સિવિલ હોસ્પિટલ ચોકમાં પ્રૌઢની હત્યા કરનાર બે ઝડપાયા

દોઢ વર્ષ પૂર્વે આપઘાત કરનાર પિતાની હત્યાની આશંકાએ પુત્રે તેના મિત્રની મદદથી ઢીમ ઢાળી દીધું ; વીંછીયાના પીપરડીના પ્રૌઢ પૈસાની ઉઘરાણી કરવાનું કહી ઘરેથી નીકળ્યા’તા ; પ્રૌઢના મોતથી પરિવારમાં અરેરાટી

રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકમાં સમી સાંજે વીંછિયાના પીપરડી પંથકના પ્રૌઢને તેના જ બે મિત્રોએ પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી નાશી છૂટ્યાની અંગેની જાણ થતાં ક્રાઇમ બ્રાંચ, એ ડિવિઝન પોલીસની ટીમે દોડી જઇ હત્યાનો ગુનો નોંધી બે હત્યારોઓને ગણતરીની કલાકોમાં જ સંકજામાં લીધા છે.નવા ઓવરબ્રિજના ખાડામાં પડેલા મૃતદેહને પી.એમ અર્થે ખસેડી પોલીસે પરિવારજનોને જાણ કરી હતી.બન્ને આરોપીની વિશેષ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસે પકડેલા બે આરોપીઓ પૈકીના માધાપર પાસે રહેતાં મયુરસિંહ ગોહિલના પિતા સહદેવસિંહ ગોહિલે દોઢ વર્ષ પહેલા કેસરી પુલ પરથી પડતું મુકી આપઘાત કર્યો હતો. સહદેવસિંહ અને હત્યાનો ભોગ બનેલા કાળુભાઇ બંને પાક્કા મિત્રો હતાં અને સાથે ખાતા-પીતા હતાં. મયુરસિંહને ત્યારથી સતત શંકા હતી કે તેના પિતાજીએ આપઘાત નહોતો કર્યો પણ પુલ પરથી ફેંકી હત્યા કરાઇ હતી અને તેમાં તેના મિત્ર કાળુભાઇ બધુ જાણે છે છતાં કંઇ કહેતાં નથી. આ વાતે ગત સાંજે ફરી ઝઘડો થયો હતો અને તેને મયુરસિંહે પાણકો મારી પતાવી દીધા હતાં. મિત્ર અમિતે મદદગારી કરી હતી.

