Abtak Media Google News

ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, બિહાર, તામિલનાડુ અને દિલ્હીની જુદી જુદી બેન્કમાં પોતાના જ સગા-સંબંધીના એટીએમ અને પીન નંબર લઇ મોટી રકમ કાઢતાની સાથે જ એટીએમ મશીનની પાવર સ્વીચ ઓફ કરી બેન્કમાંથી રિફંડ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ

દેશ ડિઝીટલ યુગમાં અધતન સુખ અને સગવડ ભોગવી રહ્યા છે તેની સાથે કેટલીક ક્ષતિના કારણે ભેજાબાજો તેનો દુરઉપયોગ કરી કૌભાંડ આચરવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે. હરિયાણાના બે ચોપડી ભણેલા ભેજાબાજ ‘ઠગે’ એટીએમ મશીનમાંથી ઉપાડેલા પૈસાની કંઇ રીતે નોંધ ન થાય તેવું શોધી કાઢી દેશભરના એટીએમ મશીનમાંથી લાખો રૂપિયા ઉપાડી બેન્કમાંથી રિફન્ડ મેળવવાના કૌભાંડનો રાજકોટ સાઇબર ક્રાઇમના સ્ટાફે પદાર્ફાશ કરી હરિયાણાના બે શખ્સોની ધરપકડ કરી મોટી સંખ્યામાં એટીએમ કબ્જે કર્યા છે.

Img 20190409 Wa0004

રાજકોટની એસબીઆઇ, એક્સિસ અને બીઓબીના એટીએમમાંથી પૈસા ઉપડી ગયા હોવા છતાં એકાઉન્ટધારકના ખાતામાં નોંધ ન થઇ હોવાનું અને બેન્કમાંથી રિફન્ડની ડિમાન્ડ થતા બેન્ક દ્વારા ચુકવવા પડયાનું બેન્ક મેનેજર રમેશભાઇ જીવાભાઇ ચાવડાના ધ્યાને આવતા તેઓએ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું ધ્યાન દોરી બેન્ક સાથે ઠગાઇ થતી હોવાની રજૂઆત કરી હતી.

એટીએમ મશીનમાંથી પૈસા નીકળવા છતાં એકાઉન્ટધારકના ખાતામાં કંઇ રીતે ઉધાર ન થતા અંગેની વિગતો સમજવા અને કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી સાઇબર ક્રાઇમને તપાસ સોપવામાં આવી હતી.

સાઇબર ક્રાઇમના એસીપી જી.ડી.પલસાણા, પી.આઇ. એન.બી.દેસાઇ, બી.એમ.કાતરીયા, પી.એસ.આઇ. બી.ડી.ગઢવી, કે.જે.રાણા એસ.એસ.નાયર સહિતના સ્ટાફે બેન્ક મેનેજર રમેશભાઇ ચાવડા દ્વારા થયેલી રજૂઆત અંગે ઉંડો અભ્યાસ કરી એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવામાં આવે ત્યારે ત્યાં લાઇટ બંધ થતી હોવાનું તારણ કાઢી શહેરના કેટલા એટીએમ પર આવી ઘટના બની અને એટીએમ મશીન ખાતે લગાવવામાં આવેલા સીસીટીવી ફુટેજ ચેક કરતા તમામ સીસીટીવી ફુટેજ કોમન હોવાથી અને એટીએમ કાર્ડ ધારક હરિયાણાના મેવાત જિલ્લાના પુન્હોના વતની હોવાથી સમગ્ર કૌભાંડનો તાગ મળ્યો હતો.

સીસીટીવી ફુટેજના આધારે હરિયાણાના મુન્ધેતા ગામના વતની ઇમરાન હનિફ અને અઝ‚દીન ઇલ્યાસ નામના શખ્સોને ઝડપી લીધા હતા. બંને શખ્સોની પૂછપરછ દરમિયાન પોતાના જ સગા-સંબંધીઓના એટીએમ કાર્ડ અને પીન નંબર મેળવી એટીએમ મશીનમાંથી રકમ ઉપાડવાની પ્રોસિઝર કરી મશીનમાંથી જેવી રકમ બહાર આવે તે સમયે એક કાથે નોટો પકડી લેવી અને બીજા હાથે એટીએમ મશીનનો પાવર બંધ કરવા સ્વીચ ઓફ કરવામાં આવી હોવાની કબુલાત આપી હતી.

એટીએમ મશીનનો પાવર બંધ કરવાના કારણે સેટેલાઇટ સિસ્ટમ ખોળવાઇ જવાથી બેન્ક એકાઉન્ટ ગ્રાહકના ખાતામાં ઉપાડેલી રકમ ઉધાર ન બતાવતું હોવાથી બેન્કમાં ફરિયાદ કરી રિફન્ડ મેળવી બેન્ક સાથે ઠગાઇ કરી એટીએમ કાર્ડ ધારકને અડધી રકમ ચુકતા હોવાની બંને શખ્સોએ કબુલાત આપી છે.

ઇમરાન હનિફ માત્ર બે ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને અઝ‚દીન ઇલ્યાસ પણ ધોરણ ૧૧ સુધી જ અભ્યાસ કર્યો છે. બંને શખ્સોને પોતાના જ ગામના અબ્દુલ સતાર, મુનફેદખાન અને નાકીબ અબ્દુલાહુસેન નામના શખ્સોએ એટીએમમાંથી કંઇ રીતે પૈસા ઉપાડી તો એન્ટ્રી ન થાય તે અંગેનું કૌભાંડ શિખડાવ્યું હોવાની કબુલાત આપતા ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

બંને શખ્સો પાસેથી પોલીસે મોટી સંખ્યામાં એટીએમ કાર્ડ કબ્જે કર્યા છે. તમામ કાર્ડ ધારક પણ કૌભાંડમાં સંડોવાયા હોવાનું અને છેતરપિંડીથી મેળવેલી રકમમાં અડધો હિસ્સો ભાગ લેતા હોવાથી તેઓ સામે પણ ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઇમરાન હનિફ અને અઝરૂદીન ઇલ્યાસે ગુજરાત ઉપરાંત, દિલ્હી,બિહાર, કર્ણાટક, ઝારખંડ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને હરિયાણા સહિતના રાજયમાં જુદી જુદી બેન્કના એટીએમ ખાલી કર્યાની કબુલાત આપી છે. બંને શખ્સોએ રાજકોટના જુદી જુદી બેન્કના સાત એટીએમમાંથી ૨૬ ટ્રાન્જેકશન કરી રૂ.૫.૨૧ લાખની છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું છે. પોલીસે બંને શખ્સો પાસેથી ૬૦ જેટલા એટીએમ કાર્ડ, ચાર માસ્ટર કી અને ડીસમીસ તેમજ બેન્કમાં રિફન્ડ મેળવવા કરેલી કમ્પલેન નંબરની નોટબુક કબ્જે કર્યા છે. બંને ‘ઠગ’ સાથે સંડોવાયેલા તેના સાગરિતોને ઝડપી લેવાપોલીસે બંનેને શખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.