Abtak Media Google News

“સેવા સેતુ કાર્યક્રમનો ઉદ્દેશ્ય-“સાચો ચુકી ન જાય, ખોટો ખાટી ન જાય”

મુખ્યમંત્રીના ૬૪માં જન્મદિવસ સંદર્ભે વતન રાજકોટમાં યોજાયેલો મેગા સેવા સેતુ કાર્યક્રમમાં ૩૧૦૦ લાભાર્થીઓને રૂા. ૧૭૧ કરોડના લાભો અર્પણ કરાયા

૬૩ વર્ષ પુરા કરીને ૬૪ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વર્ષગાંઠની ભેટ તરીકે રાજયની દીકરીઓને “વ્હાલી દીકરી યોજના અર્પણ કરી હતી. આ યોજનાનો આશય સ્પષ્ટ કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજયભરમાં  પ્રવર્તતા અસમાન સ્ત્રી-પુરૂષ પ્રમાણને સંતુલિત કરવા અને રાજયમાં દીકરીઓનો જન્મદર વધારવાની રાજય સરકારની મહેચ્છા વ્હાલી દીકરી યોજના સ્વરૂપે સાકાર કરવામાં આવી છે. આ યોજના માટે ચાલુ વર્ષના બજેટમાં રૂ. ૧૩૩ કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનું મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતુ, અને ઉમેર્યું હતું કે,વ્હાલી દીકરી યોજના અન્વયે રાજયભરમાં જન્મ લેતી દરેક દીકરીને ચોથા ધોરણમાં પ્રવેશ સમયે રૂ. ૪ હજાર, નવમા ધોરણમાં પ્રવેશ સમયે રૂ. ૬ હજાર અને ૧૮મા વર્ષે ઉચ્ચ અભ્યાસ અને લગ્ન માટે રૂ. ૧ લાખની સહાય રાજય સરકાર દ્વારા ચુકવવામાં આવશે. રાજયમાં અવતરતી પ્રત્યેક દીકરીના અવતરણને નાગરિકો વધાવે, એવો આશાવાદ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ એ વાત પર ખાસ ભાર મુકયો હતો કે સ્ત્રીભ્રૂણ હત્યા કોઇ પણ સંજોગોમાં રાજયસરકાર ચલાવશે નહીં. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રાંગણમાં મેગા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,  મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે કહયું હતું કે,  આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય -સાચો ચુકી ન જાય, ખોટો ખાટી ન જાયએ જોવાનો છે. જરૂરિયાતવાળા લાભાર્થીઓને ધક્કા ન થાય, સીધી સહાય હાથો-હાથ મળે એ માટે ગુજરાત સરકારનો આમહત્વનો કાર્યક્રમ છે, એમ જણાવતાં મુખ્યમંત્રીએ ભાવુક સ્વરે ઉમેર્યું હતું કે, મારા જન્મદિવસે નાગરિકોની સેવા કરવાનો મોકો આપવા બદલ હું રાજયની જનતાનો સાચા હ્રદયથી ઋણી છું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે પ્રતીક સ્વરૂપ ૬૩ લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભો અર્પણ કરાયા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સરકારી તંત્રને સંવેદનશીલ અને પ્રજાભિમુખ બનાવવાની રાજયસરકારની નેમ આ પ્રસંગે રજૂ કરી હતી. અને આજના આયોજન બદલ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સગૌરવ જણાવ્યું હતું કે, રાજય સરકારે વિધવા પેન્શન સહાય ૭૫૦ માંથી ૧૨૫૦ કરી છે. અને ૧૮ વર્ષનું સંતાન થાય પછી બંધ થતી વિધવા સહાય માટે આ નિયમ રદ કરી વિધવા સહાય આજીવન કરી છે.

&Quot;The-State-Government-Will-Take-Care-Of-Daughters-From-Kumar-To-Karavar:-Chief-Minister&Quot;
“the-state-government-will-take-care-of-daughters-from-kumar-to-karavar:-chief-minister”

દેશના નાણાંપ્રધાન તરીકે એક મહિલા પર ભરોસો મુકવા બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન મોદીની મન ભરીને સરાહના કરી હતી. અને મહિલા કલ્યાણની કેન્દ્ર અને રાજયસરકારની કલ્યાણકારી યોજનાઓનો ટૂંકો ચિતાર પણ આલેખ્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં ગ્રીન કવરેજ વધારવા પ્રત્યેક ગુજરાતીને એક-એક વૃક્ષ વાવવાનો સંકલ્પ ગ્રહણ કરવાનો લાગણીસભર અનુરોધ કર્યો હતો. આજના મેગા સેવા સેતુ કાર્યક્રમમાં ૩૧૦૦  જેટલા લાભાર્થીઓને મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે રૂ. ૧૭૧ કરોડના લાભો એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે દિપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ મહાનગરપાલિકા વતી મુખ્યમંત્રીનું પુસ્તક તથા સ્મૃતિચિહ્ન વડે બહુમાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના ૬૪મા જન્મદિન નિમિત્તે ૬૩ મહિલાઓએ ફળોની ટોપલી વડે મુખ્યમંત્રીનુ અભિવાદન કર્યુ હતુ.

મેયર બીનાબેન આચાર્યએ પ્રાસંગિક પ્રવચનમા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે કરાઇ રહેલા વિવિધ વિકાસકામોની રૂ૫રેખા આપી હતી અને મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ સ્વાગત પ્રવચનમા જણાવ્યુ હતુ કે, આજના મેગા સેવાસેતુ કાર્યક્રમમાં કુલ રૂ. ૧૭૧ કરોડથી વધુના લાભો ૩૧૦૦  લાભાર્થીઓને હાથો હાથ સોંપવામા આવશે.

&Quot;The-State-Government-Will-Take-Care-Of-Daughters-From-Kumar-To-Karavar:-Chief-Minister&Quot;
“the-state-government-will-take-care-of-daughters-from-kumar-to-karavar:-chief-minister”

રાજ્યના વનમંત્રી ગણપતભાઇ વસાવાએ પ્રાસંગિક ઉદ્દબોધનમા વહાલી દિકરી યોજનાના શુભારંભ બદલ  સમગ્ર રાજ્યની દીકરીઓ વતી  મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો તથા  આ યોજના  મહિલા કલ્યાણ ક્ષેત્રે સીમા ચિહ્નરૂપ  પુરવાર  થશે  એવો  આશાવાદ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇએ આજે  રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજના વ્હાલી  દીકરીનો  તકતી  અનાવરણ દ્વારા શુભારંભ કરાવ્યો હતો. આજના આ કાર્યક્રમમા વ્હાલી દીકરી યોજના અંગેની ટુંકી ડોક્યુમેન્ટ્રી પ્રદર્શિત કરવામાં આવી  હતી. 

આ કાર્યક્રમમા ધારાસભ્યો લાખાભાઇ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી તથા ગોવિંદભાઇ પટેલ, સચિવ મિલિંદ તોરવણે, અંજલીબેન રૂપાણી,પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, શહેર  ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરિયા, પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય, મહાનગરપાલિકાના અધિકારીઓ, મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.