Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવન, માનવ અધિકાર ભવન, સમાજકાર્ય ભવન ઉપરાંત કણસાગરા કોલેજ ખાતે સંવાદો અને વિચાર વિમર્શના કાર્યક્રમો

સંયુકત રાષ્ટ્રસંઘ વિકાસ કાર્યક્રમો સાથે આપસી સહકારમાં કાર્યરત અને શાંતિ, સુમેળ અને સાંસ્કૃતિક સહકારના ક્ષેત્રે કાર્યરત આંતરરાષ્ટ્રીય સંગઠન હેવનલી કલ્ચર વર્લ્ડ પીસ રીસ્ટોરેશન ઓફ લાઈટના ભારત સ્થિત બે પ્રતિનિધિઓ ગુજરાતના પ્રવાસે આવેલા છે અને રાજયમાં અમદાવાદ અને રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.એચડબલ્યુપીએલના પશ્ર્ચિમના એશિયાના વાઈસ મેનેજર સુ.વન બી. અને ઈન્ટરનેશનલ લો ડીપાર્ટમેન્ટના ભારતીય પ્રાદેશિક મેનેજર રોઝલીન સ્યુ તા.૨૨,૨૩,૨૪ અને ૨૫ ઓગસ્ટ રાજકોટ તેમજ ગુજરાતના અન્ય સ્થાનો ઉપર વિવિધ કાર્યક્રમોમાં હાજર રહી અને પોતાના વૈશ્ર્વિક મિશનના સંદર્ભમાં જાણકારી આપવાની સાથે શિક્ષણ વિદો, કાયદાશાસ્ત્રીઓ, સંશોધકો અને છાત્રો સાથે સંવાદ કરશે.અખિલ હિંદ મહિલા પરિષદના પશ્ર્ચિમ ઝોનના પ્રમુખ ડો.ભાવનાબેન જોશીપુરાના માધ્યમથી ગુજરાતમાં પ્રથમવાર આ સંગઠનના આંતરરાષ્ટ્રીય કક્ષાના પદાધિકારીઓ ગુજરાતના પ્રવાસે આવેલ છે. રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયદા ભવન, માનવ અધિકાર ભવન, સમાજકાર્ય ભવન, અંગ્રેજી ભવન ઉપરાંત કણસાગરા કોલેજ, મહિલા ધારાશાસ્ત્રીઓ, આંતરરાષ્ટ્રીય કાનુન અને ભારતીય બંધારણના ક્ષેત્રે કાર્યરત કાયદાવિદો તેમજ ધારાશાસ્ત્રીઓ સાથે અલગ-અલગ કાર્યક્રમો, બેઠકો, સંવાદો, વિચાર વિમર્શના કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા છે.આગામી તા.૧૫મી સપ્ટેમ્બરે દક્ષિણ કોરીયા સીઉલ ખાતે આ આંતરરાષ્ટ્રીય પરીષદ મળી રહી છે તેમાં અમદાવાદ તથા રાજકોટ ખાતે થયેલી ચર્ચાના મુસદાના તારણો પણ રજુ થનાર છે. આ સંસ્થા વિશ્ર્વના ૧૭૦ દેશોમાં અસરકારક રીતે કામ કરી રહેલ છે. અખિલ હિંદ મહિલા પરિષદ-ન્યુ દિલ્હી કેન્દ્રિય કાર્યાલયના માધ્યમથી ડો.ભાવનાબેન જોશીપુરાના સંકલન કરી આ પ્રવાસ આયોજીત કરવામાં આવી રહેલ છે.રાજકોટ ખાતે યુનિવર્સિટી અને કોલેજો ખાતેના કાર્યક્રમ ઉપરાંત લીગલ રીસર્ચ ફાઉન્ડેશનના સહકારથી અગ્રણી ધારાશાસ્ત્રીઓ સાથે આંતરરાષ્ટ્રીય કાનૂન-ભારતની ભૂમિકા અને સવિશેષ રીતે કુલભૂષણ કેસ પછી ભારતે આંતરરાષ્ટ્રીય કાનૂનના ક્ષેત્રમાં થોડા વર્ષોમાં દાખવેલી સક્રિયતા તેમજ આંતરરાષ્ટ્રીય સંધિઓની મહતા અને મહત્વ જેવા વિષયોને આવરી લઈ ખાસ ચર્ચા યોજવામાં આવી છે. કાયદાશાસ્ત્રીઓ સાથેના મહત્વના કાર્યક્રમો ઉપરાંત વધતા જતા આતંકવાદ, સંઘર્ષ અને સશસ્ત્ર સંઘર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર શાંતિ ચળવળમાં ભાગ લેવા માંગતા યુવાનો સાથે પણ ચર્ચા યોજવામાં આવી છે.સૌરાષ્ટ્રના રોકાણ દરમિયાન મહાત્મા ગાંધીજી સંબંધિત મહત્વપૂર્ણ સ્થાનો, શ્રીરામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદજી સંદર્ભેની જાણકારી તેમજ રાજકોટના કેટલાક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.