ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ

રોપ-વે સર્વિસ બંધ કરાતા યાત્રાળુઓ નિરાશ થઈ પરત ફર્યા

રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થયા બાદ વાદળો વિખેરાતા જ બે દિવસમાં ઠંડીનો ચમકારો ફરીથી શરૂ થયો છે. ત્યારે ગિરનાર પર્વત પર તોફાની પવન ફૂંકાતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરાતથી ગિરનાર પર ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. વહેલી સવારે 50-60 કિમીની ઝડપે પવન ફૂંકાતા પગથીયા ચડીને આવેલા યાત્રાળુઓને જાણે પાછળનું કોઈ ધક્કા મારતું હોય તેવો અહેસાસ થયો હતો.

સુસવાટા મારતા પવનમાં ઉભા રહેતા પ્રવાસીઓએ લાકડીનો સહારો લેવો પડ્યો હતો. ભારે પવનના લીધે ગિરનાર રોપ-વે પણ બંધ રાખવાની ફરજ પડી હતી. જ્યારે સીડી મારફતે ગીરનાર ચડવા ગયેલા પ્રવાસીઓને પણ ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવનના લીધે ગીરનાર પર્વત પર અંબાજી મંદિરથી લઇ દત્તાત્રેય શિખર સુધીના સીડી માર્ગ પર લોકોનો ટ્રાફિક જોવા મળ્યો હતો.

વહેલી સવારથી જ જૂનાગઢ સાંનિઘ્‍યે ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાઇ રહ્યો હતો. જેના લીધે આજે સવારથી ગિરનાર પર્વત પર કાર્યરત રોપ-વે સેવા બંધ રાખવાની સંચાલનકર્તા કંપનીને ફરજ પડી હતી.