Abtak Media Google News

‘વાયુ’ વાવાઝોડા સાવચેતી રૂપે રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલાંની સમીક્ષા કરી: મંત્રી સૌરભભાઇ પટેલ ઉપસ્થિત

ગુજરાતમાં આવનાર ‘વાયુ’ વાવાઝોડાના પગલે મુખ્યમંત્રી વિજયભાઈના સીધા માર્ગદર્શન હેઠળ સમયસર અને ત્વરિત પગલાંઓ લેવામાં આવી રહ્યા છે અને એકપણ વ્યક્તિનું મૃત્યુ ન થાય તે કક્ષાએ સુરક્ષાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું રાજકોટ ખાતે પધારેલા જિલ્લા પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

મંત્રીએ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા વગેરે દ્વારા લીધેલ પગલાંની સમીક્ષા કરી હતી. મંત્રી ચુડાસમાએ વિગત આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં ૩૮૦૦ થી વધુલોકોનુ સુરક્ષિત જગ્યાએ સ્થળાતંર કરવામાં આવ્યું છે. ભોજન માટે  અત્યાર સુધીમાં ૪ લાખ ૮૬ હજાર ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. જેતપુર ખાતે એન.ડી.આર.એફ. ના ૨૮ જવાનો, ધોરાજી ખાતે આર્મીના ૫૧ જવાનો, ગોંડલ ખાતે એસ.ડી.આર.એફ.ના ૭૦ જવાનો તૈનાત કરવામાં આવ્યાનું ચુડાસમાએ જણાવ્યું હતું.

રાજકોટ ખાતે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ ઉપસ્થિત  રહી પરિસ્થિતીની સમીક્ષા કરશે અને જરૂરી માર્ગદર્શીત પણ કરશે.  રાજકોટ ખાતે મંત્રી ચુડાસમાના ટૂંકા રોકાણ સમયે કલેકટર ડો. રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયા, અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યા,  પ્રાંત અધિકારી ચૌહાણ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, નિતીનભાઇ ભારદ્વાજ, રાજુભાઇ ધ્રુવ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.