Abtak Media Google News

વિવિધ કાર્યક્રમોની વણઝાર, મંગળવારથી ગુંજશે ગણપતિનાદ નાદ: અબતકની શુભેચ્છા મુલાકાતે ત્રિકોણબાગ રાજાની ટીમ

પરિવાર પર આવી પડેલી વિપદાના નિર્વિઘ્ને નિવારણ માટે આજથી બરાબર 24 વર્ષ પહેલાં રાજકોટના એક પરિવારે ગણપતિ સ્થાપનની માનતા માનેલી , જે ફળીભૂત થતાં સ્વગૃહે ગણપતિ સ્થાપન કરવાના બદલે શહેરના ત્રિકોણબાગ ચોક ખાતે પુરા ભક્તિભાવ અને આસ્થા સાથે 2.5 ફૂટની ઊંચાઈના ’ માનતાના ગણપતિ’ની સ્થાપના પૂજન કર્યું હતું . સમય જતાં એ પારિવારિક ગણપતિ સ્થાપન સૌરાષ્ટ્રના સૌ પ્રથમ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પરિવર્તન પામ્યું . એ ગણેશ મહોત્સવ એટલે લાખો અસ્થાળુંના કેન્દ્ર સમા ” ત્રિકોણ બાગ કા રાજા ” . આ વર્ષે ત્રિકોણબાગ ખાતે તા . 19 થી 28 સપ્ટેમ્બર સુધી સ્થાપિત થનારા ” ત્રિકોણ બાગ કા રાજા ” નું રજત જયંતિ (સિલ્વર જ્યુબિલી ) સ્થાપના વર્ષ છે.

Advertisement

અબતકની શુભેચ્છા મુલાકાતે ચંદુભાઈ પાટડીયા, સંજયભાઈ ટાંક, નિલેશ ચૌહાણ, કાનાભાઈ સાનિયા, પ્રકાશ ઝિઝુવાડીયા, કિશન સિધ્ધપુરા, દિલીપભાઈપાંધી,  મિલન ધંધુકીયા, આશિષ કામલીયા, જીત ખોપકર, તિલક આડેસરા ઉપસ્થિત રહ્યા હતા. વધુ માહિતી માટે  વોટસએપ નં. 9426201120 પર સંપર્ક સાધવો.

અબતક શુભેચ્છા મુલાકાતે આવેલા જીમ્મી અડવાણી જણાવ્યું હતુ કે આ વર્ષે ત્રિકોણબાગકા રાજાની દિવ્ય પ્રતિમાની વિવિધતા એ છે કે  આ રજત જયંતિ વર્ષે  મૂર્તિનું 25મું સ્વરૂપ સ્થાપિત કરવમાં આવશે. નાસિકથી મૂર્તિનું માત્ર નકકર સ્વરૂપ બાય રોડ ખાસ વાહનમાં અમદાવાદ વાયા રાજકોટ લાવવામાં આવે છે. અને રાજકોટમાં જ તેના પર ઈકો ફ્રેન્ડલી કલર, વાઘા,હજારો ડાયમંડોનું વર્ક, ગોલ્ડ પ્લેટિંગ વર્ક, તેમજ આર્ટિફિશિયલ હીરા-માણેક આભૂષણથી માત્ર પાંચ દિવસના ટુંકા ગાળામાં મૂર્તિને દર્શનીય આભાસ્વરૂપ આપવામાં આવે છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ એક માત્ર એવું ગણપતિ સ્થાપન છે જયાં શાસ્ત્રોત વિધિવિધાન સાથે ગણેશજીની સ્થાપનાની સાથોસાથ વૈદિક  પરંપરા પ્રમાણે દિવ્ય મંત્રોચ્ચાર સાથે મૂર્તિમાં પ્રાણ  પ્રતિષ્ઠા પણ કરવામાં આવે છે. તેથી જ તો ત્રિકોણબાગ કા રાજા જાગતા દેવ તરીકે લોકોના હૃદયમાં શ્રધેય સાથે પ્રસ્થાપિત  થયેલા છે.

ત્રિકોણ બાગ કા રાજા ગુજરાતનો એકમાત્ર એવો ગણેશ પંડાલ છે જે દસે દસ દિવસ સુધી નિત્ય  પ્રાત:  7 થી માંડી રાત્રે 12.30  વાગ્યા સુધી દર્શનાર્થે  સતત ખુલ્લો  રહે છે.

વ્હેલી સવારે વિવિધ  શાળાએ જતી બસ અહી બાળકોને દર્શનાર્થે લઈને આવે છે. જયારે સાંજે 7 વાગ્યાથી પ્રારંભ થતા આરતી, ધૂન, સ્તુતિ, પૂજન સહિતના વિવિધ કાર્યક્રમોમાં  સ્થાનિકો, શહેરના ગણમાન્ય નાગરીકો, પ્રબુધ્ધઓ, રાજકીય, સામાજીક, ધાર્મિક, ઔદ્યોગિક અને વ્યાપારી અગ્રણીઓનો નિરંતર પ્રવાહ રાત્રે 12 વાગ્યા સુધી અવિરત વહેતો રહે છે. વર્ષો  વર્ષના આયોજન દરમિયાન ભકતો 100 કિલોથી લઈને 500 કિલો સુધીના મોદક ત્રિકોણ બાગ કા રાજાને ભોગ ચડાવી ચૂકયા છે.

