકાનો આનંદ મળશે. તો રાત્રે ઝગમગાટ કરતી રંગીન રોશનીની જમાવટ નિહાળશે.

લોકમેળામાં ઉંચી ઉંચી એકથી એક ચડિયાતી રંગબેરંગી અને રાત્રે રોશનીથી ઝળહળતી રાઈડ્લની મજા તો સૌરાષ્ટ્રવાસીઓ મન મૂકીને લેતાં જ હોય છે, પરંતુ  આ રાઈડ્સ સાથે સંકળાયેલા કારીગરો કઈ રીતે, ક્યાંથી વિવિધ સ્થળોએ રાઈડ્સ લઇ જાય છે, તેની જાળવણી અને ઈન્સ્ટોલેશનની કામગીરી કઈ રીતે થાય છે અને બેશક… વેપાર કેવો થાય છે એ માટે રાઈડ્સના કારીગરો પાસેથી જાણીએ.

મુંબઈથી ત્રણ ઝુલા રાઈડ લઈને આવેલ કારીગર આશિક શેખ કહે છે કે, “અમે આખું વર્ષ દિવાળી, જમાષ્ટમી, રક્ષાબંધન સહિતના તહેવારોમાં મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના વિવિધ રાજ્યોમાં યોજાતા વિવિધ મેળામાં રાઈડ્સ લઈને જઈએ છીએ, પરંતુ રાજકોટ જેવો ચિક્કાર જનમેદનીવાળો આટલો મોટો મેળો મેં ક્યારેય જોયો નથી. દેશભરમાં યોજાતા લોકમેળામાં રાજકોટનો મેળો શ્રેષ્ઠ અને ખરા અર્થમાં લોકપ્રિય મેળો ગણી શકાય છે. આ લોકમેળો અમને સારી એવી આવક આપે છે. અમારા કારીગરો માટે આ આજીવિકાનુ સાધન છે.”

મુંબઈના વતની એવા  ફજલભાઇ ખામસા ત્રણ ઝુલા અને પાંચ ફઝર રાજકોટના મેળામાં લઇ આવ્યા છે તેઓ  ચાર વર્ષથી રાજકોટના મેળામાં આવે છે તેઓ જણાવે છે કે, તેમની સાથે 7 કારીગરો આવ્યા છે.તેઓ પ્રથમ તમામ વસ્તુની ગોઠવણી કરી તેને રંગરોગાન કરી રહ્યા છે. ત્યાર બાદ ઇન્સ્ટોલેશનું કામ કરશે.  તેઓ પોતે આ રાઈડમાં એક વાર બેસીને તમામ કામગીરી તેમજ વ્યવસ્થાની તપાસ  અને ટ્રાયલ લેશે.  ત્યાર બાદ જ તેઓ લોકો માટે આ મેળામાં રાઈડને ખુલ્લી મૂકશે. લગભગ પાંચેક દિવસ રાઇડને ગોઠવવામાં, તેને રંગ કરવામાં અને તૈયારી કરવામાં લાગે છે. આ લોકમેળામાં સૌરાષ્ટ્રભરના લાખો માણસો દર વર્ષે આવે છે અને અમારી રાઇડની મજા માણે છે. છેલ્લા ચાર વર્ષથી આ લોકમેળામાં ભાગ લઈને હું ખૂબ સારી આવક મેળવું  છુ.

લોકમેળો ખરા અર્થમાં રાજકોટનો જન્માષ્ટમી પર્વનો ધબકાર છે અને તે દર વર્ષે અતિ સુંદર રીતે યોજાય છે જેના દ્વારા અમને ખૂબ સારી આવક મળે છે દેશભરમાં તહેવારોના અલગ અલગ રીતે ઉજવાય ત્યારે સૌરાષ્ટ્રના આ લોકમેળાની તો વાત જ વિશેષ છે તેવું તેઓએ ઉમેર્યું હતું.

