Abtak Media Google News

લઘુસિંહનિષ્ક્રીડીત મહાતપની આરાધના કરી રહેલા તપકેસરી પૂ.પવિત્ર મુનિ મ.સ. તપની અનુમોદના શોભાયાત્રા યોજાશે

અબતક, રાજકોટ

પ્રતિકૂળતાઓ, વેદનાઓ અને દુ:ખોના સમયે આંતરીક સહનશીલતાનો વિકાસ કરીને પરમ શાંતિ પામી લેવાના અત્યંત હિતકારી બોધ ફરમાવીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે ભવ્ય જીવોની આત્મધરા પર સત્યના અજવાળા પાથર્યા હતા.

ઐતિહાસિક અને યાદગાર ચાતુર્માસની વણથંભી વણજાર સાથે અદભુત વિશ્વવ્યાપી શાસન પ્રભાવના કરીને લાંબા સમય બાદ મુંબઈના પાવનધામમાં પધારેલા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે અંતરના ઊંડાણ સુધી સ્પર્શી જનારી વાણી ફરમાવતા સમજાવ્યું હતું કે, જગતના દરેકે દરેક જીવ શાંતિ, સમાધિ અને પ્રસન્નતાની ચાહના રાખતા હોય છે. પરંતુ આ જગતની કોઈ પણ પ્રાપ્તિ એવી નથી હોતી જેના માટેની કોઈ કોસ્ટ ન ચૂકવવી પડે. માટે જ પરમાત્મા કહે છે જેને શાંતિની પ્રાપ્તિ કરવી છે એને સહનશીલતાની કોસ્ટ ચૂકવવી પડે છે. જેમ આંતરિક સહનશીલતાનો વિકાસ થતો જાય છે, એમ શાંતિ, સમાધિ અને પ્રસન્નતાની પ્રાપ્તિ થતી જાય છે.ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના ચરણ-શરણમાં છ વર્ષ પહેલાં દીક્ષા અંગિકાર કરીને માત્ર 28 વર્ષની ઉંમરે, 187 દિવસના સમયગાળામાં 154 દિવસના ઉપવાસ સાથેની લઘુસિંહનિષ્ક્રીડિત મહાતપની આરાધના કરી રહેલા તપકેસરી પૂજ્ય પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબના તપની અનુમોદના કરતી ભવ્ય અનુમોદના યાત્રાનું આયોજન તા:06/03/2022 રવિવારે, સાંજે 6 કલાકે પ્રદીપભાઈ મહેતાના નિવાસસ્થાનથી ગોવર્ધન નગરથી પ્રારંભ થઈને તપસ્વીનો જયકાર ગુંજવતી પાવનધામમાં વિરામ પામશે.

પૂજ્ય તપસ્વી મુનિરાજની તપશ્ચર્યાની નિર્વિઘ્ન પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે, તા. 10 માર્ચથી 13 માર્ચ સુધી કાંદિવલીના આંગણે તેમજ તા. 14 માર્ચથી 16 માર્ચ સુધી ઘાટકોપરના આંગણે આયોજિત તપોત્સવના ભવ્યાતિભવ્ય આયોજનના વિવિધ અનુષ્ઠાનમાં જોડાઈ જવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે. દરરોજ બપોરે 3:00 થી 4:30 તપ અનુમોદના સાંજી પાવનધામ-કાંદિવલીમાં યોજાશે.આ મુનિરાજની આંતરિક ઉર્જા, પ્રભાવક આભા, તપ તેજના દર્શન કરવા અવશ્ય પધારો. પાવનધામના આંગણે તપસ્વી મુનિરાજના દર્શનનો સમય સવારે-9:00 થી 11:00 તથા બપોરે 4:00 થી 5:00 રહેશે. પાવનધામ, મહાવીરનગર, બી.સી.સી.આઈ ગ્રાઉન્ડની સામે, કાંદિવલી – (વે), મુંબઈ.એ સાથે જ 12 દિવસ પહેલા પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષા અંગિકાર કરનારા 9 આત્માઓમાંથી નૂતન દીક્ષિત પૂજ્ય  પરમ વિશુદ્ધિજી મહાસતીજીએ દીક્ષા ગ્રહણ પછી પાત્રામાં એક પણ વાર આહાર ન કરીને આજ રોજ 12 ઉપવાસની આરાધના સાથે આગળ વધતાં સંયમ જીવનનો મંગલમય પ્રારંભ કરી રહ્યા છે ત્યારે આવો આપણે સહુ જોડાઇ જઇએ મહાતપ અને મહાતપસ્વીની અનુમોદના કરી સ્વયં ધન્ય બનીએ અને સર્વને ધન્ય બનાવીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.