Abtak Media Google News

Table of Contents

  • ગાળા-ગાળી, હોળી દર્શન, વાહન અથડાવા સહીતની નજીવી બાબતે સશસ્ત્ર હુમલાની ઘટનાઓ

રાજકોટ શહેર-જિલ્લામાં હોળી-ધુળેટી પર્વે મારા-મારી સહિતના અલગ અલગ 15 ડખ્ખા પોલીસ ચોપડે નોંધાયા છે. તમામ ડખ્ખાઓ નજીવી બાબતે બન્યાનું સામે આવ્યું છે. જેમાં ક્યાંક શાકભાજી લેવા બાબતે તો ક્યાંક ગાળો બોલવા બાબતે તો ક્યાંક વાહન અથડાવા બાબતે સશસ્ત્ર હુમલાની ઘટનાઓ સામે આવી છે. આ તમામ બનાવોના લીધે હોળી-ધુળેટી પર્વ રક્તરંજિત બન્યો છે. જો કે, પોલીસના ચુસ્ત બંદોબસ્તના લીધે કોઈ મોટો બનાવ બનવા પામ્યો નથી.

અલગ અલગ બનાવની જો વાત કરવામાં આવે તો પ્રથમ બનાવમાં ધુળેટીની સાંજે કુવાડવા રોડ હરસિધ્‍ધી સોસાયટીમાં ઇમિટેશનનના કારખાનાના કારીગરનું બાઇક બીજા બાઇકને અડી જતાં બોલાચાલી થતાં કારખાનેદાર વચ્‍ચે પડતાં તેના પર સાતેક શખ્‍સોએ હુમલો કરી મારકુટ કરી હતી. તેમજ એક્‍ટીવાને સ્‍કોર્પિયોની ઠોકરે ચડાવી નુકસાન કરી તેમજ માથે સ્‍કોર્પિયો ચડાવી મારી નાખવાની ધમકી અપાતાં દેકારો મચી ગયો હતો. આ બનાવમાં મોરબી રોડ પર એચપીના પંપ નજીક વૃંદાવન વીલા-2માં રહેતાં અને હરસિધ્‍ધી સોસાયટીમાં ગુરૂદેવ મેટલ નામે ઇમિટેશનનો ધંધો કરતાં મહેશભાઇ લાલજીભાઇ ખોયાણી (ઉ.વ.43)ની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે શૈલેષ રાજાભાઇ ગમારા, રતન ઉર્ફ રતો અને પાંચ અજાણ્‍યા વિરૂધ્‍ધ મારામારી, રાયોટીંગ, તોડફોડનો ગુનો નોંધ્‍યો છે.

મામલામાં ભોગ બનનાર મહેશભાઇ ખોયાણીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે ધુળેટીની સાંજે સાડા છએક વાગ્‍યે હું ઘરે હતો ત્‍યારે મારા પાર્ટનર કૈલાસભાઇ ધરમશીભાઇ પીપળીયાએ ફોન કરી જણાવેલ કે આપણા કારખાનેથી કારીગર બાઇક લઇને બહાર જતો હતો ત્‍યારે શેરીમાં એક બાઇકવાળાને સ્‍હેજ મારુ બાઇક અડી જતાં બોલાચાલી થઇ છે તમે ત્‍યાં પહોંચો. હું ત્‍યાં જતાં કારખાના પાસે મારા કારીગરો મહમદશરીફ ભીખીભાઇ હાસમીન અને શબ્‍બીરઅલી શોૈકતઅલી હાસમીન તથા બે અજાણ્‍યા શખ્‍સો સામ સામે ગાળાગાળી કરતાં હતાં. મેં તેને બોલાચાલી કરવાની ના પાડતાં મને પણ ગાળો દીધી હતી અને કારીગરે કહેલુ કે વાહન અડી જતાં માથાકુટ થઇ છે.