લોક મેળાના આકર્ષણ અને સાહસનું કેન્દ્ર એટલે મોતનો કૂવો

યુ.પી.ના બે કાર ચાલકો અને ત્રણ બાઇક ચાલકોના ખુલ્લા હાથની એક સાથે ડ્રાઈવિંગના કરતબો લોકોને કરશે રોમાંચિત: મહિલા બાઇક ચાલકની સાહસિકતા પણ અનન્ય આકર્ષણ  રાજકોટના “રસરંગ લોકમેળા” મોતના કૂવામાં દિલઘડક કરતબો કરનાર વાહન ચાલકોની એન્ટ્રી થઇ ચૂકી છે. યુ.પી.ના બે કાર ચાલકો અને ત્રણ બાઇક ચાલકોના ખુલ્લા હાથની એક હાથે કરાનારી ડ્રાઈવિંગના કરતબો લોકોને રોમાંચિત કરશે. તો તે પૈકીની મહિલા બાઇક રાઇડર પૂજા પણ સાહસિકતાથી સૌરાષ્ટ્રવાસીઓને  અચંબિત કરી દેશે.  ઉત્તર પ્રદેશના મુઝફરનગરથી આવેલા 45 વર્ષીય કાર ચાલક અબ્દુલ રહેમાન અન્સારી છેલ્લા બાર વર્ષથી રાજકોટના લોકમેળામાં તેમનું હુન્નર મોતના કુવામાં રજૂ કરી લાખો લોકોને મંત્રમુગ્ધ કરતાં હોય છે. તેઓ કહે છે કે, લોકોને અચંબિત કરી દેવાનું ઝનૂન જ અમને સાહસ કરવા માટે પ્રેરે છે.

આમ તો અમારે ખેતીવાડી છે પરંતુ મારા પિતા, ભાઇ, કાકા, મામા બધા જ મારી જેમ કાર રેસલર જ છે. શરૂઆતમાં અમે મોતના કુવામાં સાયકલ ચલાવતા હતા, પછી બાઇક અને હવે કાર ચલાવીએ છીએ. એટલે આ અમારું ચાલીસેક વર્ષ જૂનું ખાનદાની વારસાઇ કામ છે. નાનપણથી અમે મોતના કુવામાં બાઇક કાર ચલાવાની કરતબો કરીએ છીએ.  કાર રેસલર અબ્દુલભાઇ કહે છે કે, અમે તામીલનાડુ, કેરલ, આંધ્રપ્રદેશ સહિતના તમામ રાજયોના મેળામાં ફરીએ છીએ પરંતુ અમે રાજકોટ જેટલો શ્રેષ્ઠ ચિકકાર જનમેદની ધરાવતો મેળો અમે કયારેય જોયો નથી.

અહીં કમાણી તો થાય જ છે પણ સાથોસાથ અમારા સાહસના કૌશલ્યનો બહોળો લોક પ્રતિસાદ અમારા સાહસને પ્રોત્સાહન આપે છે. લોકમેળામાં અમને સૌને  સારી એવી આવક થાય છે. ગુજરાન ચાલે છે. આ મેળો અમારા જેવા તમામ કારીગરોને રોજગારીની તક પૂરી પાડે છે. આ મોતના કુવા માટે ભારતના અલગ અલગ રાજ્યો જેવા કે યુપી,

બિહારથી સ્કૂટર ચાલક અને ગાડી ચાલકો આવશે. અને પોતાનો હુન્નરને લોકોને દર્શાવશે.” આ મોતના કુવાના ‘વંદેમાતરમ’ ટીમના માલિક વાંકાનેરના ઝાકીરભાઇ બ્લોચ છે. તેઓ વર્ષોથી રાજકોટના મેળામાં મોતના કુવા ચલાવે છે. તેઓ સમગ્ર ગુજરાત અને ભારતભરમાં યોજાતા મેળાઓમાં પણ મોતના કુવા યોજે છે. આ કુવા માટે બારથી પંદર કારીગરો પણ તે યુપી, રાજસ્થાનથી બોલાવે છે. તેની પૂર્વ તૈયારી માટે રાજસ્થાનના અજમેરથી આવેલ આશિકભાઈ શેખ કહે છે કે, હું છેલ્લા બાર વર્ષથી લોકમેળામાં મોતના કૂવોની પૂર્વ તૈયારીમાં સહભાગી બની રહયો છે.  મોતના કૂવાને તૈયાર થતા પાંચથી સાત દિવસ થાય  છે. એ તૈયાર થાય એ પૂર્વે સરસ રીતે રંગરોગન કરવામાં આવી રહ્યા છે. રાઈડ્સમાં રંગરોગાન કરવાથી લોકો માટે તે આકર્ષણનું કેન્દ્ર બને છે. તેના કારણે મોટી સંખ્યામાં  સૌરાષ્ટ્રવાસીઓ આ મેળો જોવા આવે છે. મોતના કુવા સહિતની રાઇડ્સનો સમાન લઈને આવીએ છીએ. અહી અમને કામ અને રોજગારી બંને મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.