Abtak Media Google News

સ્વનિર્ભર શાળાઓમાં શિક્ષક ભરતીનાં અને સ્વનિર્ભર શાળાઓનાં નીતિ-નિયમો નકકી કરવા સહિતનાં મુદ્દે ચર્ચા-વિચારણા કરાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે ૧૯મી ઓકટોબર ૨૦૧૯ને શનિવારનાં રોજ આ ટર્મની છેલ્લી સામાન્ય સભા મળવાની છે જેમાં સભ્ય તરફથી આવેલા પ્રસ્તાવો અને પ્રશ્ર્નો ઉપર મુખ્યત્વે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ખાસ કરીને સ્વનિર્ભર શાળાઓમાં શિક્ષક ભરતીનાં અને સ્વનિર્ભર શાળાઓનાં નીતિ-નિયમો નકકી કરવા સહિતનાં ખાસ મુદાઓ અંગેની ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત સભ્યોની આ ટર્મ જાન્યુઆરીમાં પુરી થતી હોય આગામી જાન્યુઆરીમાં શિક્ષણ બોર્ડની સામાન્ય ચુંટણી યોજવામાં આવશે. આ છેલ્લી સામાન્ય સભા મળનારી છે.

આ અંગે વધુ માહિતી આપતા પ્રિયવદન કોરાટે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી શનિવારે ગાંધીનગર ખાતે આ ટર્મની છેલ્લી શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળનારી છે જેમાં વિવિધ મુદાઓ ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જેમાં ખાસ મુદામાં ૧૫૦ જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં ધો.૧૨ની મંજુરી મળી ન હોય તો આવી શાળાઓનાં ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની માંગ સભ્યો દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત બીજી વાત કરવામાં આવે તો નોનગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે અન્યાય થઈ રહ્યો છે જેમાં શિક્ષકો જો ૧૦ વર્ષ નોનગ્રાન્ટેડ સ્કુલોમાં અભ્યાસ કરાવે તો પણ તેનો અનુભવ કયાંય કામ આવતો નથી અને શિક્ષકોને અન્યાય થાય છે. આ સંજોગોમાં સામાન્ય સભામાં શિક્ષકોને ન્યાય મળે તેવી રજુઆત કરવામાં આવશે. તેમજ અમુક નોન ગ્રાન્ટેડ સ્કુલોમાં કોઈ નીતિ-નિયમો હોતા નથી તો ચોકકસથી તાત્કાલિકપણે નોનગ્રાન્ટેડ સ્કુલોનાં નીતિ-નિયમો બનાવવા માટેની પણ રજુઆત આ ટર્મની છેલ્લી સામાન્ય સભામાં કરવામાં આવશે. આગામી જાન્યુઆરી માસમાં સભ્યોની ટર્મ પુરી થતી હોય તો જાન્યુઆરીમાં જ શિક્ષણ બોર્ડની સામાન્ય ચુંટણી યોજવામાં આવે તે માટેની રજુઆત પણ શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.