Abtak Media Google News

“પોલીસ તો ઠીક પણ સિધ્ધપુર પીઆઈની જીપ જો જે રસ્તેી પોરીયો ઉર્ફે પૌલાદી આવતો હોય તો તે જીપ પણ રસ્તો ચાતરીને બીજે રસ્તે ચાલી જાય છે!”

ગુનેગારોને કોઈ જ્ઞાતિ નથી હોતી, પરંતુ અમુક ખાસ ગુન્હા અમુક જ્ઞાતિના ગુનેગારો જ કરતા હોય છે તેવુ ગુનેગાર ગેંગો અને પોલીસ રેકર્ડ ઉપરથી જાણી શકાય છે કોઈ ગુનેગાર એક વખત પ્રસ્થાપિત ગુનેગાર થઈ જાય પછી તેને કોઈ જ્ઞાતિ, સંસ્કૃતિ કે કોઈની શેહશરમ રહેતી નથી. અમુક વિસ્તારમાં અમુક જ્ઞાતિની બહુમતિ હોય પછી  તે પૈકી કોઈ વ્યકિત ટપોરીયો ગુનેગાર બને પછી તે બે નંબરની પ્રવૃતિથી જે બે નંબરીયા નાણા કમાય તેના અડધા જેટલા પોતાના ધર્મ મીત્રમંડળ અને કયારેક જ્ઞાતિના સામાજીક કાર્યોમાં વાપરીને શરૂઆતમાં નામના અને સહાનુભુતિ પ્રાપ્ત કરી પછી હાર્ડકોર કે માથાભારે ગુનેગાર બની જતા તે પછી તેની જ્ઞાતિના નબળા લોકોનો પણ શિકાર કરતો હોય છે પણ મોટુ મોથુ થઈ ગયેલા આવા ગુનેગારની સામે પછી તેની જ્ઞાતિના આગેવાનો કે લોકો પણ અવાજ કરી શકતા નથી હોતા અને અસહ્યપિડા ભોગવતા હોય છે.

આવો એક કિસ્સો ઉંઝામાં બન્યો , એક મોટા ગજાના જીરાના વેપારી કે જેઓ વિદેશમાં પણ જીરૂ અને ઈસબગુલ પોતાની ફેકટરીમાં તૈયાર પેક કરી નિકાસ કરતા હતા. સહજ રીતે આર્થિક સંપન્ન પાર્ટી આવા શિકારી ગુનેગારોની નજરના દાયરામાં આવી જ જાય ! મોબાઈલ ફોન નો તો હજુ એકાદ વર્ષથી ઉપયોગ ચાલુ થયો હતો. તેથી આ વેપારીને ટેલીફોનથી મોબાઈલ ફોન ઉપર ધમકી મળી કે અમુક લાખ રૂપિયા પહોંચાડો નહીં તો એક ના એક પૌત્રનું અપહરણ થઈ જશે.

આ પટેલ પાર્ટી આમ તો મજબુત અને મકકમ મનોબળ વાળી હતી. પરંતુ બાળકની વાત આવે એટલે તેમના પગ ધુ્રજી જતા હતા. આથી તેમણે પીઆઈ જયદેવનો સંપર્ક કર્યો. તેથી જયદેવે આ બાબત ફરીયાદ લખાવવાનું કહેતા તેમણે કહ્યુ કે મારે ફરીયાદ નથી લખાવવી તમે ઉપલક તપાસ કરો જો એવુ લાગશે તો હું તરત ફરીયાદ લખાવી દઈશ. જયદેવે ભોગ બનવા સંભવ પાર્ટીને જરૂરી સુચના કરી કયારે કઈ રીતે ખાસ તકેદારી રાખવી તે જણાવી દીધુ. આ પાર્ટીના મોબાઈલ ફોન ઉપર આવતા ધમકીવાળા ટેલીફોનના નંબર મેળવ્યા. તે સમયે ગમે તે ટેકનીકલ વ્યવસ્થા કે ખામી હોય પણ આવનાર ટેલીફોનનાં નંબરનો છેલ્લો આંકડો સ્ક્રીન ઉપર ડીસ્પ્લે થતો ન હતો, પરંતુ આગળના નંબરો જોતા તે ૦૨૭૬૭ એટલે કે ઉંઝા સિધ્ધપુરના જ હતા. હજુ બી એસ.એન.એલ લેન્ડ લાઈનનો એસ.ટી.ડી. કોડ બંને શહેર ઉંઝા અને સિધ્ધપુર સાવ નજીક આવેલા હોય એક જ હતો અને જે ત્રણ લેન્ડ લાઈન નંબરો ઉપરથી ધમકીઓ આવતી હતી તે ત્રણે સિધ્ધપુરના જણાતા હતા તેમ છતા જો કદાચ બાળકનું અપહરણ થાય તે ભયે ફરીયાદીને લેન્ડ લાઈન ઉપર પણ કોલર આઈડીફોન મુકવા સુચના કરી . તેમાં પણ એ જ પ્રશ્ર્ન હતો કે કોલર ફોન નો છેલ્લો આંકડો સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થતો ન હતો.

