Abtak Media Google News

કલેકટર કચેરીના જન સેવા કેન્દ્ર અને બહુમાળી ભવનમાં કતારો જામી: આખો દિવસ કતારોમાં ઉભા રહેવા ઉમેદવારો મજબુર

કોર્પોરેશનની આધારકાર્ડ માટેની વ્યવસ્થા પ્રમાણે  ફોન ઉપર 30 મિનિટના સ્લોટનો સમય આપીને ઉમેદવારોને બોલાવવામાં આવે તો સરળતા રહે

તલાટીની ભરતી માટે દાખલા કઢાવવા ઉમેદવારોને હાડમારી સર્જાઈ છે. ઉમેદવારોને બેથી ત્રણ દિવસના ધક્કા થઈ રહ્યા છે. કલેકટર કચેરીના જન સેવા કેન્દ્ર અને બહુમાળી ભવનમાં કતારો જામી રહી છે. આખો દિવસ કતારોમાં ઉભા રહેવા ઉમેદવારો મજબુર બન્યા છે. ત્યારે કોર્પોરેશનની આધારકાર્ડ માટેની વ્યવસ્થા પ્રમાણે  ફોન ઉપર 30 મિનિટના સ્લોટનો સમય આપીને ઉમેદવારોને બોલાવવામાં આવે તો સરળતા રહે તેમ છે.

Advertisement

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવેલા જન સેવા કેન્દ્ર અને બહુમાળી ભવન ખાતે દાખલા કઢાવવા  યુવાનોની લાંબી લાઈન લાગી છે. પણ તેમાં તંત્રની લીલીયાવાડી સામે આવી છે. દૈનિક 200-300 યુવાનો લાઈનમાં ઉભા રહે છે છતાં પણ તેમને સર્ટિફિકેટ મળતું નથી. સરકારે વર્ગ 3ની તલાટી કમ મંત્રીની જગ્યા માટે સીધી ભરતીની જાહેરાત કરતા અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોમાં નોન ક્રીમિલેયર સર્ટિફિકેટ જોડવું આવશ્યક હોય છે. જેથી તે સર્ટિ. કઢાવવા માટે લોકોની લાંબી લાઈન લાગી છે. રાજકોટમાં બહુમાળી ભવન ખાતે સવારે 11 વાગ્યે સર્ટિ. કાઢવા માટેની પ્રક્રિયા શરૂ થાય છે, જો કે, લોકો વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહી જાય છે, પરંતુ તંત્રની વ્યવસ્થાના અભાવે લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે.

આ ઉપરાંત કલેક્ટર કચેરીના જન સેવા કેન્દ્રમાં આવકના દાખલા સહિતના સર્ટિફિકેટ મળતા હોય, અહીં પણ મોટી સંખ્યામાં ઉમેદવારોની ભીડ જોવા મળી રહી છે. અહીં આખો દિવસ ઉમેદવારોને કતારોમાં ઉભું રહેવું પડે છે. તેવામાં આ બન્ને સ્થળોએ કોર્પોરેશનના આધારકાર્ડ કાઢવાની જે કામગીરી થાય છે. તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો ઘણી સરળતા રહે તેમ છે. જેમાં અરજદારોને ફોન ઉપર 30 મિનિટના સમયનો સ્લોટ આપવામાં આવે છે. માટે અરજદારોને માત્ર 30 મિનિટ જ કચેરીમાં આવવું પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.