એટલીવારમાં એક બાઇક પર રતન ઉર્ફ રતો અને અજાણ્‍યો તથા બીજા અજાણ્‍યા શખ્‍સો આવી ગયા હતાં. કાળા રંગની જીજે-03-એમએચ-8300 નંબરની સ્‍કોર્પીયો કાર આવી હતી. તેણે બાબુભાઇ મકવાણાના એક્‍ટીવા જીજે-03-જેપી-5899ને ઠોકર મારતાં નુકસાન થયું હતું. સ્‍કોર્પિયોમાં શૈલેષ ગમારા હતો અને બાજુમાં અજાણ્યો શખ્સ બેઠો હતો. ત્‍યાં ઉભેલા શખ્‍સે તું આની ઉપર સ્‍કોર્પિયો ચડાવી દે, આને મારી નાખવા છે તેમ કહ્યું હતું. બાદમાં મને ઢીકાપાટુ માર્યા હતાં. ત્‍યાં મારા પાર્ટનર રાજુભાઇ સહિતના આવી જતાં અમને છોડાવ્‍યા હતાં. ઝપાઝપીમાં મારી ઘડીયાળ ક્‍યાંક પડી ગઇ હતી. શૈલેષ ગમારાએ આને જાનથી મારી નાખો તેમ કહેતાં માણસો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં.

‘તને પાર્સલ નથી આપવું’ કહી હોટેલ કર્મચારીએ ગ્રાહકનો પગ ભાંગી નાખ્યો

આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલી એક ઘટનામાં આજીડેમ ચોકડી નજીક માન સરોવરમાં રહેતાં મુળ યુપીના યુવાનને હોળીની રાતે ઘર નજીક હોટલે જમવાનું પાર્સલ લેવા ગયો ત્‍યારે હોટલમાં કામ કરતાં શખ્‍સે તને પાર્સલ નથી આપવું કહી ગાળો ભાંડી ધોકાથી પગ ભાંગી નાખવતા સારવાર માટે દાખલ થવું પડયું હતું. બનાવમાં આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી પાસે માનસરોવરમાં રઘુવંશી હોટેલ પાસે રહેતાં અને તુલસી પ્રોડક્‍ટ નામના કારખાનામાં મજૂરી કરતાં મુળ યુપીના સરસ્‍વતી જીલ્લાના અછનકુમાર રામદાસભાઇ ઉર્ફ સદીકભાઇ ચોૈહાણ (ઉ.વ.26)ની ફરિયાદ પરથી મદન નામના શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. અછનકુમારે જણાવ્‍યું હતું કે હોળીની રાતે દસેક વાગ્‍યે હું મારા માટે જમવાનું પાર્સલ લેવા કારખાના પાસે રઘુવંશી હોટલે ગયો ત્‍યારે ત્‍યાં અમારા જ વતનનો મદન હાજર હોઇ તે રઘુવંશીમાં કામ કરતો હોઇ તેને મેં પાર્સલ કરવાનું કહેતાં તેણે તને પાર્સલ નથી આપવું તેમ કહી બોલાચાલી કરતાં અને ધોકો લઇ બહાર આવી મને ગાળો દેતાં મેં ગાળો દેવાની ના પાડતાં તેણે હુમલો કરી માર મારતાં હું પડી જતાં પગમાં, શરીરે ઇજા થતાં લોકો ભેગા થઇ ગયા હતાં. જે બાદ 108 મારફત હોસ્‍પિટલે ખસેડાયો હતો. ડાબા પગમાં ગોઠણ નીચેના ભાગે ફ્રેકચર થઇ ગયાનું તબિબે નિદાન કર્યુ હતું.

જમીનના ડખ્ખામાં યુવાન પર ધોકાથી હુમલો

સરધાર નજીક કાથરોટા ગામે રહેતાં ગોપાલભાઇ મગનભાઇ મકવાણા (ઉ.વ.35) પર ધુળેટીની રાતે જેન્‍તી મકવાણા, રાહુલ, અલ્‍પેશે ધોકાથી હુમલો કરી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. જમીન મામલે ચાલતા જુના ડખ્‍ખાનો ખાર રાખી હુમલો કરાયાનું જણાવાયું હતું.

