Abtak Media Google News

ભારત તહેવારો અને મેળાઓ માટે જાણીતી ભૂમિ છે.તહેવાર કે ઉત્સવ હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.તહેવાર એ હિન્દી ભાષાના  ૠ950 કે ખ/ઊં90 શબ્દનું ગુજરાતી છે. ફારસી ભાષામાં તિહ= ખાલી અને વાર = નામદર્શી પ્રત્યય મળીને ’તહેવાર’ શબ્દ આવે છે.જેનો અર્થ ’મુસલમાની દીનમાં ફરમાવેલો પાક દિવસ’એવો થાય છે.ગુજરાતીમાં તહેવારનો અર્થ ’અણ્જો’  ’અકતો’ થાય છે.ઉત્સવનો અર્થ ખુશાલીનો દિવસ,વાર પરબ એવો થાય છે.હિન્દુ ધર્મમાં લગભગ બધા તહેવારો પંચાંગ પ્રમાણે તિથિ અનુસાર ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ જેવા કોઈ તહેવાર સૂર્ય આધારિત ગ્રેગ્રોરીયન પંચાંગની તારીખ આધારિત હોઈ શકે છે.

Advertisement

ભાષાઓ અને ધર્મની વિશાળ વિવિધતાને લીધે વિવિધ તહેવારોની ઉજવણી વ્યક્તિઓમાં નવું પરિવર્તન લાવે છે.ઉત્સવ એટલે જ ઉમંગ,ઉત્સાહ અને ઉલ્લાસ.શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે,જીવન એક ઉત્સવ છે.મહાકવિ કાલિદાસ કહે છે,’ઉત્સવ પ્રિય: માનવા:’ સ્વભાવથી જ માણસ ઉત્સવ પ્રિય છે. મહાનાયક અમિતાભ બચ્ચન કહે છે,મારા માટે જીવનમાં ઉત્સવનો અર્થ છે – આનંદનો જીવનમાં પ્રવેશ.

‘સમગ્ર વિશ્વમાં ભારત તેના સાંસ્કૃતિક પારંપરિક તહેવારો માટે ખૂબ જાણીતું છે’

સમગ્ર વિશ્વમાં ભારત તેના સાંસ્કૃતિક પારંપરિક તહેવારો માટે ખૂબ જાણીતું છે.ભારત સંસારની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે.ભારતમાં ઉત્સવોની ઊણપ નથી.આમ તો અષાઢી બીજે ભગવાન જગન્નાથજી રથમાં બેસીને ભક્તોને મળવા નગર ચર્યાએ નીકળે એ દિવસથી જ ઉત્સવની હારમાળા શરૂ થઈ જાય છે.આ તહેવારોની હારમાળા છેક કાર્તિકે પૂર્ણિમા સુધી ચાલતી રહે છે.આથી જ તો અષાઢ માસની અમાસના દિવસને દિવાસો કહેવામાં આવે છે.દિવાસો એટલે કે સો પર્વનો વાસો. શ્રાવણ સુદ એકમથી શરૂ કરીને દેવઊઠી એકાદશી સુધી લગભગ સો દિવસનો સમય થતો હોય છે.આ તમામ દિવસો સાથે કોઈને કોઈ તહેવાર જોડાયેલો છે.

’રાજા તારી સોળસો રાણી,પોણી ભરવા ગઈ તેલી રે,

પોણી બોણી નો મળ્યું ને પશુ પંખી તરસે મર તેલ રે.’

દવાસો આવતાં જ આદિવાસી વિસ્તારોમાં ભગવાન શ્રીકૃષ્ણના સંબંધનું આ ફટાણું ગુંજવા લાગે છે.

આપણે ઉત્સવ પ્રિય લોકો છીએ.ભારત ધર્મ,ભાષા,સંસ્કૃતિ અને જાતિઓની વિવિધતાથી ભરેલો ધર્મનિરપેક્ષ દેશ હોવાથી દર મહિને કોઈને કોઈ તહેવારોની ઉજવણી થતી જોવા મળે છે.ભારત અને ઉત્સવનો એક ગાઢ નાતો છે.ભારતીય કેલેન્ડરમાં જેટલી તિથિઓ છે એથી વધારે ઉત્સવ છે.જીવનની નાની નાની ક્ષણોને પણ ઉજવવામાં આપણને આનંદ આવે છે.સાત વાર અને નવ તહેવાર એવું આપણે ત્યાં છે.વાર ભલે સાત જ હોય પણ તહેવાર નવ હશે.કોઈપણ તહેવાર પાછળનું મહત્વ હોય છે.ભારતના દરેક તહેવારો માટેનો ઇતિહાસ છે.દંત કથા છે.કોઈ પ્રતીક,દરેક દેવી-દેવતા, મેળો,અનાજ, અગ્નિ,વન,વૃક્ષ, પ્રકૃતિ, નદી,કૃષિ, પ્રાણી,બદલાતી મોસમ,સંબંધોની પાવન સ્મૃતિ, શૌર્યના પ્રતીક,ગ્રહ – નક્ષત્રનો સંક્રમણ કાળ,દરેક સંબંધને એટલે સુધી કે પાક,મોસમના બદલાતા મિજાજને પણ આપણા તહેવારોમાં સ્થાન મળ્યું છે.દરેક તહેવાર ઉજવણીનું મહત્વ ધરાવે છે.દરેક તહેવાર લોકો વચ્ચે બંધન,પ્રેમ અને ખુશીઓ લાવવાનું કામ કરે છે.