આથી ધમકીની ગંભીરતા પારખીને જયદેવે પાર્ટી ફરીયાદ કરવા માગતી ન હોવા છતા પોતાના સર્વેલન્સ સ્ટાફની મીટીંગ કરી આ પ્રશ્ર્ને ચર્ચા કરી કે કોણ હોઈ શકે, શું હોઈ શકે શું થઈ શકે અને  શું કરવુ જોઈએ. ચર્ચા દરમ્યાન ડી-સ્ટાફ જમાદાર રણજીતસિંહે કહ્યુ કે બુટલેગર વાલીયા મારવાડી અપહરણ કેસ ખંડણી પ્રકરણમાં તો પુરાવાના અભાવે જે સાઉદ અને નેકટરને પકડેલા નહિ તે પૈકી નેકટર રામજી હાલમાં જ્ઞાતિના જોરથી ઉંઝામાં ખુબ કુદી રહ્યો છે. આ નેકટર ઉર્ફે એલીકઝીરનો ભુતકાળ ખુબ વરવો છે તેને હવે પોલીસનો ડર રહ્યો નથી. જયદેવે આ નેકટરના ભુતકાળ અંગે પુછતા અનુભવી રાયટર પુનાજી એ કહ્યુ ” સાહેબના નેકટર મુળે તો ક્રિકેટ મેચ ઉપર રમાતા સટ્ટાનો જુગારીયો પણ ધીમે ધીમે સોબત ફેર થતા જુગાર ઉપરાંત ચોરી છુપીથી ઈંગ્લીશ દારૂનો પણ વેપાર કરવા માંડેલો. આ દરમ્યાન રાજય સરકારે દારૂબંધીની કામગીરી પોલીસદળ પાસેથી લઈને નશાબંધી ખાતાને સોંપેલી. તેથી તે પછી આ નેકટર સાવ ભયમુકત થઈને ખુબ ફાલ્યો ફુલ્યો અને દારૂનો મોટો વેપારી થઈ ગયેલો. ઉંઝામાં નેકટરની જ્ઞાતિ જ બહુમતિમાં હતી અને અમુક સમૃધ્ધ લોકોનો શોખ શરાબ હોઈ  તેની ઉંઝામાં માંગ પણ ખુબ રહેતી. તેથી તે લોકો તેને પરોક્ષ મદદ પણ કરતા હતા.

