Abtak Media Google News

કાગળનો ટુંકડો દેખાતી કરન્સી આપણી ઓળખ, આપણું ગૌરવ

’રૂપિયો માત્ર કાગળનો ટુકડો નથી.  રૂપિયો માત્ર ચલણ નથી, આ ચલણ સાથે દેશની પ્રતિષ્ઠા જોડાયેલી છે અને જેમ જેમ ચલણનું અવમૂલ્યન થાય છે તેમ તેમ દેશની પ્રતિષ્ઠા ઘટે છે. તેવું લોકસભામાં ચર્ચા દરમિયાન સુષ્માજીએ કહ્યું હતું.અમેરિકી ચલણ ડોલર સામે રૂપિયો પ્રથમ વખત 80ના સ્તરને સ્પર્શી રહ્યો છે.  આવા સમયે ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજનું આ જૂનું ભાષણ રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

એ જ ભાષણમાં સુષ્મા એમ કહેતા સાંભળવા મળે છે કે, “ગઈ કાલે સેન્સેક્સના ઘટાડા પછી, રૂપિયો એ રીતે સરકવા લાગ્યો અને ગગડ્યો કે તે 67 રૂપિયાથી લપસીને રાત્રે 68.89 પર આવી ગયો.  તત્કાલીન કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા સુષ્માએ કહ્યું હતું કે, “કારણ એ છે કે સરકાર તેની આર્થિક નીતિ પર એકમત નથી.”  ત્યારબાદ સ્પીકરની સીટ પર મીરા કુમાર હતા અને સુષ્મા આગળ કહે છે કે હું માંગ કરું છું કે આજે આપણે આ ગૃહમાં વડાપ્રધાનનું નિવેદન, દેશના જાણીતા અર્થશાસ્ત્રીનું નિવેદન જોઈએ.  વડા પ્રધાને આવીને જણાવવું જોઈએ કે જે રીતે આ રૂપિયો ગગડી રહ્યો છે, શું તે ઘટતો અટકશે અને જો અટકશે તો તેણે તેના માટે કયા ઉપાયો વિચાર્યા છે. સુષ્મા સ્વરાજનો આ 2.37 મિનિટનો વીડિયો 29 ઓગસ્ટ 2013ના રોજ ભાજપની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

ભાજપના સાંસદ વરુણ ગાંધીએ પણ રૂપિયાને રાષ્ટ્રના સ્વાભિમાન સાથે જોડ્યો છે.  તેમણે ટ્વીટમાં કહ્યું કે સતત ઘટી રહેલા રૂપિયાની કિંમત દરેક ભારતીયના જીવનને અસર કરે છે અને આપણો આત્મવિશ્વાસ નબળો પાડે છે.  સરહદ પર દેશની રક્ષા કરતા સૈનિકોની જેમ આરબીઆઈએ પાતાળમાં જઈ રહેલા રૂપિયાને બચાવવા માટે તમામ શક્ય પગલાં લેવા પડશે.  રૂપિયો માત્ર ચલણ નથી, દેશનું ગૌરવ છે!  તે આપણી ઓળખ છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.