Abtak Media Google News

તેમના શબ્દોના તાલે પક્ષીઓ પણ ઝુમી ઉઠતા: અરૂણ દવે

છેલ્લા ૩૦૦ વર્ષથી પેઢીદર પેઢી પક્ષીઓ સાથે જીવન જીવતા સૈયદ પરિવારનાં શાકિર સૈયદે બહુ ટુકાગાળામાં લોકોમાં અપાર ચાહના મેળવી હતી. ટુંકી માંદગીમા અવસાન થતા સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી હતી. પક્ષીવિદ્ શાકિર સૈયદને આપવા સૌરાષ્ટ્રભરનાં પેટ શોપ સાથે ડોગ-બર્ડલવર તથા સેવબર્ડ સોસાયટી સાથે સંકળાયેલાએ શાકિરબાપુને શ્રધ્ધાંજલિ અર્પી હતી. છેલ્લા ચાર દશકાથી ડોગ શોનું આયોજન કરતા અને બર્ડ લવર્સ કલબના અરૂણ દવે એ શ્રધ્ધાંજલિ અર્પતા જણાવેલ કે શાકિરબાપુની પ્રેમભરી ભાષાના પક્ષિઓ દિવાના હતા તેમને જોઈને બર્ડ આનંદિત થઈ જતા હતા. આ તકે ભુવનેશ પંડયા, રણજીત ડોડીયા, અબ્બાસભાઈ ઝરીવાલા, અલિભાઈ, સુનિલ ચૌહાણ, નાસીર, અકીભાઈ, નવાઝભાઈ, નાનાભાઈ, ઈન્દુભા રાઓલ, આશિષ ધામેચા સહિતના અગ્રણીઓ હાજર રહીને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

આ શ્રધ્ધાંજલિ બાદ સૌરાષ્ટ્ર-કચ્છ પેટ શોપ એન્ડ બ્રિડર્સ એસોસિએશનની બેઠક બોલાવાઈ હતી જેમાં અલીભાઈ તરફથી દરખાસ્ત મુકાતા નવા વર્ષનાં પ્રમુખ તરીકે ભુવનેશભાઈ પંડયા, ઉપપ્રમુખ તરીકે આશિષ ધામેચા તથા ખજાનચી તરીકે અબ્બાસભાઈ ઝરીવાલાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી જાણિતા પક્ષીવિદ શાકિર સૈયદ પ્રમુખ તરીકે કાર્યરત હતા. તેમના અવસાન થવાથી નવી કમિટી બનાવાય છે. પ્રમુખ ભુવનેશ પંડયાએ જણાવેલ કે પેટ શોપને પડતી મુશ્કેલીઓમાં સૌ સાથે મળીને કાર્ય કરવું પડશે. સરકારી ધારા ધોરણનાં તમામ નિયમો પાળીને જ આપણે વ્યવસાય કરવો જરૂરી છે. એસોસિએશનના તમામ સભ્યોએ સંસ્થાના નિયમોનું કડક પાલન કરવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.