Abtak Media Google News

વિશ્વના તમામ દેશ કરતાં ભારતની સંસ્કૃતિ અલગ છે. ભારત એ વેદો,ઉપનિષદો,ઋચાઓ, ધર્મગ્રંથો, પ્રણાલી અને પરંપરાનો દેશ છે. હિંદુ ધર્મ અને રીતરિવાજો મુજબ આપણાં શાસ્ત્રોમાં મનુષ્યના જન્મથી મૃત્યુ સુધીની એક એક વિધિ જોડાયેલી છે માણસનાં જન્મ સમયથી લઈને મૃત્યુ સુધીની દરેક અવસ્થાનું એક મહત્વ છે અને એટલે જ દરેક અવસ્થાની પહેલ વખતે શાસ્ત્રોક્ત રીતે મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા  મુહૂર્ત કરવામાં આવે છે.

Advertisement

આ દરેક વિધિનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે . દરેક મંત્રોનું મહત્વ છે. આપણાં શાસ્ત્રોમાં સમગ્ર જીવનકાળ દરમ્યાન ૧૬ સંસ્કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગર્ભાધાનથી લઈને અંત્યેષ્ઠી સંસ્કાર સુધીના આ સોળ સંસ્કારમાં સૌથી અગત્ય અને મહત્વ હોય તો એ છે લગ્નસંસ્કાર નું છે.

લગ્ન એ હિન્દુઓમાં માત્ર રિવાજ કે વ્યવસ્થા જ નથી, એ એક સંસ્કાર છે. પવિત્ર અગ્નિની સાક્ષીએ શાસ્ત્રોક્ત વિધિથી વર અને કન્યા જ્યારે મંગલફેરા ફરે છે ત્યારે એ દરેક ફેરામાં એકમેકને વફાદાર રહેવાનું અને હંમેશા સાથ આપવાનું વચન આપે છે. પહેલાનાં સમયમાં લગ્નોની પવિત્રતા અકબંધ હતી કેમ કે એ સમયે લગ્નને સંસ્કાર માનવામાં આવતા. બદલાતા સમય સાથે આજે હવે લગ્ન એટલે મોજમજા,ખાણી પીણી, નાચવું કુંદવું અને ફોટોગ્રાફી. આધુનિકતા અને શ્રીમંતાઈના દેખાડા સમાં લગ્નો પણ બહુજ નજીકના સમયમાં ભૂતકાળ બની જાય તો કહેવાય નહીં.

આપણે ભારતીયોએ વિદેશના રીતરિવાજો, સંસ્કૃતિ, પહેરવેશ, ખાનપાન, તહેવારો અને રહેણીકરણી બધું જ અપનાવ્યું. ભારતીય સંસ્કૃતિ ધીમે ધીમે ભારતમાંજ લુપ્ત થઈ રહી છે ત્યારે સૌથી મોટી આઘાતજનક બાબત એ છે કે નવી પેઢી વિદેશી વિચારધારા પણ અપનાવી રહી છે.

વિદેશી વિચારધારામાં આવીને આજની પેઢી લગ્નને સંસ્કાર નહિ પરંતુ બંધન સમજતી થઈ છે અને આ કારણસર ધીમે ધીમે ’લિવ ઇન રિલેશન’ નો ટ્રેન્ડ શરૂ થયો છે. લગ્ન સમયના મંત્રો, અગ્નિનો ધુમાડો અને મંગલફેરા એ આજની યુવાપેઢીને વાહિયાત, બકવાસ અને કેદ જેવું લાગી રહ્યું છે. ગુરુકુળોનો યુગ આથમી ગયો એના કારણે આજની પેઢી ’શિક્ષણ’થી વંચિત રહી ગઈ. આજે  માત્ર ભણતર છે,ડીગ્રી છે જેના આધારે જીવનનિર્વાહ ચાલે છે.

સ્ત્રી શિક્ષણનો મૂળ ઉદ્દેશ હતો કે શિક્ષિત સ્ત્રી પોતાના બાળકમાં ઉત્તમ નાગરિકના ગુણો રોપી શકે અને શ્રેષ્ઠ સમાજનું ઘડતર કરે પરંતુ સ્ત્રીશિક્ષણના પગલે આજે એ પણ સ્વતંત્ર વિચારતી થઈ. આર્થિક રીતે પગભર યુવતી સ્વતંત્ર રહેતી હોઈ  લગ્ન બાદ એને એની આઝાદી છીનવાઈ જવાનો ડર લાગે છે તો સામા પક્ષે પુરુષને પણ જવાબદારીઓ વધવાનો ભય સતાવે છે. કેરિયર ઓરીએન્ટેડ બની ગયેલી આજની પેઢીમાં યુવક અને યુવતી બન્ને પોતપોતાની ઇન્કમ, ગ્રોથ અને ફ્રીડમને મહત્વ આપતી થઈ છે.

