Abtak Media Google News

પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે મોરબીમાં સરપંચ સંવાદ કાર્યક્રમને સંબોધ્યો: સરપંચોની સાથે પ્રદેશ સંગઠન હોદ્દેદારો, જિલ્લાના સ્થાનિક નેતા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

સરપંચ સંવાદ કાર્યક્રમ હેઠળ ભાજપ પ્રદેશ અદયક્ષ સી. આર. પાટીલે ગુરુવારે બપોર બાદ ટંકારાની લજ્જાઈ ચોકડીએ ઉપસ્થિત વિશાળ જન સમુદાયને સંબોધન કર્યું હતું. આ તકે મહામંત્રી વિનોદ ચાવડા, સંગઠનના પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, રાઘવજીભાઈ ગડારા, મહામંત્રી જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જેન્તીભાઈ કવાડિયા સહિત બહોળી સંખ્યામાં સરપંચો ઉપસ્થીત રહ્યા હતા.

ઉપસ્થિત સરપંચો અને કાર્યકર્તાઓ વચ્ચે સી.આર. પાટીલની ૧૮૨ સાકરના પેકેટથી તુલા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો હોય ૧૮૨ સાકરના પેકેટની પ્રતીકાત્મકતા સાથે આ સાકર તુલા કરવામાં આવી હતી. આ દરમ્યાન પાટીલે ઉપસ્થિત જનસમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં સરપંચોની મહ્ત્વતા વધી છે. અગાઉના સમયની તુલના કરતા પાટીલે કહ્યું હતું કે, કોંગ્રેસના રાજમાં તલાટી-મંત્રીઓની બેગો ઉપાડીને જવા પૂરતું જ સરપંચોનું મહત્વ હતું. જ્યારે હાલમાં કોઈપણ સાંસદ કે ધારાસભ્ય પણ ગામમાં આવે તો સરપંચને મળવું જરૂરી બની ગયું છે; એ સરપંચોની વધેલી મહત્તા દર્શાવે છે.

મોદી સરકારે બનાવેલી ૩૭૫ જેટલી મહત્વકાંક્ષી યોજના સરપંચો હસ્તક છેવાડાના ગ્રામીણો સુધી પહોંચે એવી વ્યવસ્થા સરકારે ઉભી કરી છે, જેની જવાબદારી સરપંચો સુપેરે નિભાવે એવી ટકોર પણ પાટીલે કરી હતી. પેજ કમિટી પાર્ટીની તાકાત છે એમ જણાવી તેનો વ્યાપક ઉપયોગ કરવાનું પાટીલે આહવાન કર્યું હતું. આ તકે પેજ કમિટી બનાવનાર તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

એક વ્યક્તિ એક હોદ્દોની યાદ અપાવતા પાટીલે ચોખવટ કરી હતી કે, સંગઠનના હોદ્દેદારોએ પણ અન્ય હોદ્દાની કે ટીકીટની અપેક્ષા ન રાખવી. હાલ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની સેન્સ લેવાઈ ચુકી છે ત્યારે પાટીલના આ નિવેદનને સૂચક માનવામાં આવે છે.

તાજેતરમાં ગયેલી પેટા ચૂંટણીને પાટીલે ત્રિમાસિક પરીક્ષા, હાલ આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને છ માસિક પરીક્ષા, વિધાનસભાની ચૂંટણીને નવ માસિક પરીક્ષા અને લોકસભાની ચૂંટણીને વાર્ષિક પરીક્ષા હોવાનું જણાવી પાટીલે ઉમેર્યું હતું કે, ત્રિમાસિક પરીક્ષામાં જેમ સોમાંથી સો માર્ક અપાવ્યા હતા એમ છ માસિક પરીક્ષા એટલેકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઉચ્ચગુણે પાસ કરાવવા ઉપસ્થિત કાર્યકરોને ઉત્સાહ વધારતા જણાવ્યું હતું. મોરબીને મીની ચાઈના જણાવતા પાટીલે અંતમાં જણાવ્યું હતું કે, ભારતભરમાંથી ચાઈનાને હંફાવવાની તાકાત મોરબીમાં છે આથી મોરબીના ઉધોગ સાહસિકો પ્રસંશાને પાત્ર છે.

ઉદ્યોગોના પ્રશ્ર્નો દૂર કરવાની ખાત્રી આપી

Cr Patil

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આજે ગુરુવારે મોરબી જિલ્લાના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. પાટીલે સરપંચો સાથે સંવાદ કરતા પેહલા મોરબીના  ઉધોગકારો સાથે સંવાદ કર્યો હતો. જેમાં ઉધોગકારોને પડતી મુશ્કેલી નિવારવાની તેમજ મોરબીના ઝડપી વિકાસમાં અવરોધક પરિબળોને દૂર કરવાની ખાત્રી ઉચ્ચારી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે ગુરુવારે મોરબી જિલ્લાની મુલાકાતે છે ત્યારે, સીરામીક અને કલોક એસોસીએશના હોદ્દેદારો સહિતના ઉધોગકારો સાથે સંવાદ કર્યો હતો. ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ, સીરામીક એસોસિએશનના તમામ પ્રમુખો, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પાટીલે સ્થાનીય ઉધોગકારોના પ્રશ્નો નિવારવાની ખાત્રી ઉચ્ચારી હતી. આ તકે ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે, સીરામીક ઉધોગના પ્રશ્નોના નિવારણ હેતુની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમ કે પ્રોપન ગેસ, એન. જી. ટી.નો ચુકાદા સહિતના પ્રશ્નો માટે હાલ કાર્યવાહી શરૂ કરાઇ હોવાનું ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું. મોરબીના ભાવિ વિકાસ માટે મળનારી જી.આઈ.ડી.સી.નો ઉલ્લેખ કરતા તેઓએ કહ્યું હતું કે, આવનારા સમયમાં મોરબી રમકડાંનું હબ બનવા જઈ રહ્યું છે. મોરબી-જેતપર રોડ અને મોરબી હળવદ રોડને ફોરલેન કરવાની કાર્યવાહી ચાલુ થઈ ગઈ હોવાની માહિતી મંત્રીએ ઉપસ્થિત ઉધોગકારોને આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.