Abtak Media Google News

વૈભવી કાર લોન પુરી થયાની એનઓસી કોની મદદથી તૈયાર કરી ?

શહેરના ૧૫૦ ફુટ રોડ પર બાલાજી ઓટો નામથી વિદેશી કાર અને મોંઘી વૈભવી કારની લે-વેચ કરતા ઓટો બ્રોકર મનીષભાઈ પ્રફુલભાઈ પંડયાને ૫ વિદેશી કારનું વેચાણ કર્યા પછી બોગસ એનઓસી પકડાવીને રૂ.૩.૫૦ કરોડની ઠગાઈ કરવાના ગુનામાં પોલીસે મુંબઈના બે ઓટોબ્રોકરની ધરપકડ કરી હતી. બોગસ એનઓસી કયાં અને કોની પાસે બનાવડાવી હતી એ અંગે રીમાન્ડ પર સોંપાયેલા બંનેની આકરી પુછપરછ ચાલુ છે.

બનાવ અંગે ઓટો બ્રોકર મનીષભાઈ પંડયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ૨૦૧૪થી સંપર્કમાં આવેલા મુંબઈના ઓટોબ્રોકર સિઘ્ધાર્થ પ્રકાશભાઈ માંડવીયા તેમજ વિશાલ તન્ના (મુળ, ગાંધીધામ) સાથે ધંધાકિય પરિચય થયા પછી બન્ને પાસેથી તેણે ઝારખંડ પાસીંગની મર્સિડિઝ કાર લીધી હતી ત્યારબાદ ૪૨ લાખમાં બીએમડબલ્યુ કારનો સોદો કર્યો હતો. કારની બેંક લોન બાકી હતી અને ૪૦ લાખ ચુકવી બે લાખ એનઓસી મળ્યા પછી ચુકવવાની શરત હતી. આ સોદા પછી ૯૫ લાખમાં પોરસે કાર અને ત્રણ મર્સિડિઝ સોદો કર્યો હતો. તમામ કારના પુરા પૈસા આપી કારની બેંક લોન પણ કલીયર કરાવી આપી હતી પરંતુ બંને બ્રોકરે આપેલા એનઓસી અંગે તપાસ કરતા બોગસ હોવાનું અને ભુજ આરટીઓમાં પણ બોગસ એનઓસીના આધારે અન્યના નામે કાર ટ્રાન્સફર કરાવ્યાની માહિતી મળી હતી.

પ્રદ્યુમનનગર પોલીસે ઠગાઈનો ગુનો નોંધી સિઘ્ધાર્થ પ્રકાશભાઈ માંડવીયા (રહે.પુજા એપાર્ટમેન્ટ, શાંતાક્રુઝ વેસ્ટ, મુંબઈ) અને વિશાલ શરદભાઈ તન્ના (રહે.ગાંધીધામ, ઈ-૨૫૧, સપનાનગર)ની ધરપકડ કરી હતી. આ તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાતા પીઆઈ એચ.એમ.ગઢવી, મદદનીશ વિરેન્દ્રસિંહે બંનેના રિમાન્ડ મેળવી પુછપરછ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.