Abtak Media Google News

કુલ 16 જિલ્લાઓ પૈકી 8માં કરફ્યુ : 5 દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ

મણિપુરમાં સરકારે હિંસા પર કાબૂ મેળવવા માટે ‘શૂટ એટ સાઈટ’નો આદેશ આપ્યો છે. જો કે માત્ર એક્ટ્રીમ કેસોમાં ‘શૂટ એટ સાઈટ’નો ઉપયોગ થશે. ઉલ્લેખનિય છે કે, મણિપુરમાં મૈતેઈ સમુદાયને એસટી કેટેગરીમાં સામેલ કરવાના વિરોધમાં એક આદિવાસી સ્ટુડન્ટ યુનિયન મોરચાએ માર્ચ બોલાવી હતી, ત્યારબાદ મણિપુરમાં હિંસા શરૂ થઈ ગઈ હતી. હિંસા બાદ ઘણા જિલ્લાઓમાં કર્ફ્યુ લગાવાયો હતો. ઉપરાંત 5 દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. હાલમાં મણિપુરમાં સ્થિતિ તંગ છે. હિંસાને રોકવા માટે સેના અને આસામ રાઈફલ્સને પણ તૈનાત કરવામાં આવી છે.

મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સેના ફ્લેગ માર્ચ કરી રહી છે. અહીં હેલિકોપ્ટર દ્વારા પણ સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે. સેના અને આસામ રાઈફલ્સે ચુરાચંદપુરના ખુગા, ટામ્પા, ખોમૌજનબ્બા વિસ્તારો, ઈમ્ફાલના મંત્રીપુખરી, લામફેલ કોઈરાંગી વિસ્તાર અને કાકચિંગ જિલ્લાના સુગાનુમાં ફ્લેગ માર્ચ અને હવાઈ સર્વેક્ષણ કર્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આર્મી અને આસામ રાઈફલ્સની કુલ 55 કોલમ તૈનાત કરવામાં આવી છે. વધારાની 14 કોલમ પણ શોર્ટ નોટિસ પર તૈનાત રખાઈ છે.

મણિપુરમાં અચાનક હિંસા શરૂ થયા બાદ કલમ-144 લાદી દેવાઈ છે. ઉપરાંત રાજ્યમાં આગામી 5 દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કોઈપણ મોટી ઘટનાને પહોંચી વળવા આસામ રાઈફલ્સની 34 કંપનીઓ અને સેનાની 9 કંપનીઓ હિંસા પ્રભાવિત જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી બિરેન સિંહને ફોન કરીને ઘટના અંગે સંપૂર્ણ માહિતી મેળવી હતી અને કેન્દ્ર તરફથી રાજ્યને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.

મણિપુરની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. સ્થાનિક લોકો, અધિકારીઓ, મજૂરો કે જેઓ ફસાયેલા છે અથવા તેઓ અસુરક્ષિત હોવાનો ડર છે, તેઓ આ નંબરનો ઉપયોગ કરી શકે છે. પોતાના વિસ્તારમાં અસુરક્ષિત અનુભવી રહેલા લોકો માટે પણ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.