હોળી દર્શન કરવા ગયેલા કિશોર પર છરી વડે હુમલો

ચુનારાવાડ-4માં રહેતો પ્રતાપ રણજીભાઇ ધાધલ (ઉ.વ.16) હોળીની રાતે સાવ બારેક વાગ્‍યે ચુનારાવાડ-2માં હતો ત્‍યારે વિજય, પરાગ સહિતે છરી-ધોકાથી હુમલો કરી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકી દ્વારા થોરાળા પોલીસને જાણ કરાઈ હતી. પ્રતાપ કરીયાણાની દૂકાનમાં કામ કરે છે. હોળીના દર્શન કરવા ગયો ત્‍યારે સામેના શખ્‍સોએ ગાળાગાળી કરતાં ના પાડતાં મારામારી થયાનું તેના મિત્રએ જણાવ્‍યું હતું.

ઘંટેશ્વરના 25 વારીયામાં પથ્થરમારો : 3ને ઇજા

જામનગર રોડ પર ઘંટેશ્વર 25 વારીયામાં રહેતાં ભલા દલાભાઇ રાઠોડ (ઉ.વ.51) અને વિશાલ જગદીશભાઇ રાઠોડ (ઉ.વ.20)ને હોળીની સાંજે આઠેક વાગ્‍યે ઘર પાસે હતાં ત્‍યારે અજાણ્‍યા શખ્‍સોએ કોઇ કારણે ઝઘડો કરી પાણાના ઘા કરી ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પણ પ્રાથમિક સારવાર બાદ રજા લીધી હતી. બીજા બનાવમાં ઘંટેશ્વર 25 વારીયામાં રહેતાં યોગરાજસિંહ જીલુભા ઝાલા (ઉ.વ.35)ને પણ અજાણ્‍યાએ મારકુટ કરતાં પથ્‍થરમારો કરતાં ઇજા થઇ હતી. જો કે તેણે પણ સારવાર બાદ રજા લીધી હતી. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને કરી હતી. ટોળામાંથી કોઇએ ગાળાગાળી કરતાં બોલાચાલી બાદ વાત વણસી હતી. પણ બંને પક્ષે સમાધાન કરી લેતાં ફરિયાદ નોધાઇ નહોતી.

મોકાજી સર્કલ પાસે યુવાનને ધોકો ફટકારી ઇજા પહોંચાડી બે શખ્સો ફરાર

નાના મવા મોકાજી સર્કલ પાસે રહેતો મીત અતુલભાઇ રાઠોડ (ઉ.વ.25 )ને ધુળેટીને રાતે દસેક વાગ્‍યે પુષ્‍કરધામ રોડ પર વિમલનગર સોસાયટીમાં રહેતો ત્‍યારે સહદેવ અને હેપ્‍પીએ ઝઘડો કરી છરી, ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૈસાની ઉઘરાણીમાં માતા-પુત્ર પર હુમલો

આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલી અન્ય એક ફરિયાદમાં કોઠારીયા સોલવન્‍ટ શીતળાધાર ૨૫ વારીયામાં રહેતાં સવિતાબેન ઉર્ફ મીનાબેન ગોપાલભાઇ વાઘેલા (ઉ.40) અને તેના પુત્ર નિલેષ ગોપાલભાઇ વાઘેલા (ઉ.21) પર ધુળેટીની રાતે નવેક વાગ્‍યે ઘર પાસે હતાં ત્‍યારે પપ્‍પુ અને તેની પત્‍નિ જ્‍યોતિએ અગાઉ આપેલા રૂ. 5 હજારની ઉઘરાણી કરતા ઝઘડો થયો હતો. જે બાદ માતા-પુત્ર પર ધોકાથી હુમલો કરી માર મારતાં તેમજ ઢીકાપાટુ મારી એક્‍ટીવામાં પણ ધોકા ફટકારી નુકસાન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