લગ્ન એ એક વ્યવસ્થા છે. જે રીતે ઘર ચલાવવા અને દેશ ચલાવવા માટે કેટલીક વ્યવસ્થાઓ,નિયમો અને કાયદાઓ નક્કી કરવામાં આવે છે એવી જ રીતે સમાજવ્યવસ્થા જાળવવા માટે લગ્નવ્યવસ્થા જળવાય એ આવશ્યક છે. ભારતના મોટા શહેરોમાં આજકાલ લગ્ન વગર સાથે રહેતા યુવક યુવતીનું પ્રમાણ વધ્યું છે. ’લિવ ઇન રિલેશનશિપ’ એ આજની પેઢી માટે બહુ સામાન્ય અને મનગમતો સંબંધ બની ગયો છે.

કોઈ જવાબદારી નહિ, કોઈ બંધન નહીં અને કોઈ વચનો નહિ. ફાવ્યું ત્યાં સુધી સાથે રહી અને જ્યારે નથી ફાવતું ત્યારે કાયદાની કોઈ જફા વગર એકમેકથી અલગ થઈ જવાનું. કોઈ અધિકાર નહિ, કોઈ ફરજ નહિ, કોઈ અપેક્ષા નહિ અને કોઈ ભય નહિ. લગામ વગરના ઘોડા જેવો આ સંબંધ જ્યારે જીવનની નાવ મધદરિયે પહોંચે ત્યારે  તૂટી જાય પછીના પરિણામો  અતિ ભયાનક હોય છે.

સવાલ એ પણ છે કે આજની પેઢી આવું વિચારે છે એની પાછળ કયા કારણો જવાબદાર છે? ’લિવ ઇન’ ના ગેરફાયદા કે ભયસ્થાનો સમજાવવા છતાં પણ નહીં સમજતી આ જનરેશનના વિચારોના મૂળમાં શુ છે? એનો ઉછેર, ઘરનું વાતાવરણ, સમાજની સંકુચિતતા, સાચી સમજણ અને સાચા શિક્ષણ તથા સંસ્કારનો અભાવ, વિદેશી સંસ્કૃતિનો પ્રભાવ… શુ?? બાળક સમજણું થાય ત્યારથી પરિવારના માહોલની એની વિચારસરણી પર ઊંડી અસર પડે છે.

માતા-પિતાના ઝગડા, બંનેની સ્વતંત્ર જીવનશૈલી, જવાબદારીઓથી ભાગી છૂટવાના હેતુથી કુમળી વયના બાળકને અપાતું હોસ્ટેલ જીવન , સમાજની ટૂંકી અને જુનવાણી વિચારસરણી આ બધાના લીધે એ એવું વિચારતું થઈ જાય છે કે લગ્ન એ સજા છે. લગ્ન એ જેલ છે અને જેમ જેમ બાળક મોટું થાય એમ એમ એને લગ્ન તરફ અભાવ વધતો જાય છે. વિદેશી સંસ્કૃતિની ચમક દમકથી અંજાઈને, વિદેશીઓની સ્વતંત્ર જીવનશૈલીથી અભિભૂત થઈને આજનું જનરેશન વિદેશ જવા કે પછી દેશમાં રહીને વિદેશી જીવન જીવવા પ્રેરાય છે અને એના પગલે લગ્નની જવાબદારી ઉઠાવવાના બદલે ’લિવ ઇન રિલેશનશિપ’ પસંદ કરે છે.

આપણું બંધારણ અને આપણો કાયદો પણ બદલાતા સમય સાથે કદમ મિલાવી રહ્યો છે. પુખ્ત વયના સ્ત્રી -પુરુષ એકમેકની મરજીથી લગ્નબાહ્ય સંબંધો ધરાવતા હોય તો એને કાયદાએ માન્યતા આપી છે. હવે તો સમલૈંગિક સંબંધોને પણ માન્યતા મળી ચુકી છે. કાયદો આવી કોઈપણ છૂટ આપે પરંતુ આજ સુધી કાયદાથી વધુ ડર સમાજનો હતો. સમાજ શું વિચારશે? કેવી વાતો કરશે? બાળકો પર કેવી અસર

થશે, સમાજ કે પરિવાર સ્વીકારશે ખરા? આવા ભયના કારણે લગ્નબાહ્ય કે સમલૈંગિક સંબંધોનું પ્રમાણ ઓછું હતું  પરંતુ કાયદાની માન્યતા બાદ આવા સંબંધોની હિમાયત ખુલ્લેઆમ થવા લાગી.સંબંધો લગ્નબાહ્ય હોય, સમલૈંગિક હોય કે લિવ ઇન હોય, એ સમાજ વ્યવસ્થાને ચોક્કસ માઠી અસર કરે છે. વ્યક્તિગત રીતે પણ આવા સંબંધમાં સાથે રહેતી બે માંથી કોઈપણ વ્યક્તિ સામેના પાત્રમાં ’હૂંફ’ નથી મેળવી શકતી.