તે સમયે એક વખત પાટણ નશાબંધી ખાતાના બે પોલીસ કોન્સ્ટેબલોએ આ નેકટરના દારૂના અડ્ડા ઉપર ઉંઝામાં રેઈડ કરેલી તેથી નેકટર ખીલાના જોરે ખુબ કુદેલો અને ઉશ્કેરાઈ જઈ પોતાના સાથીદારોથી બંને નશાબંધીના જવાનો ઉપર હુમલો ઠોકી દીધો અને બંને જવાનોને ખુબ ખરાબ રીતે માર્યા, આટલાથી સંતોષ નહિ થતા અને પોતાની એક કાયમી પ્રસ્થાપિત દાદા તરીકેની છાપ ઉભી કરવા નેકટરે પોતાના જોડીદારોની મદદથી બંને જવાનોને દીરડેથી બાંધીને રેંકડીમાં નાખીને ગળામાં એવુ લખેલા પાટીયા પહેવરાવ્યા કે અમે તોડ પાણી કરવા આવેલા નશાબંધીના પોલીસવાળા છીએ અને આ રેંકડીઓ ઉભી બજારે ફેરવવામાં આવેલી. તે દિવસે ગમે તે થયુ લોકલ ઉંઝા પોલીસને ખબર પડી કે ન પડી પરંતુ આ બંને ને રેંકડીનાં નાખીને મારતા મારતા બજારમાં ફેરવવાનો તાયફો પાંચ છ કલાક ચાલેલો. બંને જવાનો મરી જાય તેવા થઈ જતા કોઈકે તે બંને ને ઉંઝા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરેલા અને વધુ સારવારમાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં રીફર કરેલા. પરંતુ જ્ઞાતિવાદ કે અન્ય ગમે તે કારણે આ ગંભીર ઈજાગ્રસ્ત જવાનોની ફરીયાદ લેવામાં પણ લાલીયાવાડી થયેલી, ખરેખર સમગ્ર બનાવ જોતા અને ઈજાની ગંભીરતા જોતા આરોપીઓ વિરૂધ્ધ ખુનની કોશીષ ઈ.પી.કો.ક ૩૦૭ની કલમ એફ.આઈ.આર માં સામેલ કરવાની જરૂરત હતી પરંતુ તેની કોઈએ દરકાર કરી નહિ. નશાબંધી પોલીસ ઈન્સ્પેકટર યાજ્ઞિકે આ કલમ દાખલ કરવા ખુબ પ્રયત્નો અને માથાકુટ કરેલી પરંતુ કોઈએ તેનું સાંભળેલુ નહિ અને આ નેકટર સહિતના આરોપીઓ વિરૂધ્ધ ચિલાચાલુ કલમો લગાડી તેવી જ તપાસ કરી ઉંઝા પોલીસે ગુન્હેગારોને કોર્ટમાં રજુ કરી દીધેલા અને આરોપીઓ આરામથી તે જ સમયે જામીન ઉપર પણ છુટી ગયેલા. તે પછી કોઈ નેકટરનું નામ લેતુ ન હતુ.

ત્યારપછી છેલ્લે આ બુટલેગર વાલીયા મારવાડી અપહરણમાં તેનું આંગળી ચિંધામણુ તો હતુ જ પરંતુ કોઈ પુરાવો નહિ હોય અને વાલીયા મારવાડી એજ આ નેકટર પોતાનો જીગરી દોસ્ત હોવાનું કહી તેની તરફેણ કરતા તેથી તેમાંથી તે છટકી ગયેલો. બાકી તે કાવત્રામાં પણ આ નેકટર રામજી અવશ્ય સામેલ હતો.

હાલ ના આ પટેલ વેપારીના પૌત્રના અપહરણની ધમકીમાં પણ આ નેકટર સામેલ હોવાનો જ પણ ગમે તે કારણે આ વેપારી ખુલીને વાત કરતા ન હતા આથી જો નેકટરને જ દબોચવામાં આવે તો આ ધમકી પ્રકરણનો અંત આવે.

આથી જયદેવે વિચારીને નકકી કર્યુ કે હવે આ મામા કંસનો વધ ભાણીયા કૃષ્ણ થી જ કરવો પડે. તેથી જયદેવ ભોગ બનનાર  વેપારીને વારંવાર તેની ફેકટરી, પેઢી ઉપર મળતો જેથી વેપારીને જયદેવ સાથે થોડી આત્મિયતા બંધાણી અને થોડી ઘણી વાતો ખુલીને કહેવા લાગ્યા. એક વખત કહ્યુ કે સાહેબ એક ઘેરા જાંબલી રંગની કાર વારંવાર મારા ઘર આજુબાજુ ચકકર મારતી હોય છે પણ નંબરની ખબર પડતી નથી. આ બાબતની ચર્ચા થતા જમાદાર રણજીતસિંહે જયદેવને કહ્યુ સાહેબ આ ઘેરા જાંબલી રંગની કાર લઈને આ નેકટર જ આખા ગામમાં આંટા મારતો હોય છે.