લોધેશ્વર સોસાયટીમાં ગાળાગાળી બાદ દંપતી પર હુમલો

ગોંડલ રોડ લોધેશ્વર સોસાયટી-૨માં રહેતાં ભરતભાઇ હકાભાઇ જારીયા (ઉ.વ.40)ને હોળીની સાંજે આઠેક વાગ્‍યે ઘર પાસે હોળી જોવા જતાં શાંતિભાઇ ગાળાગાળી કરતાં ના પાડતાં ઝઘડો કરી ઢીકાપાટુ મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં માલવીયાનગરને જાણ કરવામાં આવી હતી. વચ્‍ચે પડતાં ભરતભાઇના પત્‍નિ પિન્‍કીબેનને પણ મારકુટ થયાનું જણાવાયું હતું.

મહીકામાં પત્નીને માથામાં ઘડો ફટકારી ઇજા

અન્ય એક બનાવમાં ત્રંબા નજીકના મહિકા ગામે રહેતાં કાજલબેન કમલેશભાઇ કાચા (ઉ.વ.40)ને ધુળેટીની સવારે પતિ કમલેશે ઝઘડો કરી માથામાં પાણી ભરવાનો ઘડો ફટકારી દઇ ઇજા કરતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી.

જામનગર રોડ સ્લમ ક્વાર્ટરમાં રૂ. 500ની ઉઘરાણીમાં આધેડ પર છરી વડે હુમલો

જામનગર રોડ સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં યોગેશભાઇ રઘુભાઇ ચોૈહાણ (ઉ.વ.51)ને ધુળેટીની બપોરે પડોશી ઉમેશ અને અજાણ્‍યાએ ઝઘડો કરી છરીથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકી દ્વારા પ્ર.નગર પોલીસને જાણ કરાઈ હતી. યોગેશભાઇએ ઉમેશના માતાને ઉછીના રૂપિયા પાંચસો માંગ્‍યા હોઇ તેની ઉઘરાણી કરતાં ઝઘડો કરી હુમલો કરાયાનું જણાવાયું હતું.

પડવલામાં ધુળેટી રમી ન્‍હાવા મામલે મારામારીઃ ત્રણ પરપ્રાંતિય ઘવાયા

શાપરના પડવલા ગામે ધુળેટી રમ્‍યા બાદ ન્‍હાવા મામલે મારામારી થતાં ત્રણને ઇજા થઇ હતી. પડવલામાં નેપચ્‍યુન સનમાઇકા નામની ફેક્‍ટરી ખાતે પપ્‍પુ ઉમેશ કેવલ (ઉ.વ.25), બ્રિજેશ રાજછાની કેવલ (ઉ.વ.25) અને શ્રીકાંત રણજીત વર્મા (ઉ.વ.25)ને ધુળેટી રમ્‍યા બાદ ન્‍હાવા ગયા ત્‍યારે ગાળાગાળી થતાં ઝઘડો કરી ત્‍યાં જ પરપ્રાંતિય શખ્‍સોએ માર મારી કંઇક ધારદાર વસ્‍તુ ઝીંકી દેતાં ઇજા થતાં ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રૈયામાં યુવાનને પાઇપ વડે માર મરાયો

રૈયા ગામમાં ઝૂપડામાં રહેતાં ભરત લાલજીભાઇ સાડમીયા (ઉ.વ.30)ને ધુળેટીની બપોરે ભગી અને બાવા નામના શખ્‍સે ગાળો બોલવા મામલે પાઇપથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

મોઢુકા ગામે યુવાનને આંતરી હુમલો

વીછીયાના જનડા ગામે રહેતો નવીન અરજણભાઇ ખીહડીયા (ઉ.વ.28) હોળીની રાતે ચાલીને મોઢુકા ગામેથી પોતાના ગામ તરફ આવી રહ્યો હતો ત્‍યારે રસ્‍તામાં સાગર નામના શખ્‍સે ઝઘડો કરી લાકડીથી માર મારતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.