Abtak Media Google News

સરકારની તિજોરી છલકાવતી કચેરીને આધુનિક બનાવવા સરકાર કમર કસશે

ખખડધજ કચેરી, સર્વર ડાઉન, બેસવાની, પાણીની સહિતની સમસ્યાઓથી અરજદારઓ પરેશાની ભોગવી રહ્યા છે જેને ધ્યાને લઇ રાજ્યભરની નોંધણી કચેરીઓને વધુ આધુનિક અને ડિજિટલ બનાવવાની મુખ્યમંત્રીની જાહેરાત

સરકારની તિજોરી છલકાવતી નોંધણી કચેરીઓની હાલત બદતર છે. ખખડધજ કચેરી, સર્વર ડાઉન, બેસવાની, પાણીની સહિતની સમસ્યાઓથી અરજદારઓ પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે હવે રાજ્યભરની નોંધણી કચેરીઓને વધુ આધુનિક અને ડિજિટલ બનાવવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિવિધ દસ્તાવેજોની નોંધણી કરાવવા આવતા રાજ્યના લાખો નાગરિકોને વધુ ઝડપી-પારદર્શક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્યભરની નોંધણી કચેરીઓ વધુ આધુનિક અને ડીજિટલ બનાવાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા ડિજિટલ ભારત અભિયાન થકી આજે ભારતમાં 40% થી વધુ વ્યવહાર ડિજિટલના માધ્યમથી થઈ રહ્યા છે જે ડિજિટલ ઇન્ડિયાની સફળતા દર્શાવે છે. અમેરિકામાં નોકરીઓ જઈ રહી છે જ્યારે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં યુવાનોને નોકરીઓ મળી રહે છે

આ બદલાવ યોગ્ય અને સક્ષમ નેતૃત્વના પરિણામે આપણે અનુભવી રહ્યા છીએ તેમ મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે આજે નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ અંતર્ગત સ્ટેમ્પ અને નોંધણી કચેરીનો લોગો, ન્યુ પેમેન્ટ ગેટ વે ગરવી 2.0નું આઇસીઆઇસી બેન્ક પેમેન્ટ ગેટ વે સાથે ઇન્ટીગ્રેશન, પેપરલેસ કચેરી તરફનું પગલું- દસ્તાવેજોનું ડિજિટલ સ્વરૂપે સંગ્રહ અને બેકઅપ ઇન્ટરનેટ કનેક્ટિવિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી પટેલે રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાંથી આવેલા કર્મીઓ સાથે સંવાદ કરતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કામગીરી અને તેમના કર્મીઓ સાથે રૂબરૂ મળવાના હેતુથી આ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી છે જેના થકી સરકારની કામગીરી વધુ સરળ રીતે લોકો સુધી પહોંચાડી શકાશે.

ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી આપણા સૌની કામ કરવાની ક્ષમતામાં ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે અને નાગરિકોને ઘરે બેઠા ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે.આ ચાર નવીન પ્રકલ્પોના લોકાર્પણથી રાજ્યભરની રજિસ્ટ્રાર-સ્ટેમ્પ કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીમાં વધુ ઝડપ- સરળતા, અવિરત ઇન્ટરનેટની સુવિધા, પારદર્શકતા તેમજ પેમેન્ટ રિફંડ કરવામાં પણ વધુ ઝડપ આવશે. આ સંદર્ભે વધુને વધુ પરિણામલક્ષી કામ થાય તે માટે આપણે સૌએ વધુ હકારાત્મક અભિગમ રાખીને લોકોની સેવા કરવી પડશે તેમ જણાવી મુખ્યમંત્રીએ આ નવીન સેવાઓ શરૂ કરવા બદલ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીના હસ્તે આ પ્રસંગે નોંધણી વિભાગની કામગીરી તેમજ લક્ષ્યાંક રજૂ કરતું ‘ડિજિટલ ગુજરાત’ પુસ્તકનું વિમોચન તેમજ ગરવી 2.0 અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીએ કહ્યું હતું કે રાજ્ય સરકારના ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ના અભિગમ સાથે આ નવીન પ્રકલ્પોના અમલથી રાજ્યભરની 287 સબ રજિસ્ટ્રાર કચેરીઓ અને 31 સ્ટેમ્પ કચેરીઓમાં અનેકવિધ નવી સુવિધા ઉપલબ્ધ થશે. જેના પરિણામે કામ કરવામાં ખૂબ મોટો બદલાવ આવશે અને નાગરિકોને વધુ ઝડપી અને પારદર્શક સુવિધાઓ આપી શકાશે. આ પ્રકલ્પોના અમલથી કર્મયોગીઓ લેટેસ્ટ પરિપત્રો, નવા નિયમો, તાલીમ અને ટેકનોલોજીથી અવગત પણ થશે.

સબ રજીસ્ટ્રાર કચેરીની દુર્દશા : ખખડધજ ઇમારત, કાળી શાહીથી રંગાયેલી દીવાલો અને પાયાની સવલતોનો અભાવ

રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીની ’અબતક’ મીડિયાની ટીમે મુલાકાત લીધી હતી. જે દરમિયાન ખખડધજ ઇમારતમાં બેસતી કચેરીઓમાં સવલતોના નામે શૂન્ય જોવા મળે છે. કાળી શાહીથી જાણે દીવાલો રંગી નાખવામાં આવી હોય તેવી દીવાલની સ્થિતિ છે. દસ્તાવેજ નોંધણી સમયે સહી સિક્કા કરવા માટે ટેબલ સહીતની સુવિધાનો પણ ક્યાંક અભાવ જોવા મળે છે. કચેરીબિ હાલત ચોક્કસ બિસ્માર હોય તેવું પહેલી નજરે ફલિત થાય છે. શાહીવાળા અંગુઠા સાફ કરવા માટે પાણી કે અન્ય કોઈ વ્યવસ્થા નહીં હોવાથી અસીલો દીવાલમાં અંગુઠા ઘસવા મજબુર હોય છે જેના લીધે દીવાલો કાળી શાહીથી રંગાયેલી હોય તેવું લાગે છે.