તે દરમ્યાન પોલીસ ફરીયાદ નહિ થતા નેકટર વધુજોરમાં આવેલો. આથી તેણે ફરીથી ધમકી દેવરાવી કે હવે તો બાળકને ઘરમાંથી કાઢીને જ ઉપાડી જવુ છે આથી વેપારીનું આખુ કુંટુબ ફફડી ઉઠયુ ખાસ તો મહિલાઓમાં ધ્રાસ્કો પડી ગયો. આથી જયદેવે વેપારીને વિશ્ર્વાસમાં લઈ અમુક ચોકકસ સમયે અને ખાસ તો સ્કુલે જવા આવવાના સમયે ફરીયાદીના બંગલાના બગીચામાં ખાનગી કપડામાં બે પોલીસ જવાનોને ગોઠવી દીધા. આથી ધાર્યુ પરીણામ પણ આવ્યુ. સ્કુલે જવાના સમયે જ નેકટર તેની જાંબલી કલરની કાર લઈને હજુ બંગલા પાસે આવ્યો જ ત્યાં મહિલાઓએ રાડારાડ અને દેકારો કરી દેતા બંગલાના બગીચામાં સંતાઈને બેઠલા બંને જવાનોએ કંપાઉન્ડ વોલની દિવાલ ઠેકી કારમાં જ નેકટરને દબોચીને જયદેવને પોલીસ સ્ટેશને જાણ કરી દીધી. જયદેવ તો રાહ જોઈને તૈયાર જ બેઠો હતો. અપહરણની કોશીષની એફ.આઈ.આર. નોંધીને નેકટરને સેસન્સ ટ્રાયલ ગુન્હામાં બરાબર ફીટ કરી દીધો. રાજકારણ અને અમુક રસ ધરાવનારાઓએ ચોરી છુપીથી અને અચકાતા અચકાતા પણ જયદેવને ભલામણ કરી કે નેકટર દારૂડીયો જુગારીયો વિગેરે ખરો પણ તે આવુ ન કરે ! જયદેવે નેકટરનો સમગ્ર ભુતકાળ અને વાલીયા મારવાડી અપહરણ કેસની વાત કરી અને આંતર જિલ્લા ગુન્હેગારોના સંપર્કોની વાત કરી કહ્યુ કે હવે ઉંઝામાં સારા લોકો અને તેમાં કોઈ તમારા સગા કે પરિચિતોની પણ સલામતિ નહિ રહે તેમ કહેતા નેકટરના કહેવાતા ટેકેદારો પીઠુઓ પણ વિચારતા થઈ ગયા અને જયદેવે જે કામ કરવાનું હતુ તે પુરૂ કરી લીધુ. એવા સજજડ પુરાવા મેળવ્યા કે સેસન્સ કોર્ટે જ નહિ હાઈકોર્ટે પણ નેકટર રામજીની જામીન અરજી રદ કરી અને લાંબો જેલવાસ થયો.

