Abtak Media Google News

જીબીઆ પ્રમુખ ગોરધન ઝડફિયાની દરમિયાનગિરી થતા આંદોલન હાલ પૂરતું પડતું મુકાયું, ઉર્જામંત્રી સાથે બેઠક યોજ્યા બાદ આંદોલન પાછું ખેંચવું કે આગળ ચલાવવું તે નક્કી કરાશે

વીજ અધિકારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપ્યું હતું. પણ જીબીઆ પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયાની દરમિયાનગિરી થતા હડતાલ તા.3 જુલાઈ સુધી મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

જીયુવીએનએલ મેનેજમેન્ટ અને જીઇબી એન્જિનિયર્સ એસોસિએસન વચ્ચે અગાઉ સ્ટાફ સેટ અપ, હોટલાઇન એલાઉન્સ, બિન કાયદેસર ઓર્ડર રદ્ કરવા, પરફોર્મન્સ બેઝ્ડ ઇન્સેન્ટિવ સ્કીમ સહિતના પ્રશ્ને ગાંધીનગર ખાતે યોજાયેલી સમજુતી બેઠકમાં સહમતી નહી સધાતા જીબીઆ દ્વારા જીબીઆ સાથે સંકળાયેલા ૮,૦૦૦ કર્મચારીઓ ઉપરાંત જીયુવીએનએલ સંલગ્ન કંપનીના સંયુક્ત સમિતિના ૪૦,૦૦૦ કર્મચારીઓ ગઈકાલે માસ સીએલ ઉપર ઉતરી ગયા હતા અને આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ યોજવાના હતા.

જીબીઆ કોર કમિટી મેમ્બર્સ બી એમ શાહ, એચ જી વઘાસીયા, નીરવ બારોટ દ્વારા જીબીઆ પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા સાથે એજીવીકેએસના સિનિયર સેક્રેટરી જનરલ બલદેવભાઈ પટેલ તથા હર્ષદભાઈ પટેલની હાજરીમાં આંદોલનની નોટિસ અનુસંધાને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ત્યારબાદ પ્રમુખ દ્વારા ઉર્જા મંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા થયા બાદ પ્રશ્નોના યોગ્ય ઉકેલ માટે તારીખ ત્રણ જુલાઈ ને સોમવારના રોજ પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા અને ઊર્જા મંત્રી વચ્ચે ગાંધીનગર ખાતે મીટીંગ યોજવાનુ નક્કી થયેલ છે. આથી ગોરધનભાઈ ઝડફિયા દ્વારા ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિને તારીખ 3 જુલાઈ સુધી આંદોલન સ્થગિત રાખવા જણાવવામાં આવ્યું છે યોગ્ય ઉકેલની આશા સાથે સંકલન સમિતિ દ્વારા તારીખ 3 જુલાઈ સુધી આંદોલન સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.