Abtak Media Google News

ગણપતિ આયો બાપા રિઘ્ધી સિઘ્ધી લાયો….

સતત ર7 વર્ષથી ગણેશ મહોત્સવની જાજરમાન ઉજવણી કરતું એઇટ વન્ડર્સ ગ્રુપ: આઠ વખત ગિનિસ બુક ઓફ રેકોર્ડસમાં નામ નોંધાયું: આ વર્ષે વિશ્વની સૌથી મોટી બોલપેનનો રેકોર્ડ બનાવાશે

હિંદુ કેલેન્ડર અનુસાર, ભાદ્રપદ મહિનાની શુકલ ચતુર્થીથી દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર શરુ થાય છે આ તહેવાર મુખ્યત્વે 10 દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન ભકતો બાપ્પાને પોતાના ઘેર ઢોલ નગારા સાથે વાજતે ગાજતે લાવે છે અને વિધિવત સાથે બાપ્પાનું પુજન, અર્ચન, આરતી કરતા હોય છે અને અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાને વિદાય આપે છે.

જામનગરમાં કડિયાબજાર રોડ પર છેલ્લાં 27 વર્ષથી દર વર્ષે એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા શ્રી દગડુશેઠ ગણેશ સાર્વજનિક મહોત્સવ આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે પણ તા. 19 થી તા. 28 સપ્ટેમ્બર સુધી ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન જહેમતથી કરવામાં આવી રહ્યું છે. આ ગ્રુપ આ અગાઉ આઠ વખત ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નામ નોંધાવી ચૂકયું છે. આ વખતે પણ નવી થીમનો ઉપયોગ કરી વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. ગણેશ મહોત્સવ દરમિયાન 22મી સપ્ટેમ્બરે સવારે અગિયાર વાગ્યે વર્લ્ડ રેકોર્ડની ટીમ આ મહોત્સવની મુલાકાત લેશે.

આ વર્ષે પર્યાવરણને ધ્યાનમાં રાખી આ મહોત્સવમાં ગણેશજીની પ્રતિમા કંતાન, સફેદ કાપડ, પૂંઠા, વાંસ, રેતી, સૂતરી, દોરા અને પથ્થરમાંથી બનાવવામાં આવશે.

આ વર્ષે આ મહોત્સવમાં નવી થીમ વિચારવામાં આવી છે. ભારતનું ચંદ્રયાન સફળ થયું હોય લોકોને એજયુકેશનનો મેસેજ આપવા ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાના હાથમાં વિશ્વની સૌથી મોટી બોલપેન આપવામાં આવશે. બોલપેનના પાર્ટસ જે ચીજોમાંથી બનતાં હોય છે તે રીતે જ મહાકાય બોલપેનનું નિર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે.

આ સમગ્ર અને ભવ્ય આયોજનને સફળ બનાવવા એઈટ વન્ડર્સ ગ્રુપના જયેશ જોષી, ભરતસિંહ પરમાર, કેવલસિંહ રાણા, દિલીપભાઈ વોરલીયા, નિલેષસિંહ પરમાર, કલ્પેશ વાડોલિયા, પ્રિયાંકભાઈ શાહ, યોગેશભાઈ કણઝારિયા, કપિલ સોલંકી, આનંદ વોરલિયા, પ્રતાપસિંહ ચૌહાણ, બિપીનભાઈ મહેતા, જિતુભાઈ ગઢવી, દિપકભાઈ ગઢવી, મિતેષ ઠાકોર, હરિભાઈ, ગોપાલભાઈ ભટ્ટ, હિતેશભાઈ શાહ, વિપુલ પીઠડીયા, કુનાભાઈ નાનાણી, બકુલ નાનાણી તથા દિલીપસિંહ જેઠવા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.