Abtak Media Google News

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલની ત્રણેય શાળાઓ મારુતિનગર, રણછોડનગર અને નવા થોરાળામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે અનેરી ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનાં પાવન પર્વ નિમિત્તે ગુરુને દાન-દક્ષિણા આપવાનો મહિમા છે પરંતુ સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં હંમેશાની જેમ જ ગુરુ પૂર્ણિમાનાં દિવસે ગુરુઓએ જ વિદ્યાર્થીઓને ભેટ-પુરસ્કાર આપી સન્માનિત-પ્રોત્સાહિત કર્યા હતા. સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં ગુરુ પૂર્ણિમાની વિશિષ્ટ ઉજવણી અવસરે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશનાં સંગઠન મંત્રી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પ્રચારક મહેશભાઈ પતંગે અતિથીવિશેષ તરીકે ઉપસ્થિત રહીને શાળાનાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને ઓલ અપ સ્કોલરશીપ યોજના હેઠળ રૂપિયા ૫૧ હજારથી વધુનાં ચેક, શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સમ્માનિત કર્યા હતા. સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે આ પ્રસંગે જણાવ્યુ હતું કે, સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં ગુરુ પૂર્ણિમાનાં દિવસે ઓલ અપ સ્કોલરશીપ યોજના હેઠળ કોઈપણ ધોરણમાંથી ઉપલા ધોરણમાં પ્રવેશેલા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કારનાં ચેક, શિલ્ડ, પ્રમાણપત્ર આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવે છે.  ગુરુ પૂર્ણિમાનાં પાવન પર્વ નિમિત્તે સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની, ટ્રસ્ટી અનિલભાઈ કિંગર, રમેશભાઈ ઠાકર, હસુભાઈ ખાખી, અક્ષયભાઈ જાદવ, કીર્તિદા બેન જાદવ, પલ્લવીબેન દોશી, કેતનભાઈ ઠક્કર, રણછોડભાઈ ચાવડા સહિત શાળાનાં પ્રધાનચાર્યો અને શૈક્ષણિક સ્ટાફએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિદ્યાર્થીઓને શુભાશિષ પાઠવ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.