પરંતુ જયદેવને ઉંઝાનું આ દર્દ કાયમી ધોરણે દુર કરવુ હતુ તેથી નેકટર પોલીસ કસ્ટડીમાં હતો ત્યારે સિધ્ધપુરથી કયાંથી કેવી રીતે ફોન કરતો કે કરાવતો હતો તે અંગે પુછતા તેણે કહ્યુ કોઈ નહિ હું જાતે જ બધુ કરતો તેમ રીઢા ગુનેગારની હેસીયત થી મુળ વાત છુપાવી પરંતુ જમાદાર રણજીતસિંહે કહ્યુ “સાહેબ એવુ લાગે છે કે આ માં સિધ્ધપુરનો હિસ્ટ્રીશીટર અને સિધ્ધપુરનો ડોન કમ દાદો એવો રજાક ખાન ઉર્ફે પોરીયો ઉર્ફે પૌલાદી કાવતરામાં સામેલ હોય જ પણ આ ગુનેગાર નેકટર તે સાચી વાત છુપાવે છે આથી નેકટરે રણજીતસિંહ ને કહ્યુ “શુ જમાદાર તમારે મને મરવી નાખવો છે ? રણજીતસિંહે જયદેવને કહ્યુ “સાહેબ આ પોરીયો ઉર્ફે પૌલાદી સિધ્ધપુરનો દાદો તો છે જ પરંતુ ગુન્હો કર્યા પછી તે નાસતો ફરતો હોય અને પોલીસ પકડવા જાય ત્યારે પોલીસ પાર્ટી ઉપર પણ ઘાતક હુમલા ભુતકાળમાં કરેલા છે. વળી છેલ્લા ચારેક વર્ષથી તે સિધ્ધપુર પોલીસ સ્ટેશનનો વોન્ટેડ લુંટ, જબરાઈથી નાણા કઢાવવાના આ રીતે ના ગુન્હા સમયાંતરે કરતો જ રહે છે અને લોકો તો એમ પણ વાતો કરે છે કે સિધ્ધપુર પોલીસ તો ઠીક પણ પીઆઈની જીપ જો જે રસ્તેથી પોરીયો ઉર્ફે પૌલાદી આવતો હોય તો જીપ તે રસ્તો ચાતરીને બીજે રસ્તે ચાલી જાય છે ! જયદેવે આથી નેકટર પુછયુ “કે શું સાચુ ? આથી નેકટરે કહ્યુ “સાહેબ જમાદાર સાહેબ અને લોકો કહેતા હોય ને સાચુ જ હોય ને ! આમ સિધી રીતે નહિ તો પરોક્ષ કબુલાત તો મળી જ ગઈ કે આ ગુન્હાના કાવત્રામાં પૌલાદી સામેલ છે જ ભલે તેને આ ગુન્હામાં પુરાવાના અભાવે પકડી ન શકાય પરંતુ હવે તેની પણ કાંઈક દવા કરવી જ પડશે નહિ તો ઉંઝા માં તે કાંઈક ને કાંઈક સળી કર્યા જ કરશે.

જયદેવે સિધ્ધપુરના જે ત્રણ ટેલીફોન નંબરો કે જેનો છેલ્લો અંક કે નંબર મળતો ન હતા તે ત્રણે નંબરો ઉપર એક પછી એક ૦ થી ૯ સુધીના આંકડા છેલ્લે મુકીને દરેક ટેલીફોનના દસ એવા કુલ ત્રીંસ ટેલીફોન નંબરો કર્યા અને તેનો ઉપયોગ કોણ કઈ જગ્યાએ કરી રહ્યુ છે તેની વિગત બી.એસ.એન.એલ.ને પુછાણ કર્યુ. જયદેવનું અનુમાન અને અનુભવ એવો હતો કે ધમકીઓ મોટાભાગે એસ.ટી.ડી. પીસીઓ ઉપરથી જ તે સમયે અપાતી હતી. જેથી જો આ પૈકીના કોઈ નંબરો પીસીઓ ના હોય તો ત્યાં તપાસ થઈ શકે અને ખરેખર આ ત્રીસ પૈકી ત્રણ નંબર પીસીઓના સરનામા વાળા મળ્યા. આથી જયદેવે સાદા કપડામાં સિધ્ધપુર આવી ત્રણે પીસીઓના સરનામા વાળી જગ્યાએ તપાસ કરી અને એક પીસીઓ શંકાસ્પદ જગ્યાએ આવેલો હોય તેની તપાસમાં દુકાનમાં જઈ કોઈ રજીસ્ટરમાં નોંધ કે કોઈ કાપલીઓ મળે અનેે તેમાં ઉંઝાવાળા નંબર ઉપર ફોન કર્યાની વિગત હોય તો મળે પરંતુ કાંઈ મળ્યુ નહિ. છતા જયદેવે પીસીઓ વાળાને પુછપરછ કરતા તેણે સાવ અજ્ઞાનતા જ જાહેર કરી.

