Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં આવેલા તાઉતે વાવાઝોડાને પરિણામે મકાનો, ઝુપડાઓ વગેરેને થયેલા નુકસાનની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાઉતે વાવાઝોડાના પરિણામે નુકસાન-નાશ પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે.

Advertisement

શહેરી વિકાસ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આવા સર્વે માટે  અન્ય જિલ્લાઓ માંથી વધારા નો મેન પાવર બોલાવીને તેમની પણ સેવાઓ આ સરવેમાં લઈ સર્વે કામગીરી વેગવાન બનાવવા માં આવી છે. આ તાઉતે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈને આવા મકાનોને થયેલા નુકસાન અંગે નુકસાન સહાયના ધોરણો મુખ્યમંત્રીએ જાહેર કર્યા છે

તાઉતે વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂ. 95,100ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. અંશત: નુકસાન પામેલા કાચા-  પાકા મકાનો એટલે કે છાપરા- નળીયા ઉડી ગયા હોય, કોઇ દિવાલ ધારાશાયી થઈ ગઈ હોય તેવા મકાનો માટે રૂ. 25,000ની સહાય અપાશ. આ વાવાઝોડાને પરિણામે જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તે ઝૂંપડાઓ માટે રૂ. 10,000ની સહાય તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ- વાડાને થયેલા નુકસાન માટે રૂ. 5,000ની સહાય રાજ્ય સરકાર આપશે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં આવા મકાનોના સર્વેની હાલ ચાલી રહેલી કામગીરીને ત્વરાએ પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવઓ  પંકજ કુમાર, એ. કે. રાકેશ, એમ. કે. દાસ તેમજ અગ્રસચિવ ડો. જયંતી રવિ અને વરિષ્ઠ સચિવઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.