Abtak Media Google News

દર વર્ષે 23 ડીસેમ્બરને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે ભારત દેશનાં પાંચમાપ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની યાદમાં ઉજવવામાં આવે છે.  ચૌધરી ચરણસિંહનો જન્મ 23 ડિસેમ્બર, 1902નાં રોજ હાપુર ખાતે થયો હતો. તે એક ખેડૂતનાં દીકરા હોવાથી તેમને “ધરતી પુત્ર” તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ‘કિસાન કા મસિહા’ અને ‘ખેડૂતોના નેતા’ તરીકે પણ જાણીતા હતા.

તેઓ 28 જુલાઈ, 1978 થી 14 જાન્યુઆરી, 1980 સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા. પોતાના કાર્યકાળમાં ખેડૂતોના જીવનને સુધારવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. આ સાથે અનેક કૃષિ બિલો રજૂ કર્યા હતા. ખેડૂતો માટે તેમનું વિશેષ યોગદાન રહ્યું હતું. 29 મે 1987 ના રોજ ન્યુ દિલ્હી ખાતે તેનું અવસાન થયું હતું. તેના સમાધિ સ્થળને “કિસાન ઘાટ” તરીકે પણ ઓળખાય છે.

વર્તમાન સમયમાં જગતનાં તાત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તેમજ ગૌ આધારિત ખેતી પ્રત્યે જાગૃત કરવાની ખુબ આવશ્યકતા છે જેથી કરીને તે પોતાના ઉત્પાદનોને શુદ્ધ, સાત્વિક બનાવી શકે અને તેની સારી કિંમત ઉપજાવી શકે. ગૌઆધારિતખેતી માત્ર આવક માટે જ નહીં પરંતુ વિશ્વની ખાદ્ય સુરક્ષા અને સમાજને સ્વસ્થ રાખવા માટે પણ જરૂરી છે.

ખેડૂતોને મદદ મળી રહે અને ‘ખેતી’ જળવાય રહે તે માટે ખેડૂતોને પાક/ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તેનું ધ્યાન રાખવું જોઈએ, પાણી માટે સુદ્રઢ વ્યવસ્થા કરીયે જેથી પાણીના અભાવે ખેતીને નુકસાન ન થાય, સાંપ્રત સમયમાં ખેડૂતને કુદરતી ખાતરના ઉપયોગ, વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા ઉત્તેજન આપીએ, સજીવ ખેતી, ગૌ આધારિત ખેતી જેવી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન પૂરું પાડીએ. આ માટે સમયાંતરે ખેડૂતો માટે માર્ગદર્શન શિબિરો પણ યોજી શકાય છે જેથી તેમને પડતી મુશ્કેલી, તકલીફોનું નિવારણ કરવા સરળતાથી થઈ શકે અને દેશ હરિયાળી ક્રાંતિ લાવવા સક્ષમ બને.

મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.