Abtak Media Google News

માછીમારો સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મોકળા મને વાત

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ પોતાના નિવાસસ્થાને માછીમાર જાતિના મહેમાનો સાથે મોકળા મને વાત કરી હતી. જો માછલીના બચ્ચા જીવતા રહેશે તો જ માછીમારોના બચ્ચાં જીવતા રહેશે એવી ભાવના વ્યક્ત કરતાં  વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, નાના માછીમારો પણ જીવન નિર્વાહ કરી શકે કે હેતુ મોટા ટ્રોલર માટે ચોક્કસ દિશા નિર્દેશો અપાશે અને યોગ્ય કાર્યવાહી કરાશે. અન્ય રાજ્યોની માછીમારી બોટ ગુજરાતના દરિયામાં આવીને માછીમારી ન કરી જાય તે માટે નજીકના સમયમાં જ ચોક્કસ કાયદો બનાવશે. આ માટેની પ્રક્રિયા ચાલુ છે. ગુજરાત સરકારની પરવાનગી વિના અન્ય રાજ્યોની માછીમારી બોટ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે કાયદો બનાવવાની પ્રક્રિયા ચાલુ છે.

નડિયાદમાં આંતરદેશીય-ઇન લેન્ડ માછીમારી કરતાં માછીમાર  પ્રશાંતભાઈ જયસ્વાલે મોકળા મને કહ્યું કે, ૩૭ વર્ષમાં પહેલા સી.એમ. જોયા જે માછીમારોની વાત આ રીતે શાંતિથી સાંભળે છે. તેમણે ઇન લેન્ડ માછીમારીના વિકાસમાં વિશેષ સંભાવના હોવાની વાત કરીને એ દિશામાં યોગ્ય પગલાં લેવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સંપૂર્ણ રિવોલ્યુશનની વાત કરી રહ્યાં છે એ જ રીતે ઇન લેન્ડ – આંતરદેશીય માછીમારીના વિકાસ માટે જરૂરી તમામ પ્રયત્નો કરાશે. કિસાનો જેમ ધરતી ખેડે છે એમ માછીમારો દરિયો ખેડે છે.

જમીન પરના ખેડૂતની જેમ દરિયા ખેડૂને પણ ખેડૂત ગણીને તેમને કિસાન ક્રેડિટ કાર્ડ આપી શકાય તે માટેની કાર્યવાહી હાથ ધરાશે. આ માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

7537D2F3 4

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા કાંઠાના માછીમાર  લખનભા ઓઢાભા કેર એ વધું બોટોને લાંગરવાની વ્યવસ્થા કરવાની વાત મૂકી હતી. મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં ૯ હાર્બર વિકસાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે ભારત સરકારના પરામર્શમાં રૂપિયા ૧૨૦૦ કરોડનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. માછીમારોએ ઓખામાં હાર્બરનું ખાતમુહૂર્ત  વિજયભાઈ રૂપાણીના હસ્તે થાય એવી ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.

વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતનો દરિયાકાંઠો પાકિસ્તાન સાથે જોડાયેલો છે, એટલે વધુ સંવેદનશીલ છે. વધુ માછલીઓની અપેક્ષાએ ક્યારેક ગુજરાતના માછીમારો પાકિસ્તાનની હદમાં જઈ ચઢે છે અને પછી સુરક્ષાના પ્રશ્નો ઊભા થાય છે. આવી સરહદની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના માછીમારો સુરક્ષા અને દેશ હિતમાં સરહદના નિયમો વધુ ચુસ્તતાથી પાળે એ જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાતના માછીમારો જે પાકિસ્તાનના કબજામાં છે. તેમને પરત લાવવા માટે ભારત સરકારની મદદ લઇને સઘન પ્રયત્નો થઇ રહ્યા છે. પાકિસ્તાન દ્વારા પકડાયેલા માછીમારોના પરિવારનો જીવન નિર્વાહ વ્યવસ્થિત ચાલે એ માટે પણ સંવેદનશીલતા દાખવીને રાજ્ય સરકાર અપહરણ કરાયેલા માછીમારોના પરિવારજનોને દૈનિક રૂા.૩૦૦/-ની આર્થિક સહાય આપે છે.

માછીમારી માટે દરિયામાં ગયેલા માછીમારો ક્યારેક પરત નથી આવતા. દરિયાઇ તોફાનોમાં લાપત્તા થયા હોય છે કે મૃત્યુ પામ્યા હોય છે. આવા કેસોમાં અગાઉ રાજ્ય સરકાર લાપત્તા થયાના પાંચ વર્ષ  પછી  પરિવારજનોને મૃત્યુ સહાય ચૂકવવામાં આવતી હતી.  વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે, શોક સંતપ્ત પરિવારજનો માટે આ સમયગાળો પણ ઓછો કરીને એક વર્ષનો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, માછીમારોના પ્રશ્નો પ્રત્યે રાજ્ય સરકાર સંપૂર્ણ સંવેદનાથી નિર્ણયો લેશે. માછીમારી વધુ સુગમ અને લાભદાયી બને એ માટે મત્સ્યોદ્યોગ વિભાગ મારફતે વધુ સુદ્રઢ પગલાં લેવાશે. માછીમારોની ભાવિ પેઢી પછાત ન રહી જાય તેમનો પણ યોગ્ય વિકાસ થાય તે હેતુસર સાગરખેડૂ યોજના અંતર્ગત વિશેષ કામગીરી થઇ રહી છે.

માછીમારોનું જીવનધોરણ સુધરે, માછીમાર વધુ કમાતો થાય એવો રાજ્ય સરકારનો અભિગમ છે. મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી દર મહિને મોકળા મને કાર્યક્રમ અંતર્ગત સમાજના વિશેષ વર્ગો સાથે મોકળા મને ગોઠડી માંડે છે. આ અગાઉ  વિજયભાઇ રૂપાણીએ ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારો સાથે, શિક્ષકો સાથે, દિવ્યાંગો સાથે, વિચરતી-વિમુક્ત જાતિના પ્રતિનિધિઓ સાથે અને મીઠું પકવતા અગરિયાઓ સાથે મોકળા મને વાત કરી છે. આજે ગુજરાતના ૧૫ જિલ્લાંના લગભગ ૬૫ જેટલા માછીમાર ભાઇઓ સાથે તેમણે મોકળા મને વાતચીત કરી હતી.

કચ્છ-સૌરાષ્ટ્રથી લઇને મધ્ય અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોથી આવેલા માછીમારોએ મોકળા મને પોતાની વાત મુખ્યમંત્રી સમક્ષ મુકી હતી અને આવી મુલાકાત બદલ સંતોષ અને રાજીપો વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.