Abtak Media Google News

ભરૂચ પાસે એમોનિયા નાઇટ્રેડ ભરેલા ટેન્કર સાથે અથડાયેલી ગુજરાત ટ્રાવેલ્સની બસ અગન ગોળો બની ગઇ

પુનાથી અમદાવાદ આવવા રવાના થયેલી બસના બંને ચાલકો જોખમી રીતે ડ્રાઇવીંગ કર્યાનો મુસાફરોનો આક્ષેપ: પિતા-પુત્ર સહિત ત્રણ બસમાં જ સળગીને ભડથું થયા

ન જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનું છે તે ઉક્તિને કરૂણ રીતે સાર્થક ગુજરાત ટ્રાવેલ્સની બસના મુસાફરો માટે બની હતી. પુનાથી અમદાવાદ આવી રહેલી ગુજરાત ટ્રાવેલ્સની લકઝરી ભરૂચના પાલેજ નજીક લુવારા પહોચી ત્યારે એમોનિયા નાઇટ્રેડ ભરેલા ટેન્કર સાથે ધડાકાભેર અથડાતા ગુજરાત ટ્રાવેલ્સની બસમાં ભયાનક આગ લાગી હતી. બસમાં ફસાયેલા સુરેન્દ્રનગરના પિતા-પુત્ર સહિત ત્રણ સળગીને ભડથુ થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. રવિવારની વહેલી સવારે બનેલા ગમખ્વાર અકસ્માતમાં ઘવાયેલા બસના મુસાફરોએ બંને ચાલકો જોખમી રીતે બસ ચલાવતા હોવાનો આક્ષેપ કરતા સનસનાટી મચી ગઇ છે. પોલીસ ગુજરાત ટ્રાવેલ્સની બસના ચાલક સામે બેદકારી અને જોખમી રીતે બસ ચલાવી ત્રણ મુસાફરોના મોત નીપજાવ્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ઉત્તર પ્રદેશના વતની અને ભરૂચ નજીક વડદલા ગામે રહેતા રામઆશરે આદીનાથ પાલના જી.જે.૧૬ડબલ્યુ. ૭૯૫૧ નંબરના એમોનિયા નાઇટ્રેડ ભરેલા ટેન્કર સાથે ગુજરાત ટ્રાવેલ્સની જી.જે.૩બીવી. ૫૮૯૬ નંબરની લકઝરી બસના ચાલકે બેદરકારીથી ચલાવી જીવલેણ અકસ્માત સજાર્યાની ભરૂચ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. આર.એ.બેલીમે ગુજરાત ટ્રાવેલ્સના બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

રામઆશરે પાલ પોતાના જી.જે.૧૬ડબલ્યુ. ૭૯૫૧ નંબરના ટેન્કરમાં ભરૂચની જીએનએફસી કંપનીમાંથી ગત તા.૨ નવેમ્બરે એમોનિયા નાઇટ્રેડ ભરીને પાનોલી જીઆઇડીસી જઇ રહ્યો હતો ટેન્કર વહેલી સવારે પાંચ વાગે પાલેજના લુવારા પાટીયા પાસે પહોચ્યું ત્યારે પુર ઝડપે ઘસી આવેલી ગુજરાત ટ્રાવેલ્સની જી.જે.૩બીવી. ૫૮૯૬ નંબરની લકઝરી બસ ધડાકા ભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ગુજરાત ટ્રાવેલ્સની બસ એમોનિયા નાઇટ્રેડ ભરેલા ટેન્કરની ડિઝલની ટાંકી સાથે અથડાતા સ્પાર્ક થવાના કારણે બસ સળગી હતી. બસમાં અચાનક ભયાનક આગ લાગતા અને એમોનિયા નાઇટ્રેડ ગેસના કારણે બસના મુસાફરોમાં ગુંગળામણ થતાં નાસભાગ મચી ગઇ હતી. બસમાં ફસાયેલા મુળ સુરેન્દ્રનગરના વતની અને મુંબઇ સ્થાયી થયેલા કિરીટભાઇ શાહ નામના ૬૬ વર્ષના વૃધ્ધ અને તેમના પુત્ર હર્ષ શાહ તેમજ અમદાવાદના પ્રશાંત શાહના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

બસના ચાલકે સર્જેલા અકસ્માતના કારણે બસ સંપર્ણ રીતે સળગી ગઇ હતી. તેમજ મુસાફરી દરમિયાન ઘવાયેલાઓને સારવાર માટે ભરૂચ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે ટેન્કરના ચાલક રામઆશરે પાલની ફરિયાદ પરથી જી.જે.૩બીવી. ૫૮૯૬ નંબરની બસના ચાલક સામે બેદરકારીથી બસ ચલાવવા અંગેનો ગુનો નોંધ્યો છે.

રાજકોટ-ભાવનગર વચ્ચે ચાલતી ગુજરાત ટ્રાવેલ્સની બસના ચાલકો પણ જોખમી રીતે બસ ચલાવતા હોવાની અને મુસાફરો સાથે તોછડા વર્તન કરતા હોવાની ફરિયાદો પણ મળી રહી છે. ગુજરાત ટ્રાવેલ્સના સંચાલકો અને બસ ચાલકો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી નિર્દોષ મુસાફરોની વહારે આવવા પણ અનુરોધ થઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.