પરંતુ આ કાર્યવાહીની ધારી અસર થઈ. ઉંઝા પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા ફોજદાર ગોસ્વામી જે અગાઉ પાટણ જિલ્લામાં કાકોશી અને સિધ્ધપુર પોલીસ મથકમાં પણ ફરજ બજાવતા હતા તેના ઉપર પોરીયો ઉર્ફે પૌલાદીનો ફોન આવ્યો  કે “શું સાહેબ હવે ઉંઝા પોલીસ પણ મારી તપાસ કરવા સિધ્ધપુર આવી હતી ? આથી ગોસ્વામીએ તો ફોન ઉપર જ શબ્દપ્રહાર પોલીસવાળો ચાલુ કર્યો આથી પેલાએ ફોન મુકી દીધો અને આ વાત જયદેવને કરી. પરંતુ તે બનાવ બાદ પેલા પટેલ વેપારી ઉપર આવતા ફોન સદંતર બંધ થઈ ગયેલા.

ત્યારબાદ એક દિવસ સાંજના સમયે બાતમી મળી કે આજે રાત્રીના ઉંઝાના પાદરમાં આવેલી એક તમાકુની ખળીમાં આ પૌલાદી ઉર્ફે પોરીયો જુગાર રમવા આવવાનો છે, પાકુ સરનામું પણ ખળીનું મળી ગયુ. જયદેવે ડીસ્ટાફના અંગત માણસોને  એકઠા કરી પુર્વ તૈયારી માટે ચર્ચા કરતા બે વાત નકકી થઈ કે એક તો આ પોરીયો હડકાયા કુતરા જેવો છે સિધો હુમલો જ કરે છે બીજુ આ ખળી ઉંઝાના મોટા ગજાના રાજકારણીના ભત્રિજાની છે તેથી તમામ પાસાનો વિચાર કરીને રેઈડ કરવી જોઈએ.

જયદેવે પોરીયા ઉર્ફે પૌલાદીના ચહેરા નિશાન અંગે માહિતી મેળવી ચહેરા નિશાન એટલે કે માથાના વાળ વર્ણ ચહેરો બાંધો, ઉંચાઈ વગેરે વિગતવારનું વર્ણન જમાદારે કહ્યુ કે ૨૪-૨૫ વર્ષનો દુબળો પાતળો જવાનીયો છે ઈન્સર્ટ ખાસ કરે છે.

જયદેવે રણજીતસિંહને કહ્યુ કે તમે કહો છો તેવા વિચાર જ જો કર્યા કરીએ તો તો પોલીસમાં કામ જ ન થાય, તમે ફકત જગ્યા બતાવજો બાકીનું હું નિપટી લઈશ. જયદેવે રોલકોલમાં ત્રિસ જવાનો અને ત્રણ ફોજદારોને રાત્રીના અગીયાર વાગ્યે થાણામાં હાજર રહેવાની સુચના કરી દીધી અને રાત્રીના બાર વાગ્યે ઉંઝાના આથમણા પાદરમાં આવેલી તમાકુની ખળી (ફેકટરી) એ આવ્યો નસીબ જોગે ખળીના દરવાજાની ગળક બારી ખુલ્લી જ હતી જેથી તમામ ઘીરે ઘીરે અંદર પ્રવેશી ગયા.