શ્રેણીબધ્ધ ધાર્મિક, સામાજીક, સાંસ્કૃતિક અને આરોગ્યલક્ષી આયોજનોની વણજાર

ત્રિકોણ બાગ કા રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં દસ દિવસ દરમિયાન શ્રેણીબદ્ધ આયોજનો પ્રયોજવામાં આવ્યા છે. જેમાં તારીખ 19 ને મંગળવારે સવારે 10:30 કલાકે ઢોલ શરણાઈના મંગલમય સુર અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે . જ્યારે સાંજે 7.કલાકે ઇસ્કોન મંદિર દ્વારા કીર્તન – ધૂન, રાત્રે 8:15 કલાકે સાધુ – સંતો, મહંતો અને અગ્રણીઓના વરત હસ્તે પ્રથમ મહાઆરતી તેમજ રાત્રે 8:30 કલાકે ગણેશ વંદનાનો સાંસ્કૃતિક કાર્યક્રમ (નૃત્ય નાટિકા ) .રજુ કરવામાં આવશે . તા . 20 ને બુધવારે રાત્રે 8:30 કલાકે નામી કલાકારોનો ભવ્ય લોકડાયરો, તા. 21 ને ગુરુવારે રાત્રે 8:30 કલાકે ક્રાંતિ બેન્ડ શો, રૂચિર જાની અને કોલેજના છાત્રો મ્યુઝિકલ શો પ્રસ્તુત કરશે . તા . 22 ને શુક્રવારે રાત્રે 8:30 કલાકે મુંબઈના કલાકારોનો સપ્તરંગી કાર્યક્રમ , તા . 23 ને શનિવારે સાંજે 5:30 કલાકે બાળકો દ્વારા શ્લોક ગાન અને સોથી વધુ બાળકો સામુહિક હનુમાન ચાલીસા પાઠ રજૂ થશે ત્યારે ત્રિકોણબાગમાં સનાતની આધ્યાત્મિક ગુંજથી સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રસરશે . આ હનુમાન ચાલીસા અને શ્લોક ગાનમાં ભાગ  લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ભેટ આપવામાં આવશે .

રાત્રે 8:30 કલાકે ’ મેરે દેવા મેરે ઘર આયો ’ ભક્તિ સંધ્યા પ્રસ્તુત થશે . તા . 24 ને રવિવારે સાંજે 5:30 કલાકે જાહેર જનતા માટે નિ : શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ મહારક્તદાન કેમ્પ, રાત્રે 8:30 કલાકે શાળાના બાળકોનો ભવ્ય ડાન્સ ટેલેન્ટ શોઅને ગેમ શો, તા. 25 ને સોમવારે સાંજે 5:30 કલાકે મહેંદી સ્પર્ધા અને ઇનામ વિતરણ કાર્યક્રમ તથા રાત્રે 8:30 કલાકે મેહુલ રવાણી, અલ્પેશ ડોડીયા પ્રસ્તુત ભવ્ય સંગીત સંધ્યા રજૂ કરવામાં આવશે. તા.26 ને મંગળવારે સાંજે 5:30 કલાકે જાહેર જનતા માટે આરતી સુશોભન સ્પર્ધા અને ઇનામ વિતરણ રાત્રે 8:30 કલાકે શ્રીનાથજીની ઝાંખી , ભક્તિ સભર સંગીત સંધ્યા , તા . 27 ને બુધવારે સાંજે 5:30 કલાકે સત્યનારાયણ દેવની કથા , રાત્રે 8:30 કલાકે જાહેર જનતા માટે દાંડીયારાસ સ્પર્ધા તથા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે . જ્યારે તા . 28 ને ગુરુવારે સવારે 10:30 કલાકે પૂર્ણાહુતિ પૂજન થશે . તેમ જ બપોરે 12:30 કલાકે ત્રિકોણ બાગથી ખોખળદળ નદી તરફ ગણપતિ વિસર્જન યાત્રાનું ધામધૂમ પૂર્વક પ્રસ્થાન કરવામાં આવશે .

ત્રિકોણબાગ કા રાજા હવે કોઈ પણ સ્પર્ધામાં પોતાની દાવેદારી નહિ નોધાવે: જિમ્મી અડવાણી

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા જીમ્મી અડવાણી જણાવ્યું હતુ કે ગુજરાત ત્રિકોણ બાગ કા રાજા સાર્વજનીક ગણપતિ મહોત્સવને શ્રેષ્ઠતમ આયોજન માટે એવોર્ડ ટ્રોફી એનાયત થતી રહી છે. ગુજરાતનું આ એકમાત્ર એવું સાર્વજનીક આયોજન છે જેને આવું  બહુમાન મળ્યું હોય . આ ઉપરાંત રાજકોટ – સૌરાષ્ટ્રની અનેકોનેક સંસ્થાઓએ ત્રિકોણ બાગ કા રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવના આયોજનને સન્માનિત કરીને બિરદાવ્યું છે . જોકે આ વર્ષે 25 માં રજત જયંતિ વર્ષના આયોજન બાદ મુંબઈના લાલ બાગ કા રાજા ગણપતિ પંડાલની તર્જ પર ત્રિકોણબાગ કા રાજા હવે કોઈપણ સ્પર્ધામાં પોતાની દાવેદારી નહિ નોંધાવે તેવું આયોજક જિમ્મીભાઈ અડવાણીએ જણાવ્યું છે. સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનારા નામી અનામી સેવાધારીઓનું આવતા વર્ષથી ત્રિકોણ બાગ કા રાજા પ્રેસ્ટીજીયસ એવોર્ડથી સન્માન કરવામાં આવશે તેવું કહીને જિમ્મીભાઈ અડવાણીએ વધુમાં ઉમેર્યું હતું કે , આ માટે જાહેર સેવાના કર્મચારીઓ, બહુમુખી પ્રતિભા ધરાવતા બુદ્ધિજીવીઓ , મુક સેવકોને એવોર્ડ આપી તેઓનું જાહેર બહુમાન કરવામાં આવશે . આ માટેની પૂર્વ તૈયારી આ વર્ષથી જ શરૂ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.