Abtak Media Google News

બળાત્કાર, ચોરી અને મારામારીના ગુનામાં સંડોવાયેલા શખ્સો રિક્ષામાં બેસતા મુસાફરોને લૂંટી લેતા હોવાની આપી કબૂલાત: લેપટોપ, મોબાઇલ, છરી, રિક્ષા અને ડ્રીલ મશીન કબ્જે

શહેરના બસ સ્ટેશન પાસેથી મુસાફરને રિક્ષામાં બેસાડી અવાવ‚ જગ્યાએ લઇ જઇ લૂંટ ચલાવતી ગેંગના ત્રણ સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધા છે. તેની સાથે સંડોવાયેલા મોરબીના શખ્સની શોધખોળ હાથધરી છે. ત્રણેય શખ્સો નવ જેટલા લૂંટના ગુનાની કબૂલાત આપી છે. પોલીસે તેની પાસેથી રિક્ષા, છરી, ડ્રીલ મશીન, મોબાઇલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.

શહેરમાં છેલ્લા બે માસમાં નવ જેટલા મુસાફરોને છરી બતાવી લૂંટ ચલાવતી ગેંગને ઝબ્બે કરવા ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. એ.આર.સોનારા, ભરતસિંહ ગોહિલ, હરદેવસિંહ રાણા, સંજયભાઇ દાફડા અને અનિલભાઇ સોનારા સહિતના સ્ટાફે બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન રામનાથપરાના રિક્ષા ચાલક સોયેબ ઇમ્તીયાઝ ચૌહાણ નામનો શખ્સ શંકાસ્પદ જણાતા તેની રિક્ષામાં ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા મુસાફરના સ્વાંગમાં બેસી ગયા હતા. રિક્ષાની પાછળ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ બાઇક પર જતા રિક્ષા ચાલક સોયેબ ચૌહાણ રિક્ષા ભાવનગર રોડ પર આઇટીઆઇ પાસે લઇ ગયો હતો ત્યાં સોયેબ ચૌહાણના અન્ય સાગરીતો વેલનાથપરાના સુરજ ઉર્ફે સુરો માધવ કાપડી અને વિજય ચના ડાભી નામના શખ્સો આવી ગયા હતા અને છરી બતાવી જે હોય તે આપી દેવાનું કહેતા એક સાથે ત્રણેયને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધા હતા. ત્રણેયની પૂછપરછ દરમિયાન પોતાની સાથે મોરબીના વિજય નામનો શખ્સ પણ સંડોવાયો હોવાની કબૂલાત આપી હતી.

મુસાફરોને લૂંટી લેતી ગેંગના ત્રણેય શખ્સોએ ગત શનિવારે પોરબંદરના યોગેશ થાનકી નામના યુવાનને બસ સ્ટેશનથી બેસાડી બજરંગવાડી વિસ્તારમાં લઇ જઇ છરીથી હુમલો કર્યાની, મવડી પ્લોટના ધરમનગરમાં રહેતા પાલાભાઇ રામાભાઇ અઘેરા નામના ૫૯ વર્ષના વૃધ્ધને બસ સ્ટેશનથી રિક્ષામાં ગ્રીન લેન્ડ ચોકડીએ લઇ જવાના બદલે લાતી પ્લોટમાં લઇ જઇ છરી મારી કપડા અને રોકડની લૂંટ ચલાવ્યાની તેમજ જાલોદના કદવાલા ગામના વતની અને મારવાડી કોલેજની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા ચિંતન હસમુખભાઇ ચૌહાણને મોડીરાતે મોરબી રોડ પર હુમલો કરી ‚ા.૭,૫૦૦ રોકડા, લેપટોપ, કાંડા ઘડીયાળ, મોબાઇલ મળી ‚ા.૫૬.૫૦૦ની મત્તાની લૂંટ ચલાવ્યાની કબૂલાત આપી હતી.

આ ઉપરાંત એકાદ માસ પહેલાં સુરજ ઉર્ફે સુરો માધવ કાપડી, સોયેબ ચૌહાણ અને વિજય ડાભી તેમજ મોરબીના વિજયએ મળીને ત્રિકોણ બાગ પાસેથી વૃધ્ધને રિક્ષામાં બેસાડી માધાપર ચોકડી પાસે લઇ જઇ ડ્રીલ મશીન અને ૮૦૦ રોકડાની લૂંટ ચલાવ્યાની, ચારેય શખ્સોએ ચુનારાવાડ ચોકમાં ચાલીને જતા પરપ્રાંતીય યુવાન પાસેથી મોબાઇલ, ખડપીઠ પાસેથી પરપ્રાંતીય પાસેથી મોબાઇલની લૂંટ ચલાવ્યાની કબૂલાત આપી છે.

ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે વધુ લૂંટના ગુનામાં ત્રણેય શખ્સો સંડોવાયા હોવાની શંકા સાથે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે. સુરજ ઉર્ફે સુરો કાપડી અગાઉ બળાત્કાર અને ચોરીના ગુનામાં ઝડપાયો હતો જ્યારે સોયેબ ચૌહાણ અને વિજય ડાભી મોબાઇલ ચોરીના ગુનામાં ઝડપાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.