ખળીમાં દરવાજાની  સામે જ થોડ દુર એરક્ધડીશન ઓફીસ આવેલી હતી તેને કાચનું બારણુ હતુ પણ કાચ ઉપર ફીલ્મ લગાવેલી હોય અને રૂમમાં ફુલ્લ લાઈટો ચાલુ હોય બહારથી અંદર સ્પષ્ટ દેખાતુ હતુ પણ અંદરવાળા બહાર કાંઈ જોઈ શકતા ન હતા. તેથી તેમને પોલીસ આવ્યાની કંઈ જાણ થઈ નહિ. જયદેવે ઓફીસમાં નિરખી ને જોયુ તો પંદરેક વ્યકિતઓ રૂમમાં ગાદલા નાખી ગંજીપાના વડે રમતા હતા અને પૌલાદીના વર્ણન વાળો યુવાન બારણા સામેની દિવાલે બરાબર વચ્ચે જ બેઠો હતો. જયદેવે ચિતાની ઝડપે પ્રવેશ કરી એક જ ડગલે સામી દિવાલે પહોંચી ગયો કોઈ કાંઈ સમજે તે પહેલા જ પેલા યુવાન ને કમરમાંથી પકડી પુછયુ કે રીવોલ્વર કયાં રાખી છે ? આથી તેણે કહ્યુ જોઈલો રીવોલ્વર છે જ નહિ. પણ પગના મોજા ઉપર બાંધેલો છરો મળી આવ્યો જે જયદેવે ઝડપ મારી કાઢી લીધો. જયદેવે પાછુ વળીને જોયુ તો દરવાજા ઉપર ફકત જમાદાર રણજીસિંહ જ ઉભા હતા. તેમણે મોઢાના હવ-ભાવ થી જ બરાબર શિકાર પકડયાનું દર્શાવ્યું. બાકીની ફોજ ફળીયામાં ઉભી રહીને વાતો ના ફડાકા મારતી હતી. જયદેવે પેલાને પકડી બહાર લાવી જમાદાર રણજીતસિંહ ને હુકમ કર્યો કે આના કપડા ઉતારી ચેક કરો અને પછી પોલીસ તાનમાં આવી અને આરોપીને દિગંબર ડ્રેસ પહેરાવી દીધો જેથી તે નાસી જઈ શકે નહિ. જયદેવે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને લોકઅપમાં મુકી મહેસાણા અને પાટણના પોલીસવડા તથા સિધ્ધપર પોલીસને સિધ્ધપુર પોલીસ સ્ટેશનનો નાસતો ફરતો ત્હોમતદાર અને ડોન રઝાકખાન ઉર્ફે પોરીયો ઉર્ફે પૌલાદીને ઉંઝામાંથી પકડયાની વાયરલેસથી જાણ કરી.

આથી પાટણ અને મહેસાણા જિલ્લામાં આ સિધ્ધપુરનો ડોન પકડાયાની વાત ફેલાતા જબરી ચકચાર મચી ગઈ અને ઉંઝા પોલીસની વળી વાહ વાહ થઈ ગઈ. પરંતુ પકડાયાની જગ્યા ખળી ખોટા રાજકીય માથાના ભત્રીજાની માલીકીની હોય ઉંઝામાં તો ચોરી છુપીથી પોલીસ કાર્યવાહીનો વિરોધ થયો પણ જયદેવ કોર્ટ મુદતમાં જિલ્લા બહાર ગયો હોય વાતાવરણ વધારે ઉગ્ર બન્યુ અને પોલીસવડા સમક્ષ જમાદાર રણજીતસિંહ અને હેડ કોન્સ્ટેબલ પુનાજીની ઉંઝાથી જયદેવ સાથે આ અંગે  ચર્ચા કરી. પોલીસવડા નિષ્ઠાવાન હતા પણ સતા આગળ શાણપણ શા કામનું  ? પરંતુ જયદેવે પોલીસવડાને વિનંતી કરી કે ભલે બદલી કરજો પરંતુ હું ઉંઝા પાછો આવુ ત્યારપછી આથી તેઓ સહમત થયા. જયદેવ બે દિવસ પછી પાછો ઉંઝા આવ્યો ત્યાં વાતાવરણ તો ઠંડુ થઈ ગયુ હતુ. છતા જયદેવે રસ ધરાવતા રાજકારણીનો સંપર્ક કરી કહ્યુ કે ઉંઝા ગામના બાળકો ઉપાડી જવાની ધમકી આપનાર ઈસમ ને આશરો આપવો કેટલે અંશે વ્યાજબી છે? ગામનું હિત શું ? જનતાની સલામતિનું ? રહી બીજી વાત પોલીસે ધાર્યુ હોત તો થોડો ઉમેરો કરી ને જુગાર નો કેસ પણ કરી શકી હોત તો તમામની શું હાલત થાત ? આથી બદલીની વાત પડતી મુકાઈ અને તમામને સત્યમેવ જયતે નો અહેસાસ થયો.

પરંતુ જયદેવ નિવૃત થયા પછી પણ બાર તેર વર્ષ બાદ છાપામાં સમાચાર વાંચેલા કે આ સિધ્ધપુરનો રઝાકખાન ઉફૅે પોરીયો ઉર્ફે પૌલાદી અમદાવાદ સાબરમતિ જેલમાંથી મહેસાણા મુદતે લાવતા અમદાવાદ ચીમન બ્રીજ પાસેથી જ પોલીસ કસ્ટડીમાંથી નાસી છુટયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.