Abtak Media Google News
  • વાહનોના ટાયર પ્રત્યેની બેદરકારી ક્યારેક જીવ જોખમમાં મૂકી શકે!!!
  • ટાયર ફાટવાની ઘટનાથી અત્યાર સુધીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે ટાયર-ટ્યુબમાં કેટલું દબાણ રાખવું? ટાયરની સાર-સંભાળ કઈ રીતે રાખવી તમામ બાબતો જાણવી ખુબ જરૂરી

ઈ. સ. 1844માં ચાલ્ર્સ ગુડઈયરે વલ્કેનાઇઝ રબ્બરની શોધ કર્યા બાદ તેનો ટાયરમાં ઉપયોગ શક્ય બનેલો. ટાયરની શોધ જ્હોન બોન્ડ ડનલોપે ઈ.સ. 1887માં કરી હતી. ડનલોપ પોતે પશુ ચિકિત્સક હતો. ટાયરની શોધ વિશે એક રસપ્રદ વાત જાણીતી છે. ડનલોપ તેના પુત્રને ત્રણ પૈંડા વાળી સાયકલ લઈ આપેલી. તે જમાનામાં સાયકલના ટાયર નહોતાં. પુત્રને ખાડા ટેકરાવાળા રસ્તા પર સાયકલ ચલાવવામાં તકલીફ પડતી તે જોઈને ડનલોપે તેના સાયકલના લાકડાના પૈંડા પર રબરની રિંગ ચઢાવી આપી અને આમ ટાયરની શોધ થઈ.

1887માં બનેલી આ ઘટનાએ વાહન વ્યવહારને સરળ બનાવી નાખ્યો. ડનલોપે પોતાની ટાયર બનાવવાની કંપની સ્થાપી હતી. 1888માં તેણે પેટન્ટ મેળવી હતી.પરંતુ ડનલોપે ટાયરની શોધ કરી તે અગાઉ રોબર્ટ વિલિયમ થોમસન નામના સ્કોટીરા શોધકે 1846માં અમેરિકા અને ફ્રાન્સમાં ટાયરની પેટન્ટ નોંંધાવી હતી. ડનલોપની શોધના બે વર્ષ બાદ તેની પેટન્ટ રદ કરવામાં આવી હતી. પરંતુ ટાયરની શોધ વાહનોના વિકાસના સમયગાળામાં થઈ હતી એટલે તેનું વેચાણ ઉત્તરોત્તર વધતું ગયું.1904માં ટાયરની ફરતે માઉન્ટેબલ રિંગ નાખવામાં આવી.1908માં રસ્તા ઉપર વધુ પક્કડ જમાવતા ખાંચા પાડેલી પેટર્નવાળા ટાયર ફ્રેન્ક સીબરલિંગે બનાવ્યા.

1911માં કિલિપ સ્ટોસે ટાયરની અંદર હવા ભરેલી ટયુબ મુકવાની શોધ કરી. ત્યારબાદ ટાયર અને ટયુબનો ઉપયોગ વ્યાપક બન્યો.ટાયર એકલા રબરના નથી બનતા. તેની બંને તરફની કિનારી પર ધાતુના તાર મઢેલા હોય છે. જેથી તે વ્હીલ સાથે મજબુતાઈથી જકડાઈ રહે. ટાયર બેથી ત્રણ પડનાં બને છે. વચ્ચેના પડમાં મજબૂત દોરાની ગુંથણીવાળું પડ હોય છે. તે ટાયરને ફાટી જતું રોકે છે. રસ્તા ઉપર ટાયર લપસી ન પડે તે માટે તેની સપાટી પર ખાડા ટેકરાવાળી પેટર્ન હોય છે.જુદા જુદા વાહનોમાં ટાયર પણ જુદી જુદી ક્ષમતાના વપરાય. ટ્રેક્ટર, ટ્રેક વગેરેના ટાયર અતિશય મજબૂત અને વજનદાર બનાવવા પડે. 500 કિલોગ્રામ કરતાંય વધુ વજનના વાહનો 300 કિલોમીટરની ઝડપે ચાલે તોય ટાયર અકબંધ રહે તેવા ટાયર પણ બને છે. ટાયર ઉપર તેની ક્ષમતાના આંકડા લખેલા હોય છે.

