Abtak Media Google News

હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવાર નું ખાસ મહત્વ છે. પ્રકાશના આ પર્વમાં લક્ષ્મીજી, ગણેશજી ,ભગવાન રામ, માતા સીતા, સરસ્વતી અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં નરક ચતુદર્શી દિવસ છે, અને લક્ષ્મી પૂજન બાદ સવારે ફટાકડા ફોડવામાં આવે છે. ગુજરાતમાં ચોપડા પૂજન નું પણ અનેરૂ મહત્વ હોય છે .દિવાળીના તહેવારને રોશની નો તહેવાર પણ કહેવાય છે, દિવાળી તેની સાથે અનેક તહેવારો લાવે છે . દિવાળીની ઉત્પતિ પ્રાચીન ભારત શોધી શકાય છે, જ્યારે તે લણણીના તહેવાર તરીકે ઉજવાતો હતો. દિવાળીના તહેવાર સાથે વિવિધ દંત કથાઓ પણ જોડાયેલી છે, કેટલાક શ્રી વિષ્ણુના લગ્નની ઉજવણી તો,, કેટલાક દેવી લક્ષ્મીના જન્મની ઉજવણી કરે છે.

દિવાળી વ્યક્તિના અંતરને પ્રકાશિત કરવાનો અને અંધકારને દૂર કરવાનો તહેવાર છે. આ તહેવાર બુરાઈ પર અરછાઈની જીતનું પ્રતિક ગણાય છે. આ તહેવારોમાં ઘરના આંગણામાં સુંદર નયન રમ્ય રંગોળી બનાવવામાં આવે છે.આજથી સમગ્ર દેશમાં પ્રકાશપર્વની ઉજવણી શરૂ થઇ છે. ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. આ પર્વ ખારાશ સાથે મીઠાસ ભળીને જીવનને સબરસ બનાવે છે. વર્ષો પહેલાની આ પર્વની ઉજવણી અને આજની ઉજવણીમાં ઘણો ફેરફાર જોવા મળે છે. અગાઉ તો મહિના અગાઉ તૈયારી થતીને આજે તહેવારના આગલા કે તેજ દિવસે થાય છે પણ, ઉત્સાહ-ઉમંગ આજે પણ અકબંધ છે.

જીવનમાં આજ કે કાલ મુબારક જ હોય છે પણ, સાથે દરિયા જેવડું પારિવારિક વહાલ ભળે ત્યારે જીવન મંગલમય બને છે.આ પર્વ નવરાત્રીની જેમ જ લાંબો છે, અગિયારસથી શરૂ થયા બાદ વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ પછી જીવનમાં પચરંગી પ્રકાશી રંગોના ઉત્સવસમી દિવાળી આવે છે, જે આજે સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. આ પર્વ ઇન્ડોનેશિયા, ફિજી, મોરેશિયસ જેવા વિવિધ દેશોમાં ઉજવાય છે પણ ,ગુજરાત અને તેમાંય કાઠિયાવાડી દિવાળીનો માહોલ સૌથી  અનેરો અને બેજોડ હોય છે. લાભ-શુભ, કલ્યાણ, મંગલમય, ઉમંગ, ઉલ્લાસ, ઉત્કર્ષ અને ઉજાસનો દિપોત્સવી પર્વ એક સાથે માનવ જીવનની અનેક ભાવનાઓને પ્રકાશિત કરે છે.

ગુજરાતી કેલેન્ડરના અંતિમ માસના આ દિવસો ઉત્સવોના ઉત્સવ સાથે તહેવારોનું ઝુમખું બની જાય છે. લાભ-શુભ દિવસો દિવાળીથી લાભ પાંચમ સુધી અનેરો પંચોત્સવ લાવે છે , જેમાં નવલું વર્ષનો ‘સાલ મુબારક’નો અનેરો દિવસ ગણાય છે. ભાઇ-બહેનના પ્રતિક સમો ભાઇ-બીજ સાથે શુભ મુહુર્તની ‘લાભ પાંચમ’ શ્રધ્ધા-આસ્થાનું કેન્દ્ર બની જાય છે. દિવાળીનો તહેવાર આડોશ-પાડોશ, સગા-સંબંધી, સ્નેહીઓ, મિત્રો અને પરિવાર સાથેનો ગમતાંનો ગુલાલ સમો હોય છે. ઉત્સવ પ્રિય કાઠિયાવાડ આ દિવસોમાં ચોમેર દિશાએ ખીલી ઉઠે છે.

ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો તહેવાર જેમાં ખારાશની સાથે મીઠાશ ભળીને જીવનને સબરસ બનાવે છે. દિપોત્સવી પર્વ વિશ્ર્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસ્યો છે ત્યાં ,આજે ઉમળકાભેર ઉજવાય રહ્યો છે. મોરેશિયમ જેવા દેશમાં તો 50 ટકાથી વધુ વસ્તી હિન્દુની છે તેથી , ત્યાં તો અનેક પ્રકારના શણગાર કરવામાં આવે છે. આ દિવસ લક્ષ્મી પૂજનનો દિવસ છે. ઉત્તર ભારતમાં તો લક્ષ્મીજીની સાથે ગણેશની પૂજા પણ થાય છે. પાંચ દેવ-દેવીની પૂજા થતી હોવાથી દિવાળીની પૂજાને ‘પંચાયતન’ પણ કહેવામાં આવે છે. શુભ દિવસ હોવાથી એકબીજાને શુભેચ્છાઓ પાઠવવાનો રિવાજ પણ આદિકાળીથી ચાલતો આવ્યો છે. આ દિવસ બાદ નવું વર્ષ પણ ગુજરાતીમાં શરૂ થતું હોવાથી એકબીજાને શુભેચ્છા પાઠવવાનું ચલણ છે.આ પર્વોમાં આંગણામાં વિવિધ રંગોળીનો ઉત્સવ પણ શ્રેષ્ઠ રીતે ઉજવાય છે.

બારસથી લાભ પાંચમ સુધી નવ દિવસનો આ મહોત્સવ માત્ર ગુજરાતમાં જ ઉજવાય છે, પણ દિવાળીનો તહેવાર જ્યાં જ્યાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ વધ્યો ત્યાં તમામ દેશોમાં ઉજવણી થાય છે, જેમાં નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, મલેશિયા, સિંગાપુર, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, ફિજી, કેન્યા, મોરેશિયમ, ટાંઝાનિયા, ગુયાના, સુરીનામ વિગેરે દેશોનો સમાવેશ થાય છે. ગુજરાતી કેલેન્ડરમાં દિવાળીનો તહેવાર વર્ષનો છેલ્લો દિવસ છે. માટીના કોડિયામાં દિવો કરવાનું અનેરૂ મહત્વ છે. લાલ કોડિયું મંગળનું પ્રતિક છે અને તેલ શનીનું પ્રતિક છે. તેમાં પ્રગટતી જ્યોત સૂર્યનું પ્રતિક છે. દિપોત્સવી પર્વે કોડિયામાં દિપ પ્રગટાવવાથી મંગળ, શની અને સૂર્ય એમ ત્રણેય ગ્રહોની કૃપા દ્રષ્ટિ માનવી પર વરસે છે.અરસ-પરસ બહુ સરસ, નવુ વર્ષ જશે સરસ-સરસ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.