Abtak Media Google News

અબતક-રાજકોટ

સમગ્ર વિશ્ર્વમાં સૌથી વધારે તહેવારોની ઉજવણી થતી હોય તેવો એકમાત્ર દેશ ભારત કે જ્યાં ધાર્મિક, સામાજીક, પ્રસંગોને ભક્તિભાવ, શ્રધ્ધા અને હર્ષાલ્લાસ સાથે મનાવવામાં આવે છે. એટલે જ ભારત દેશને ઉત્સવોનો દેશ કહેવામાં આવે છે. વિક્રમ સંવત-2077નો અંતિમ દિવસ ‘દિપાવલી’ આજે સ્વાતિ નક્ષત્રમાં દિવાળી ઉત્તમ છે. જો કે દિવાળી પર્વની શરૂઆત અને તેની જુદી-જુદી રીતે ઉજવણી વગેરે અંગે જુદી-જુદી માન્યતાઓ છે. એક માન્યતા મુજબ દિવાળીનો તહેવાર રામાવતારથી ઉજવવામાં આવે છે. તો એવી પણ એક માન્યતા છે કે દિવાળી એ પહેલા પણ ઉજવવામાં આવતી હતી.

છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીએ વિવિધ તહેવારોને બ્રેક લગાવી હતી. પરંતુ આ વર્ષે લોકો તહેવારોને ધામધૂમથી માણી શકે તેવી પરિસ્થિતિ સર્જાતા લોકોમાં આનંદ છવાયો છે.

આજે દિપાવલીનો શુભ દિવસે સ્વાતિ નક્ષત્ર હોય તે ખૂબ જ શુભ અને શુકનવંતો માનવામાં આવે છે. માં લક્ષ્મીનું પૂજન તેમજ વેપારીઓ દ્વારા ચોપડા પૂજન સાથે મોડી રાત સુધી ફટાકડાના ધૂમ ધડાકાના અવાજથી જાણે આભા મંડળ રણકતું હોય એવા દ્રશ્યો દિવાળીના દિવસે સર્જાય તે સ્વાભાવીક છે પરંતુ સરકાર દ્વારા ફટાકડા ફોડવાનો સમય માત્ર રાત્રે 10:00 વાગ્યા સુધીનો જ રાખવામાં આવ્યો છે. ઉપરાંત રાત્રે 1:00 વાગ્યાથી કરફ્યુ જાહેર કરવામાં આવતા ઉત્સવ પ્રેમીઓ કચવાટ અનુભવી રહ્યાં છે.

બીજી તરફ જોઇએ તો ભુત, પ્રેત, પિચાસ સહિતની વાતો લોકોના માનસમાં ડર ફેલાવતી પરંપરાઓને અમુક સંસ્થાઓ અંધશ્રધ્ધા ગણાવી જેનો વિરોધ પણ કરવામાં આવે છે. ખેર જે હોય તે પરંતુ એક વાત તો ચોક્કસ છે કે ‘દિવાળી’ના પંચ પર્વની લોકો ધામધૂમ પૂર્વક ઉજવણી કરી રહ્યાં છે. જ્યારે દિપાવલીનું વિશેષ મહત્વ અને તે અંગેની વિસ્તૃત છણાવટ કરતા વેદાંતરત્ન શાસ્ત્રી રાજદીપ જોશીએ જણાવ્યું છે કે આ દિવસે સમુદ્રમાંથી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયેલો. શ્રી રામ ચંદ્ર ભગવાન રાવણને મારી વિજય મેળવી અને દીવાળીના દિવસે અયોધ્યા પરત પધાર્યા હતા. ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્ય સુરાજ્ય શાસન પર્વની સ્થાપના આ દિવસે કરી હતી. શ્રી કૃષ્ણ ભગવાને કાળી ચૌદશના દિવસે નરકાસુરનો વધ કર્યો અને બીજા દિવસે એટલે કે દિવાળીના દિવસે લોકોએ ઉત્સવ ઉજવ્યો હતો.પાંડવો ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અને હસ્તિનાપુર પધાર્યા તે દિવસ હતો. દિવાળીનો આમ અલગ અલગ પ્રકારે દીપાવલીનું મહત્વ રહેલું છે.

આપણા સ્ક્ધદ પુરાણ પદમ પુરાણ ભવિષ્ય પુરાણ ગ્રંથોમાં જુદી જુદી રીતે દિવાળીનું મહત્વ છે. તેમાં ખાસ કરીને બ્રહ્મ પુરાણ પ્રમાણે દિવાળીની રાત્રિએ લક્ષ્મીજી સ્વયં લોકોના ઘરમાં પધારે છે આથી જ લોકો ચોપડા પૂજન કરે છે અને પોતાનું ઘર સ્વચ્છ રાખે છે તેમને ઘરે વ્યાપારમાં લક્ષ્મીજી સ્થિર થઈને રહે છે .

મહાલક્ષ્મી જીના આઠ સ્વરૂપ છે. દિવાળીના ચોપડા પૂજનમાં ક્લમ એટલે કે પેનને મહાકાળીનું સ્વરૂપ ગણી પૂજા કરવામાં આવે છે. મહા લક્ષ્મીજીનો સિક્કો ચોપડા પર રાખી પૂજન કરવામાં આવે છે. અને મહા સરસ્વતી એટલે કે ચોપડાનું પૂજન સ્વયં સરસ્વતી માતાજી તરીકે પૂજવામાં આવે છે. આમ ચોપડા પૂજનમાં મહાકાલી : મહા લક્ષ્મી  મહા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે. અને છેલ્લે લક્ષ્મી લાભ લાભ સવાયા બોલવામાં આવે છે એટલે કે મહા લક્ષ્મીજીની કૃપાથી અમાસે વ્યાપાર સવાયો થાય.

અષ્ટ લક્ષ્મીના નામ: ઓમ આર્ધ લક્ષ્મયૈ નમ:, ઓમ વિઘા લક્ષ્મી નમ:, ઓમ સોભાગ્ય લક્ષ્મી નમ:, ઓમ અમૃત લક્ષ્મી નમ:, ઓમ કામ લક્ષ્મી નમ:, ઓમ સત્ય લક્ષ્મી નમ:, ઓમ ભોગ લક્ષ્મયેનમ:, ઓમ યોગ લક્ષ્મી નમ: વગેરે…..

દીપાવલીના શુભ મુહૂર્તો

દિવાળીના દિવસે દિવસના શ્રેષ્ઠ ચોઘડીયા શુભ સમય 06-53 થી 08-18 ચલ 11-06 થી 12-30 લાભ 12-30 થી 01-54 અમૃત  01-54 થી 03-19 શુભ 04-43 થી 06-07

રાત્રીના શ્રેષ્ઠ ચોઘડીયા અમૃત  06-08 થી 07-43  ચલ 07-43 થી 09-19  લાભ 12-31 થી 02-06 શુભ 03-42 થી 05-18 અમૃત 05-18 થી 06-54

દિપાવલીનો પ્રદોષકાળ પુજન માટેનો શ્રેષ્ઠ સમય પ્રદોષકાળ : – ગુરૂવાર સાંજે 6-08 થી 8-41 સુધી પ્રદોષકાળ છે વૃષભ સ્થિર લગ્નમાં કુંભ સ્થિર નવમાંશ રાત્રે 7-01 થી 0-13 સુધી છે સ્થિર વૃષભ લગ્ન રાત્રે 6-47 થી 8-4ર સુધી છે. નિશીથ કાળ  :- રાત્રે 12-05 થી 12-56 સુધી છે તેમાં પણ પુજન કરવું શ્રેષ્ઠ ગણાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.