ટાયર પર લખેલા મૂળાક્ષરો શું સૂચવે છે?

ટાયર પર L લખેલું હોય. તો તેનો અર્થ એ છે કે તે ટાયરની મહત્તમ ઝડપ 120 કિમી પ્રતિ કલાક, જો M લખવામાં આવે તો મહત્તમ ઝડપ 130 કિમી છે. તો જ્યાં N લખેલું હોય ત્યાં મહત્તમ ઝડપ 140 કિમી છે. જો P લખવામાં આવે તો મહત્તમ ઝડપ 150 કિમી છે, Q લખેલું હોય તો મહત્તમ ઝડપ 160 કિમી છે. જો R લખવામાં આવે તો તે 170 કિ.મી. એ જ રીતે, H એટલે 210 કિ.મી. તો V ની મહત્તમ ઝડપ 240 કિમી છે, ટાયર પર Y મૂળાક્ષર લખેલું હોય તો તમારા ટાયરની મહત્તમ ઝડપ 300 કિમી પ્રતિ કલાક છે. અક્ષરો અનુસાર સ્પીડ લિમિટમાં વાહન ચલાવવાથી ટાયર ફાટશે નહીં

વાહનોના ટાયરનો રંગ કાળો જ કેમ હોય છે?

દુનિયામાં અનેક રંગો છે. તમે રંગોનું મિશ્રણ કરીને એક નવો રંગ પણ બનાવી શકો છો. રસ્તા પર તમને અનેક રંગોની ગાડીઓ જોવા મળશે. જોકે, આ તમામમાં એક વાત સામાન્ય અથવા સરખી હશે. આખરે શા માટે તમામ વાહનોના ટાયર કાળા રંગના જ હોય છે? આ એક મોટો પ્રશ્ન છે. ઉલ્લેખનીય છે કે કાર્બનનો રંગ કાળો હોય છે. આ માટે જ જ્યારે રબરમાં કાર્બન ભેળવવામાં આવે છે ત્યારે તે કાળા રંગનું થઈ જાય છે. જેનાથી રબર અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ બચી જાય છે. રિપોર્ટ પ્રમાણે સાદા રબરનું ટાયર ફક્ત આઠ હજાર કિલોમીટર સુધી ચાલી શકે છે. જ્યારે તેમાં કાર્બન ભેળવવામાં આવે તો તે એક લાખ કિલમીટર સુધી ચાલી શકે છે. સામાન્ય રીતે બાળકોની સાઇકલના ટાયરોનો રંગ તમે જોયો હશે તો તે સફેદ, લાલ, પીળા રંગના હોય છે. એનું કારણ એવું હોય છે કે તેમાં કાર્બન ભેળવવામાં આવતું નથી. જોકે, આવા ટાયર ઝડપથી ઘસાઈ જાય છે. એક કારણ એવું પણ છે કે બાળકોની સાઇકલ રોડ પર નથી ચલાવવાની હોતી. આ કારણે આ ટાયરોમાં કાર્બન ભેળવવામાં આવતું નથી. અન્ય ટાયરોમાં કાર્બન ભેળવવામાં આવતું હોવાથી તેનો રંગ કાળો જ હોય છે.

ટાયરમાં હવાનું દબાણ કેટલું હોવું જોઈએ?

ટાયરમાં હવાનું દબાણ પીએસઆઇ એટલે કે પાઉન્ડ પ્રતિ ચોરસ ઇંચમાં માપવામાં આવે છે. કારના ટાયરમાં 32-35 પીએસઆઇ હવાનું દબાણ સામાન્ય માનવામાં આવે છે. ટાયરમાં આ કરતા ઓછું દબાણ રાખવું જોખમી સાબિત થઈ શકે છે. તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે ટાયરનું દબાણ વધારે ન હોવું જોઈએ, નહીં તો આ ટાયર ફાટી શકે છે. દબાણનું યોગ્ય માપ ઠંડા ટાયરમાં જોવા મળે છે. કોલ્ડ ટાયર એટલે કે પ્રેશર ચેક કરતા પહેલા 1 – 2 કલાક પહેલા કાર ચાલેલી ન હોવી જોઈએ. કારણ કે કાર ચાલતી વખતે ટાયર ગરમ થાય છે, જેના કારણે હવા વધુ વિસ્તરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.