આયોજનબદ્ધ અને સુવ્યવસ્થિત સિસ્ટમ હોવી જરૂરી : અર્જુનભાઈ પટેલ

રાજકોટ બારના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહેસુલ વિભાગમાં સૌથી  વધુ આવક ઉભી કરતી કચેરી એટલે કે સબ રજીસ્ટ્રાર કચેરી. સ્ટેમ્પ ડ્યુટી થકી રાજ્ય સરકારને ખુબ મોટી આવક થતી હોય છે. પરંતુ હાલ આ કચેરીઓની હાલત ખુબ જ ખરાબ જોવા મળે છે. દસ્તાવેજ નોંધણી કરાવવા જતા વકીલો અને અસીલોને ભારે અગવડતાનો સામનો કરવો પડતો હોય છે. સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે કનેક્ટિવીટીની સમસ્યા પણ ખુબ મોટી છે જેના લીધે દસ્તાવેજ નોંધણીના અવાર નવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું હતું કે, હવે રાજ્ય સરકાર જે દિશામાં આગળ વધી રહી છે તે ખુબ જ આવરદાયક પગલું છે.

સરકારી દસ્તાવેજ નોંધણીણી વેબસાઈટ ગરવી-2માં પણ સુધારો કરાઈ રહ્યો છે. જેના થકી હવે ગમે તે સ્થળેથી દસ્તાવેજણી નોંધણી કરી શકાશે તેમજ પેમેન્ટ પણ ચૂકવી શકાશે. તેમણે કહ્યું હતું કે, સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે એક આયોજનબદ્ધ  અને સુવ્યવસ્થિત પ્રણાલી હોવી જોઈએ જેથી અરજદારો અને વકીલો બંને દસ્તાવેજ નોંધણી સમયે અગવડતા વિના નોંધણી કરાવી શકે.

સરકારના ’કમાઉ દીકરા’ની જ હાલત બિસ્માર!!

રેવન્યુ ક્ષેત્રે પ્રેક્ટિસ કરતા સૌરાષ્ટ્રના નામાંકિત એડવોકેટ તેમજ રેવન્યુ પ્રેક્ટિસનર્સ એસોસિએશનના કારોબારી સભ્ય દીલેશભાઈ શાહે  જણાવ્યું હતું કે, સબ રજીસ્ટ્રાર કચેરી સરકારના ’કમાઉ દીકરા’ સમાન છે પરંતુ આ કચેરીની હાલત જ એકદમ બિસ્માર છે.

પાયાની સવલતો જેવી કે, પાણી, ગટરની પણ સુવિધા જોવા મળતી નથી. સબ રજીસ્ટ્રાર કચેરી માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ પણ હાલની કચેરી ડી. એચ. કોલેજ પ્રિન્સિપાલ ક્વાર્ટર અને હોસ્ટેલ જેવી જગ્યાઓમાં બેસે છે. જેથી કોઈ જ સુવિધા જાળવી શકાતી નથી. સબ રજીસ્ટ્રાર કચેરીમાં અંગુઠાની છાપ લગાવવા માટે શાહી કે પછી શાહી સાફ કરવા માટે પણ કોઈ વ્યવસ્થા નથી. તેમણે કહ્યું હતું કે, ખરેખર આ કચેરીમાં યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સવલતો હોવી જોઈએ જેથી વકીલો અને અસીલોને હાલાકીનો સામનો ન કરવો પડે.

સબ રજીસ્ટ્રાર કચેરીમાં પાયાની સવલતોનો પણ અભાવ : સી. એચ. પટેલ

રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ સી.એચ. પટેલે જણાવ્યું હતું કે, જીએસટી પછી સૌથી વધુ આવક ધરાવતું ક્ષેત્ર મહેસુલ વિભાગ છે અને મહેસુલ વિભાગમાં સ્ટેમ્પ ડ્યુટી સ્વરૂપે થતી આવક સૌથી મોટી છે પરંતુ  આ ક્ષેત્રની કચેરીઓણી હાલત ખુબ જ ખરાબ છે. રાજ્ય સરકાર આ કચેરીઓની સ્થિતિ સુધારવા સતત પ્રયત્નશીલ છે તે બાબતમાં પણ શંકાને સ્થાન નથી પરંતુ હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે જ્ઞિં મોટાભાગે આ કચેરીઓ તાલુકા મથકે તેમજ મામલતદાર કચેરીમાં બેસે છે જેથી સુવિધા જળવાતી નથી.

ખખડધજ ઇમારતમાં બેસતી કચેરીમાં સામાન્ય ટેબલ અને સ્ટેશનરીની જરૂરિયાત પણ સંતોષી શકાતી નથી. સબ રજીસ્ટ્રાર કચેરીમાં અંગુઠાની છાપ લગાવવા માટે શાહી અને ત્યારબાદ શાહી સાફ કરવાની પણ વ્યવસ્થા હોતી નથી. જેના પરિણામે કચેરીઓની દીવાલો કાળી શાહીથી રંગેલી હોય તેવી સ્થિતિ સર્જાતી હોય છે. સબ રજીસ્ટ્રાર કચેરીમાં પાણી અને વોશ બેસીનની પણ સુવિધા મળતી નથી ત્યારે આ પાયાની સુવિધાઓ મળે તેવી જ અસીલો અને વકીલોની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.