Abtak Media Google News

મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ કરેલી વિનંતી ગ્રાહ્ય રાખી એરપોર્ટ ઓથોરિટીએ ફાળવેલી આશરે બે કરોડ રૂપિયાની કિંમતની પાંચ બસ બી.આર.ટી.એસ.ટ્રેક પર દોડશે

પર્યાવરણ ક્ષેત્રે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઇ ચૂકેલી રાજકોટ મહાનગરપાલિકાને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે પાંચ ઈલેક્ટ્રીક બસ ફાળવવા નિર્ણય કર્યો છે તે અનુસંધાને આગામી તા.૧૫/૪/૨૦૧૮ ના રોજ ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાનાર વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં રાજકોટ મહાનગરપાલિકા અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે એક કરાર કરવામાં આવનાર છે. આશરે રૂ. ૨ કરોડની કિંમતની આ પાંચ બી.આર.ટી.એસ. ટ્રેક પર માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી વચ્ચે દોડાવવામાં આવશે, તેમ આજે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

અહીં એ યાદ અપાવીએ કે, મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ થોડા સમય પૂર્વે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને એક પત્ર પાઠવી રાજકોટ મહાનગરપાલિકાને ઇલેકટ્રીક બસ ફાળવવા વિનંતી કરવામાં આવી હતી. કમિશનરશ્રીએ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની આ વિનંતી ગ્રાહ્ય રાખી એરપોર્ટ ઓથોરિટીએ પાંચ ઇલેકટ્રીક બસ ફાળવવાનો જે નિર્ણય કર્યો છે તે ખુબ જ આનંદની વાત છે. ઉપરાંત સમગ્ર રાજકોટ શહેર વતી મહાનગરપાલિકા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રત્યે ખુબ ખુબ આભાર પ્રદર્શિત કરે છે.

આ ઇલેક્ટ્રિક બસ સંપૂર્ણપણે અવાજરહિત અને પ્રદુષણમુક્ત છે. આ બસ ઇલેક્ટ્રિક પાવર વડે ચાલનાર હોઈ કાર્બન ઉત્સર્જનણો પ્રશ્ન રહેતો જ નથી. આ એરકન્ડીશન્ડ બસમાં લેટેસ્ટ સ્માર્ટ  ટેકનોલોજી સાથેની હાઈફાઈ સુવિધાઓ, સલામતી, આરામપ્રદ બેઠક વ્યવસ્થા, ઓન બસ ઇન્તેલીજંટ  ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, સર્વેલન્સ કેમેરા, મુસાફરોને માહિતી આપવા માટે સ્પીકર, વધુ પહોળાઈના દરવાજા અને ગેંગ વે વગેરેનો સમાવેશ થાય છે.  ક્લીન અને ગ્રીન પર્યાવરણ માટે આ ઇલેક્ટ્રિક બસ આશીર્વાદરૂપ બનશે.

અત્રે એ ખાસ ઉલ્લેખ કરવો રહયો કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સી.એસ.આર.) ફંડ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાને આ પાંચ બસ ફાળવી છે. એક ઇલેકટ્રીક બસની કિંમત આશરે રૂ. ૪૦ લાખ જેવી થાય છે. મ્યુનિ. કમિશનરશ્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે, બી.આર.ટી.એસ. ટ્રેક પર દોડનાર આ પાંચ ઈલેક્ટ્રીક બસ કાર્બન ઉત્સર્જન નહી કરે. શહેરમાં ટ્રાન્સપોર્ટેશનનું પ્રમાણ વધી રહયું છે. સ્વાભાવિકપણે જ વાહનોની સંખ્યા વધવાને કારણે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ક્રમશ: વધે છે.

જોકે મહાનગરપાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે જે બસ દોડાવવામાં આવી રહી છે તેનાથી કાર્બન ઉત્સર્જન ના થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય તે માટે રિન્યુએબલ અને નોન-રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિવિધ પગલાંઓ લઇ રહી છે. જેમાં શહેરની તમામ સોડીયમ સ્ટ્રીટ લાઈટ એલ.ઈ.ડી. લાઈટમાં કન્વર્ટ કરવામાં આવી છે. સોલાર એનર્જી મેળવવા માટે મહત્તમ પ્રયાસ કરવામાં આવી રહયા છે. મહાનગરપાલિકાના કર્મચારીઓને ઓફિસ કામ માટે ૩ ઇલેક્ટ્રિક બાઈક તથા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા લોકો માટે ઇલેક્ટ્રિક કાર પણ વસાવવામાં આવેલી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.