ભારતમાં હિન્દુ,મુસ્લિમ,શીખ અને અન્ય ધર્મના લોકો રહે છે.તેમના અલગ અલગ તહેવારો હોય છે.પરંતુ ભારતમાં બધા જ તહેવારો બધા લોકો સાથે મળીને ઉજવે છે.આ બધા જ તહેવારોની ઉજવણી વિભિન્ન ધર્મ અને તેમની પરંપરા અનુસાર કરવામાં આવે છે.દિવાળી,નૂતન વર્ષ,ઉત્તરાયણ, મહાશિવરાત્રિ,રામ નવમી, રક્ષાબંધન, ગોકુળ અષ્ટમી,કરવા ચોથ,ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરા, કુંભમેળા અને ગૌરીવ્રત.આવા તો અગણિત ઉત્સવ તહેવારો અને તિથિઓની ઉજવણી કરવામાં આવે છે.

રામ નવમીએ રામની પૂજા કરવામાં આવે છે. જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મનો ઉત્સવ આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે.ગણેશ ચતુર્થીનો તહેવાર દસ દિવસ સુધી ધામધૂમથી ઉજવાય છે.નવરાત્રિમાં નવ દિવસ સુધી રાતે ઠેર ઠેર ગરબા અને રાસની રમઝટ જામે છે.દિવાળી હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે.દિવાળીમાં લોકો ઘર સજાવે છે.મંદિરે દર્શન કરવા જાય છે.નવા વર્ષે લોકોને શુભેચ્છાઓ પાઠવે છે.પર્યુષણ જૈન ધર્મનો મોટો તહેવાર છે.તેમાં જૈન ભાઈ બહેનો ઉપવાસની આકરી તપશ્ચર્યા કરે છે.પર્યુષણના દિવસોમાં જૈન ભાઈ બહેનો નિયમિત દેરાસરમાં જાય છે અને પ્રતિક્રમણ કરે છે.જૈન ભાઈ બહેનો એકબીજાને ’મિચ્છામી દુક્કડમ્ ’કહીને ક્ષમા યાચના કરે છે.બકરી ઈદ,રમજાન ઈદ અને મોહરમ વગેરે ઈસ્લામ ધર્મના તહેવારો છે.મુસલમાન ભાઈઓ ખૂબ આનંદ અને ઉલ્લાસપૂર્વક આ તહેવારો ઊજવે છે.પતેતી પારસીઓનો મુખ્ય તહેવાર છે.આ દિવસે તેઓ અગિયારીમાં જઈને પૂજા અર્ચના કરે છે.શીખ લોકો વૈશાખીનો અને બૌદ્ધ લોકો બુદ્ધ જયંતીનો તહેવાર ઊજવે છે.નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર છે.આ દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે અને એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવે છે.આ બધા તહેવારો આપણી ધાર્મિક ભાવનાને પોષે છે.

એક અર્થમાં ઉત્સવ આપણા રોજિંદા જીવનનું દર્શન બની ગયું છે. તહેવાર આનંદ ઉમંગ ન આપે એવી કોઈ વ્યક્તિ શોધવી મુશ્કેલ છે.શુષ્ક જીવન વ્યવહાર અને નોકરી ધંધા રોજગારની દોડધામમાં અટવાયેલો માણસ ઉત્સવના દિવસે થોડી હળવાશ અનુભવે છે.પર્વ તહેવાર આપણા જીવનને ઉમંગથી ભરી દે છે.જીવનની જડતા ઉત્સાહમાં બદલાઈ જાય છે. આપણા પૂર્વજોએ ઉત્સવનું જીવન દર્શન આપીને આપણા ઉપર ઉપકાર કર્યો છે.પર્વ તહેવાર આવતા જ આપણને પોતાને હવામાં કંઈક અનોખા પરિવર્તનની અનુભૂતિ થવા માંડે છે.

મનોવૈજ્ઞાનિકો ના મત છે : ઉત્સવ સુખદ અનુભવ છે.આથી જ્યારે પણ આવો મોકો જીવનમાં આવે તો મોકળા મને આનંદ ઊઠાવવો જોઈએ.આનંદથી રહેવું જોઈએ.સંતોષ અને શાંત રહેવું.ઉત્સાહ અને પ્રેમથી તરબોળ રહેવું.જીવનને આનંદ ઉમંગથી ભરનારા પાંચ સૂત્રો છે.ઉત્સવ જીવનની ઉર્જા છે. આજકાલના મેનેજમેન્ટમાં મોટીવેશન ઉત્સાહ શબ્દની ભારે બોલબાલા છે.કોર્પોરેટ ઓફિસ – કંપની સરકારી,અર્ધ સરકારી ઓફિસોના કર્મચારીઓમાં જ્યાં જુઓ ત્યાં આ શબ્દ સંભળાય છે.રૂપિયા ખર્ચીને મોટીવેશન માટે સેમિનાર થાય છે.છતાં માણસ મોટીવેશન માટે ફાંફાં મારે છે.પરંતુ પરિવાર વચ્ચે ઉજવાતા આ જ ઉત્સવ – તહેવારો કે તિથિ માણસને ઉત્સાહથી થનગનતો કરી મૂકે છે.તહેવારો આપણા એકધારા જીવનમાં વિવિધતા લાવે છે.આપણે લોકો સાથે મળીને તહેવારો ઉજવતા હોવાથી પરસ્પરનો પરિચય વધે છે.સંબંધો વધુ ગાઢ બને છે.લોકો વચ્ચે ભાઈચારો કેળવાય છે.તહેવારો દરમિયાન આનંદ અને ઉલ્લાસનું અનેરું વાતાવરણ સર્જાય છે.ધાર્મિક તહેવારોની અસરને લીધે લોકોમાં દયા,પ્રેમ,ક્ષમા,સહનશીલતા અને સહિષ્ણુતા જેવા ગુણો કેળવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.