Abtak Media Google News

 ‘માત્ર એક કોલ કે મેસેજ મોકલી ઘર આંગણે દવાઓ મેળવો’ના સંદેશા સાથે કુરિયર અને કાર્ગો એસો.ની કામગીરી કુરિયર એન્ડ કાર્ગો એસોસિએશન ‘સંકટમોચન’ની ભૂમિકામાં

રામાયણ કાળમાં સંકટમોચન શ્રી હનુમાન દ્વારા જે રીતે  સંજીવની બુટી લંકાતટ સુધી પહોંચતી કરી લક્ષ્મણના  પ્રાણને બચાવાયા હતા. તે પ્રસંગને તાદ્શ્ય કરાવતાં હાલ લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતી વચ્ચે રાજકોટ સ્થિત કુરીયર એન્ડ કાર્ગો એસોશિએશનના ૧૦૦થી વધુ સભ્યો દ્વારા રાજકોટ તેમજ આસપાસના વિસ્તારોમાં દવાઓની ફ્રી હોમ ડિલીવરી કરાઇ રહી છે.

Delivery1

હાલની કારોના વાયરસની મહામારીના નિયંત્રણમાં  સોશિયલ ડિસ્ટન્સીંગ એ એક માત્ર કારગર ઉપાય હોઇ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અમલી બનાવાયેલા લોકાડાઉનના સધન અમલીકરણ અને લોકો ઘરમાંજ રહે તે બાબત મહત્વપૂર્ણ છે. આ વિકટસમયમાં પણ લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ સુલભ રહે તે માટે વહિવટીતંત્ર સાથે અનેક સ્વયંસેવી લોકો પણ કોરોના વારીયર્સ તરીકે પોતાનું યોગદાન આપી રહ્યા છે.

રાજકોટ સ્થિત કુરીયર એન્ડ કાર્ગો એસોશિએશને કોરોના વાયરસને કારણે લોકડાઉન થયેલા રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં દર્દીઓને જીવનજરૂરી દવાઓ  ઘરઆંગણે જ મળી રહે તે માટે મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ સાથે બેઠક યોજી હતી. જે અન્વયે તા. ૨૭ માર્ચના રોજથી એસોશિએશનના ૭૧ જેટલા સ્ટાફ તથા અન્ય મળી કુલ ૧૦૦થી વધુ સભ્યો દ્વારા રાજકોટના કુલ ૧૮ વોર્ડ અને ૩૦ મેડીકલ સ્ટોર્સ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના શહેરો સુધી દવાઓની ફ્રિ હોમ ડિલીવરી કરવાનું સેવાકાર્ય શરૂ કર્યુ જે હાલમાં પણ અવિરત છે.

રાજકોટ કુરીયર્સ અને કાર્ગો એસોશિએશનના પ્રમુખ મહેન્દ્રભાઇ ગોસ્વામી, મારૂતિ કુરિયર્સ સર્વિસના મોહનભાઇ મોકરીયા, શક્તિ કાર્ગોના અમિતભાઇ માંડવીયા અને મયુરભાઇ ગોહેલ સહિત એસોશીએશનના સભ્યો દ્વારા રાજકોટ શહેરમાં રોજની ૩૦૦ થી ૩૫૦ અને સૌરાષ્ટ્ર-કચ્છના ૫૦ થી ૭૦ ડિલીવરી રોજીંદી સ્વખર્ચે પહોંચતી કરવામાં આવી રહી છે.

તેઓ લોકોને ઘરમાં જ રહેવા અને સુરક્ષિત રહેવા ભારપૂર્વક જણાવતા વિનંતી કરે છે કે મેડીકલના લીસ્ટ મુજબ આપની દવાઓ ઘેર બેઠા મેળવી શકો છેા આ માટે એશોસિએશનના સભ્યોને માત્ર ટેલીફોનીક કે મેસેજ દ્વારા જાણ કરવાની રહે છે. આ માટે  મોહનભાઇ મોકરીયા-મો. ૯૮૨૫૦૬૯૩૪૫,  અમીતભાઇ માંડવીયા મો. ૯૮૨૪૬૫૦૫૨૧, લાલજીભાઇ શિયાણી મો. ૮૦૦૦૯૮૮૦૮૦ સંપર્ક કરવાથી દવાની જરૂરિયાત ધરાવનારને ઘર બેઠા દવા મળી રહેશે. રાજકોટ કુરિયર એન્ડ કાર્ગો એસોસિએશને કપરા સમયમાં લોકોને મહત્વની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડી સમાજને એક નવો પથ ચિંધ્યો છે. ભૂતકાળમાં પણ એસોસિએશન દ્વારા અનેક સેવાકીય કાર્યો થયા હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.