Abtak Media Google News
  • આગામી દિવસોમાં ઉનાળુ વેકેશનને લઈને નવી તારીખ જાહેર કરવામાં આવશે: ચૂંટણી પંચની સૂચના મળ્યા બાદ તાત્કાલિક પ્રાથમિક સ્કૂલોના ઉનાળા વેકેશનમાં ફેરફાર કરાશે

રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં જાહેર કરવામાં આવેલા ઉનાળા વેકેશનનો પરિપત્ર સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં 6 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવાનો પરિપત્ર કરવામાં આવ્યા બાદ ચૂંટણીના પગલે શિક્ષકો કામગીરીમાં જોડાયેલા હોવાના લીધે પરિપત્ર સ્થગિત કરવામાં આવ્યો છે. જેથી હવે આગામી દિવસોમાં ઉનાળુ વેકેશનને લઈને નવી તારીખ જાહેર કરવામાં આવશે. જોકે, આ પરિપત્રના પગલે માત્ર શિક્ષકોને જ અસર થશે, વિદ્યાર્થીઓ તો પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કૂલે જતાં ન હોવાના લીધે તેમનું વેકેશનનો પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ થઈ જતું હોય છે, પરંતુ શિક્ષકોને આ પરિપત્રની અસર થશે. પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ઉનાળુ વેકેશન જાહેર કર્યાના બીજા જ દિવસે પરિપત્ર સ્થગિત કરી દેવામાં આવ્યો છે.

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેનું શૈક્ષણિક કેલેન્ડર શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતું હોય છે. આ કેલેન્ડર અનુસાર ઉનાળું વેકેશન એક સમાન રહે તે માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પણ શિક્ષણ બોર્ડે નક્કી કરેલી તારીખોમાં જ ઉનાળું વેકેશન આપવામાં આવતું હોય છે. જેથી શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડરમાં આ વર્ષે ઉનાળુ વેકેશન 6 મેથી 9 જૂન સુધીનું જાહેર કરવામાં આવ્યું હતું અને 10 જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે તેવી સત્તાવાર જાહેરાત કરાઈ હતી. શિક્ષણ બોર્ડના એકેડેકમિક કેલેન્ડર અનુસાર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પણ મંગળવારના રોજ પરિપત્ર કરી પ્રાથમિક સ્કૂલોમાં 6 મેથી 9 જૂન સુધી 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે તેવી જાહેરાત કરી હતી. જોકે, પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ઉનાળુ વેકેશનની જાહેરાત કરતો પરિપત્ર કરવામાં આવ્યા બાદ ધ્યાને આવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીને લઈને પ્રાથણિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકોને કામગીરી સોંપવામાં આવેલી છે. જેમાં 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું હોવાથી શિક્ષકોને 9 મે સુધીની કામગીરીના ઓર્ડર ઈશ્યુ કરવામાં આવેલા છે.

આમ, એક બાજુ ચૂંટણીની કામગીરીના ઓર્ડર ઈશ્યૂ કરેલા છે અને જો તે દરમિયાન વેકેશન જાહેર કરી દેવામાં આવે તો મુશ્કેલી સર્જાય તેવી શક્યતા હોવાનું જણાતા ઉનાળું વેકેશન જાહેર કરવા માટે કરાયેલો પરિપત્ર હાલ પુરતો સ્થગિત કરવાનું નક્કી કરાયું છે. આમ, ચૂંટણી પંચની સૂચના મળ્યા બાદ તાત્કાલિક પ્રાથમિક સ્કૂલોના ઉનાળા વેકેશનને લઈને કરવામાં આવેલો પરિપત્ર સ્થગિત કરી દેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં ઉનાળા વેકેશનને લઈને નવી તારીખ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં આ મુદ્દે અધિકારીઓની બેઠક મળ્યા બાદ વેકેશન અંગે નિર્ણય લેવાશે. જો, શિક્ષકોના વેકેશનના 35 દિવસમાં ઘટાડો કરવામાં આવે તો તેમને રજાનું રોકડમાં રૂપાંતર મળતું હોય છે, પરંતુ જો દિવસો ઘટાડવામાં ન આવે તો 10 જૂનના બદલે સ્કૂલો મોડી શરૂ કરવી પડશે. આમ, હવે આ બે મુદ્દે વિચારણા કર્યા બાદ વેકેશન અંગે નિર્ણય લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.