આજથી સમગ્ર દેશમાં લાગુ થશે આ નવી વ્યવસ્થા, ખેડુતોને જાણવા જેવી બાબત

લાંબા સમયથી કિસાનો અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા મનમુટાવ પર આજે એક મોટો નિર્ણય આવ્યો છે. ખેડુતોના આંદોલન વચ્ચે સરકારે તેમના હિતમાં એક નવી વ્યવસ્થાની જોગવાય કરી છે. આ અંગે માહિતી આપતા કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે એક ટવીટ દ્વારા જણાવ્યું હતું કે, “MSP પર કિસાન એની ઉપજ વેચે તો હવે ડાયરેક્ટ એના બેંક ખાતામાં રૂપિયા જમા થશે. આ સિસ્ટમ આખા દેશમાં લાગુ કરવામાં આવી છે. આઝાદી પછી ખેડૂતોના હિતમાં આ સૌથી મોટો ફેંસલો છે. નાના અને સીમાંત ખેડૂતોને કેન્દ્ર સરકારના લીધેલા પગલાથી ફાયદો થશે.”

 


પિયુષ ગોયલે કહ્યું કે, “હવે પંજાબના ખેડુતોને MSP પર વેચવામાં આવેલી ઉપજનો ભાવ સીધા તેમના બેંક ખાતામાં જમા થઈ જશે, અને આ સાથે પુરા દેશમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આનાથી ભાડે જમીન રાખી ખેતી કરનાર ખેડુતોને પણ લાભ થશે. દરેક ખેડુતને પોતાના રૂપિયા બેંક દ્વારા આપવાથી એને કોઈ બીજી ગેરનીતિ અથવા મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. બધા ખેડુતોને ઉત્પાદનનો પૂરો ભાવ મળશે.”

 


આ નવી વ્યવસ્થા લાગુ કરવા પર કેન્દ્ર સરકારે, પંજાબ સરકારને 2018/2019 વચ્ચે અંદાજિત 10થી12 વાર અરજીઓ આપી હતી. પણ પંજાબે આને લાગુ કરવાની બાબતમાં અસમર્થતા દર્શાવી. અસમર્થતા દર્શાવા માટે એજન્ટોના દબાણ અને મંડી નિયમો વચ્ચે આવે છે એવું કારણ આપ્યું હતું. ભારતીય ખાદ્ય મંત્રાલય દ્વારા પંજાબ સરકાર સાથે આ બાબત વિશે ચર્ચાઓ થતી, પણ આજ સુધી એનો કોઈ ઉકેલ આવ્યો નથી. આખરે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે આ નવી વ્યવસ્થા લાગુ કરી દીધી છે.