લિવ ઇન રિલેશનશિપ એ ઉભડક સંબંધ જેવો છે. સરનામાં વગરનો સંબંધ. આ સંબંધમાં જીવતી વ્યક્તિને “જીવનની આથમતી સંધ્યાએ  તારી પાસે તારું પોતાનું કોણ?” એવો સવાલ પૂછવામાં તો જવાબ એની પાસે નથી. આ માત્ર એક સવાલ નથી, જીવનની એક ભયાનક સ્થિતિ છે. વિદેશનું એક પક્ષી પણ આપણાં દેશમાં આવે છે ત્યારે મુક્ત નથી જીવી શકતું  તો આપણે અહીં રહીને ત્યાંની જીવનશૈલી કેવી રીતે અપનાવી શકીએ? વિદેશના કેટલાક કાયદાઓ એવા છે કે જયાં આ પ્રકારના સંબંધો સંભવિત છે પરંતુ ભારતમાં માત્ર કાયદો જ નહીં, સંસ્કાર પણ છે જે આવા સંબંધોની છૂટ નથી આપતા.

લગ્નએ જવાબદારી લેવાની નહિ, જવાબદારી વહેંચવાની પ્રથા છે. લગ્નવ્યવસ્થા પતિ પત્નીને બંધન નથી આપતી, એ બે પરિવારને એકમેકના સુખદુ:ખમાં સાથે રહેવા માટે એકસૂત્ર કરે છે. લગ્ન એ માત્ર શારીરિક જરૂરિયાતો સંતોષવા માટેનું લાયસન્સ નથી, લગ્ન એ બે પરિવારના, બે વ્યક્તિના સંસ્કાર, શિક્ષણ અને સમજણના સહવાસથી ઉત્તમ સમાજના નિર્માણ માટે અપાતા સંસ્કાર છે. માત્ર કમાવું, ખાવું અને શારીરિક જરૂરિયાતો સંતોષવી એ વિદેશી જીવનશૈલી માણસ અને પશુને એક હરોળમાં મૂકે છે.

લિવ ઇન રિલેશનશિપ કોઈપણ દ્રષ્ટિકોણથી વ્યક્તિ, પરિવાર કે સમાજના હિતમાં નથી. આવો સંબંધ એ જાત સાથે સમજી વિચારીને કરાતી છલના છે. સ્વતંત્રતાના નશામાં બંધાતા આવા સંબંધો એ સમય, સંસ્કાર અને શિક્ષણની સમજણપૂર્વકની બરબાદી છે. લગ્નવ્યવસ્થાનું મહત્વ સમજાવી આજની પેઢીને લગ્નસંસ્કારના દરેક ફેરાને આત્મસાત કરવાની શિખામણ આપવી એ આપણી ફરજ  છે. માતાપિતાનું લગ્નજીવન એના સંતાનોની પ્રેરણા બની રહે અને એ પણ લગ્ન વ્યવસ્થાનું સન્માન કરે એ જોવાની પણ દરેક માતાપિતાની જવાબદારી છે.

સંસ્કાર એ આપણાં દેશનો અમૂલ્ય વારસો છે. સંસ્કાર એક એવી મિલ્કત છે જે પેઢી દર પેઢી વારસામાં આપવાથી અને સતત વહેંચવાથી પણ કદાપિ ઓછી નથી થતી. લિવ ઇન રિલેશનશિપ એ એવો કોન્સેપ્ટ છે જે ભારતીય સંસ્કૃતિ,સમાજ વ્યવસ્થા અને આ સંબંધોમાં જીવતી વ્યક્તિ માટે પણ ખતરો છે. આવા સંબંધોનો વિચાર એ એક પ્રકારનો મનોરોગ છે. હઠીલા શરીરીક રોગનો ઉપચાર શક્ય છે પરંતુ વિદેશી જીવનશૈલીના અનુકરણની વિચારધારા એ એવો રોગ છે કે જે આખી સમાજ વ્યવસ્થાને ભરડામાં લઇ એક દિવસ લગ્નસંસ્કારને જ ગળી જશે.

આવો, સાથે મળીને આવી વિચારધારા નાબૂદીની ઝુંબેશ ચલાવીએ અને આ રીતે આપણી પરંપરા અને સંસ્કૃતિને બચાવી દેશ તરફનું આપણું ઋણ અદા કરીએ.

: મિરર ઇફેક્ટ :

લગ્નસંબંધમાં બન્ને પાત્રોના સુખ,દુ:ખ,ખુશી બધુજ સહિયારું હોય છે જ્યારે લિવ ઇન રિલેશનમાં બધુજ વ્યક્તિગત હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.