Abtak Media Google News

આ વખતે કોરોનાના સંક્રમણને કારણે નિકાસ ઓછી થઇ શકે: વેપારીઓ

ગીરની પ્રખ્યાત કેસર કેરીનું બજારમાં આગમન

સ્વાદ સોડમ અને સુગંધમાં ગીરની કેસર કેરીનો જોટો દુનિયા ભરમાં જડવો મુશ્કેલ છે. ચમકતા નારંગી રંગની કેસર કેરીનું હવે ધીરેધીરે આગમન થઈ રહ્યું છે, લોક ડાઉન દરમિયાન અને કોરોના ના કહેર વચ્ચે ગીર અને તાલાલા પંથકની ફળોના રાજા એવી કેસર કેરી હવે કેરીના શોખીનોના ઘર સુધી પહોંચી જશે,

સને ૨૦૧૧ માં જિયોગ્રાફિક ઇન્ડક્શન (ભૌગોલિક ઓળખ) આપવામાં આવેલ કેસર કેરી હાલમાં ચાલી રહેલા કોરોના ના સંક્રમણને કારણે કદાચ એક્ષપોટ ઓછું થશે તેવું વેપારીઓ માની રહ્યા છે ત્યારે આ વખતે કેરીના રસિયાઓને એવન ક્વોલિટી ની કેરીઓ ખૂબ જ ઓછા ખર્ચે ખાવા મળશે, જો કે, તેનું સીધું નુકશાન કેરીની બાગ વાળા અને ખેડૂતો ને જશે અને આ વર્ષે કેરીના ખેડુને મોટી આર્થિક નુકશાની ભોગવવી પડશે તેવી ચિંતા અત્યાર થી ખેડૂતો કરી રહ્યા છે. આપણે ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો સાલેભાઇની આમડીથી કેસરમાં પરીવર્તીત થયેલ કેસરને વધુ પસંદ કરીએ છીએ. પરંતુ આ સીવાય પણ હાફુઇ,  સુંદરી,  લંગડો, રાજાપુરી, પાયરી, નીલમ, કાળી હાફુસ, માલદારી, રેશમીયો, તોતાપરી, જમાદાર,લંગડો સહિત અને જાતની કેરીનું ગુજરાતમાં ઉત્પાદન થાય છે.

અહી આપણે સૌને પ્રિય જગ વિખ્યાત કેસર કેરીની વાત કરીએ તો,  સમગ્ર ગુજરાતમાં આંબા પાકનો વાવેતર વિસ્તાર ૧,૬૪,૬૬૮ હેકટર છે. અને કેસર કેરીના મુખ્ય ઉત્પાદન ક્ષેત્રો જૂનાગઢ, ગીર સોમનાથ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આંબા  પાકનો વાવેતર વિસ્તાર ૪૮,૨૯૦ હેકટર છે.   કેરીનું ગત વર્ષનું ઉત્પાદન જોઈએ તો સમગ્ર ગુજરાતમાં ૧૨.૦૭ લાખ મેટ્રિક ટન જ્યારે સૌરાષ્ટ્ર-કરછમાં મુખ્યત્વે કેસર કેરીનું ઉત્પાદન ૩.૪૧ લાખ મેટ્રિક ટન થયું હતું. જેમાં કેસર કેરીના ગઢ ગણાતા જૂનાગઢ જિલ્લામાં ૮,૬૫૦ હેક્ટર વાવેતર સામે ઉત્પાદન ૫૬,૨૨૫ મેટ્રિક ટન, ગીર સોમનાથમાં ૧૫,૧૨૦ વાવેતર વિસ્તાર અને ઉત્પાદન ૧,૦૫,૮૪૦ મેટ્રિક ટન, અમરેલી જિલ્લામાં ૭,૧૩૫ વાવેતર વિસ્તાર અને ઉત્પાદન ૬૧,૨૪૪ હતુ. છેલ્લા વર્ષોમાં કચ્છ જિલ્લાએ પણ કેસરના વાવેતર અને ઉત્પાદનમાં કાંઠુ કાઢ્યું છે. કચ્છમાં આંબાનો વાવેતર વિસ્તાર ૧૦,૨૦૯ હેક્ટર  અને ઉત્પાદન ૬૧,૨૫૪ મેટ્રિક ટન ગત વર્ષે થયું હોવાનું બાગાયત વિભાગ દ્વારા જણાવાયું છે.

કાપણી સમયે કેરીની પરીપકવતા ધ્યાને લઇ સવારના સમયે અથવા સાંજના સમયે ફળો ઉતારવામાં છે. પાકે નહીં તેવી કાચી કેરી ઉતારી ઉતારાતી નથી. કેરીને ૧૦ સેમી જેટલા ડીચા રાખવામાં આવે છે. કેરીને ઉતાર્યા બાદ પ્રીકુલીંગની માવજત પણ કરવામાં આવે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ની ભલામણ મુજબ કેરીના ઉતારા બાદ તરત જ તેને પેક હાઉસમાં લઈ જઈ, બાદમાં ફળના ડીચા ૨ થી ૨.૫ સે.મી. રાખી બાકીના તોડી ફળને ફ્રેમવાડી જાળમાં ઉંધા લટકાવી ચીળ નીતરવા દેવામાં આવે છે.

કેરીમાંથી ચીળ નીકળ્યા બાદ ફળને  હુંફાળા પાણીથી ચોખા કરી, કેરીને ધોયા બાદ બજારમાં ન ચાલે તેવા ફળનું સોર્ટીંગ કરી. કેરીના વજન મુજબ ગ્રેડીંગ  કરી જરૂરિયાત મુજબ રાયપનીંગ ચેમબરમાં પકવી કેરીને આકર્ષક બોક્સમાં પેકિંગ કરી અને ૧૩.૫ ડિગ્રી તથા ૮૦ થી ૯૦ ટકા ભેજમાં સંગ્રહિત કરવામાં છે. અને બાદમાં પાકી કેરી માર્કેટમાં અને લોકોના ઘરમાં પહોંચે છે.

કાચી અને પાકી કેરીના ઉપયોગ

લખોટી કરતાં મોટી સાઇઝની કાચી કેરીની આંબોળિયા કહે છે, આ આંબોળિયાને દળીને આમચૂર પાવડર બનાવી શકાય છે, જે ખૂબ લાંબા સમય સુધી બગડતું નથી. આ પાવડર દાળ-શાકમાં રસોઈ બનાવવામાં ખટાશ લાવવા માટે વપરાય છે. કાચી કેરીની ચટણી પણ બને છે. ગળ્યા અને ખાટાં અથાણાં મુરબો અને મજેદાર છુંદો  પણ બનાવી શકાય છે.

પાકી કેરી ને સીઝન દરમિયાન લોકો હોંશે હોંશે રસ કાઢી કે ચિર અથવા પીસ કરી આરોગે છે, તો ઘણા કેરીના શોખીનો કેરીનો રસ કાઢી, ખાંડ તેમજ સોડિયમ બેંઝોએટના ઉપયોગથી ડબ્બા પેક કરી આખું વર્ષ સામાન્ય તાપમાને સાચવી આખું વર્ષ કેશર કેરીના  રસની મિઝબાની પણ કરે છે. અથવા કેરીના ટુકડા  ડીપ ફ્રીઝ કરી  એક વર્ષ સાચવી  મન પડે ત્યારે આરોગે છે, આ ઉપરાંત પાકી કેરીમાંથી સ્કવોશ, જામ મને પાપડ મહિલાઓ બનાવે છે, અને અમુક વેપારીઓ આવા વ્યંજનો બનાવી આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે વહેંચે પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.