હત્યાના બનાવ અંગે વીંછીયાના પીપીરડી ગામે રહેતા દિનેશ કાળું પરમાર ( ઉ.વ 25) ની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે તેના પિતા કાળા કાળું પરમાર ( ઉ.વ 50 )ને પથ્થરના ઘા ઝીકી હત્યા નિપજાવનાર અમિત ભગવાનજી જેઠવા (રહે. દેવપરા શાકમાર્કેટ ), અમિત ભગવાનજી જેઠવા ( ઉ.વ 35 રહે. મૂળ ભાવનગર,હાલ માધાપર ચોકડી) સામે હત્યા,ધમકી, જાહેરનામા ભંગની કલમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વીંછીયાના પીપરડીગામે  રહેતા મજૂરીકામ કરતા કાળુ પાલા  પરમાર (ઉ.વ 25) એ ઘરે પુત્રી મંજુને રાજકોટમાં બે શખ્સો પાસે ઉઘરાણીના બાકી નીકળતા પૈસા લેવા જતા હોવાનું કહી ઘરેથી નીકળી ગયા હતા. બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંડર બ્રિજ પાસે ખાનગી વાહનમાંથી બે શખ્સોને પૈસા આપી જવા માટે મળવા બોલાવ્યા હતા.જે સમયે અમિત જેઠવા, મયુરસિંહ ગોહેલ અને પ્રૌઢ વચ્ચે ગાળાગાળી થયા બાદ ઝગડો થતા બન્ને શખ્સોએ પથ્થર વડે પ્રૌઢના માથાને ભાગે જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાવી નાશી છૂટ્યા હતા. હત્યાના બનાવ અંગેની જાણ થતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ સી.જે.જોશી, ક્રાઇમ બ્રાંચના પી.આઈ વિરલ ગઢવી, એ.સી.પી રવિ ટંડેલ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. લોહીથી લથબથ મૃતદેહને પી.એમ અર્થે  ખસેડયા બાદ આઇ-વે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં ઘટનાસ્થળ નજીકથી બે શખ્સ ભાગતા દેખાયા હતા.જે  પોલીસે કેમેરામાં કેદ દેવપરાના અમિત ભગવાન જેઠવા (ઉ.વ.36) અને મયૂરસિંહ સહદેવસિંહ ગોહિલ નામના શખ્સને ઉઠાવી લીધા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હત્યાનો ભોગ બનેલા કાળુભાઇ પરમાર અને દોઢ વર્ષ પહેલા મૃત્યુ પામનાર સહદેવસિંહ ગોહિલ કે જે મુખ્ય આરોપી મયુરસિંહ ગોહિલના પિતાજી છે તે બંને ગાઢ મિત્ર હતાં. સહદેવસિંહ અને કાળુભાઇ મોટે ભાગે સાથે જ કામ કરતાં અને સાથે ખાતા પીતા હતાં. બીજા કેટલાક પણ તેના મિત્રો હતાં. દોઢ વર્ષ પહેલા સહેદવસિંહની લાશ કેસરી પુલ નીચેથી મળી હતી. જે તે વખતે પોલીસની તપાસમાં તેમણે કેસરી પુલ પરથી કૂદીને આપઘાત કર્યાનું ખુલ્યું હતું. એ.ડી. નોંધી પોલીસે કાર્યવાહી કરી હતી.પરંતુ આ બનાવમાં પુત્ર મયુરસિંહને સતત એવી શંકા હતી કે પિતા સહદેવસિંહે આપઘાત નથી કર્યો, પણ તેને ધક્કો દઈ પુલ પરથી ફેંકી દઈ પતાવી દેવામાં આવ્યા છે. આ મામલે તેના મિત્ર કાળુભાઇ બધુ જાણતા હોવા છતાં છુપાવી રહ્યા છે. આ શંકાને કારણે અગાઉ પણ તેને કાળુભાઇ સાથે માથાકુટ થઇ હતી.એ પછી લોકડાઉન આવી જતાં કાળુભાઇ પોતાના ગામડે જતાં રહ્યા હતાં અને મયુરસિંહ પણ ઘણા સમયથી તારાપુર ચોકડીએ હોટેલમાં કામ કરવા જતો રહ્યો હતો. બે ત્રણ દિવસથી તે રાજકોટ આવ્યો હતો. ત્યાં ગઇકાલે કાળુભાઇ પણ રાજકોટ આવ્યાની જાણ થતાં તે, મિત્ર અમિત અને કાળુભાઇ વાતચીત કરવા હોસ્પિટલ ચોકમાં અન્ડર બ્રિજનું કામ ચાલુ છે ત્યાં ખાડામાં ભેગા થયા હતાં.આ વખતે મયુરસિંહે મારા પિતાજીની એ વખતે હત્યા જ થઇ’તી..તું બધુ જાણે છે છતાં કેમ કહેતો નથી, તું તેનો મિત્ર હતો તો’ય તું છુપાવે છે….તેમ કહી ઝઘડો કરી ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં કાળુભાઇએ ગાળો દેવાની ના પાડતાં વાત વણસી હતી અને મયુરસિંહને ખુબ ગુસ્સો આવતાં તેણે ધક્કો દઇ તેમને પછાડી દીધા હતાં અને બાદમાં અને બાદમાં ત્યાં પાણકો પડયો હોઇ તે ઉપાડીને માથામાં ઘા મારી પતાવી દીધા હતાં. મિત્ર અમિત પણ સાથે હોઇ પોલીસે તેને મદદગારીમાં લીધો છે. આ બનાવ અંગે વિશેષ તપાસ થઇ રહી છે.