Abtak Media Google News

હિટ એન્ડ કાયદામાં સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે ચાલી રહેલી બેઠક સકારાત્મક રહી છે. ટ્રક ડ્રાઇવર્સ એસોસિએશન દ્વારા હડતાળ સમેટવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રક ડ્રાઇવર્સને તેમના એસોસિએશન અને સરકાર દ્વારા હડતાળ સમેટી લેવા માટેની અપીલ કરવામાં આવી છે. સરકાર દ્વારા આ કાયદો હાલમાં લાગુ નહી કરવાનું આશ્વાસન અપાયા બાદ આખરે હડતાળ સમેટી લેવામાં આવી છે.

નવા કાયદાની અમલવારી પૂર્વે ટ્રાન્સપોર્ટર્સ સાથે ચર્ચા કરાશે: કેન્દ્રીય ગૃહ સચિવની ખાતરી

ટ્રક ચાલકોએ હિટ એન્ડ રન અંગેના નવા કાયદા સામે સતત બીજા દિવસે પણ વિરોધ ચાલુ રાખ્યો હતો. આ પ્રદર્શનોની અસર દેશભરમાં જોવા મળી હતી. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ તેમણે કહ્યું કે, નવો કાયદો હજુ અમલમાં આવ્યો નથી. ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 106/2 લાગુ કરતા પહેલા અમે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના લોકો સાથે વાત કરીશું, ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે.

હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે. ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા અપીલ કરી છે. સરકાર દ્વારા સંગઠનને ખાતરી આપવામાં આવી છે કે, હાલમાં કાયદાનો અમલ કરવામાં નહી આવે. જ્યારે પણ તેનો અમલ થશે ત્યારે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે. આ પછી ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઈવરોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોટર વ્હીકલ એક્ટ હેઠળ હિટ એન્ડ રનના કેસ માટે નવા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. મોટા વાહનોના ચાલકો દેશભરમાં હડતાળ પર છે અને રસ્તાઓ રોકીને કાયદાનો અમલ ન કરવાની માંગ કરી રહ્યા છે. આ અંગે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા સાથે ગૃહ મંત્રાલયમાં પરિવહન સંગઠનની બેઠક યોજાઈ હતી. અહીં આશ્વાસન મળ્યા બાદ સંગઠન હડતાળ સમેટી લેવા સંમત છે.ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ મલકિત સિંહ બાલે કહ્યું કે ,106(2) જેમાં 10 વર્ષની સજા અને દંડ છે, તે કાયદાને લાગુ થવા નહી દે. અમે તમામ સંસ્થાઓની ચિંતાઓ સાથે ભારત સરકાર સુધી પહોંચ્યા છીએ. નવા કાયદાનો ઈરાદો 10 વર્ષની જેલ અને દંડનો છે, તે હજુ અમલમાં આવ્યો નથી. અમે તમામ ડ્રાઇવરોને ખાતરી આપીએ છીએ કે ભવિષ્યમાં આ કાયદો લાગુ કરવામાં આવશે નહીં. અથવા તો લાગુ કરવામાં આવે તો ટ્રક ડ્રાઇવર્સ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ જ લાગુ કરવામાં આવશે. અમે હડતાલ પાછી ખેંચવાની અપીલ કરી છે. તમામ ડ્રાઇવરોએ તેમના વાહનો પર પાછા ફરવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.