Abtak Media Google News

૫૦ ટકા વેરો ભરપાઈ નહીં કરનાર કારખાનાઓ સીલ કરી દેવાશે: ટેકસ બ્રાંચની લાલ આંખ: રહેણાંક મિલકતો સામે પણ હાર્ડ રિકવરી હાથ ધરાશે 

રૂ.૨૫૦ કરોડના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ટેકસ બ્રાંચ દ્વારા હાર્ડ રીકવરી શરૂ કરવામાં આવી છે. મિલકતો સીલ કરવા સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન શહેરના વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તાર અને વોર્ડ નં.૧૨માં વાવડી વિસ્તારમાં આવેલા કારખાનાઓને વેરો ભરવા માટે અવાર-નવાર તાકીદ કરવામાં આવી હોવા છતાં વેરો ભરવાની તસ્દી ન લેતા કારખાનાઓના માલિક સામે હવે ટેકસ બ્રાંચે લાલ આંખ કરી છે. કોઠારીયા અને વાવડીમાં આવેલા કારખાનાઓને બાકી વેરા પેટેની ૫૦ ટકા રકમ શુક્રવાર સાંજ સુધીમાં ભરપાઈ કરી દેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. અન્યથા શનિવારથી કારખાનાઓ સીલ કરવા સહિતની આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ અંગે ટેકસ બ્રાંચના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વોર્ડ નં.૧૮માં કોઠારીયા અને વોર્ડ નં.૧૨માં વાવડી વિસ્તારમાં આશરે ૬૦ હજાર જેટલી મિલકતો આવેલી છે. કોઠારીયામાં કુલ ૬૨ કરોડનો બાકી વેરો નિકળે છે. જેની સામે ૧૦ કરોડ રૂપિયા ભરપાઈ થયા છે અને ૫૨ કરોડ રૂપિયાનું લેણુ હજી ઉભું છે ત્યારે વાવડીમાં ૪૭ કરોડના બાકી વેરા સામે માત્ર ૮ કરોડની વસુલાત થવા પામી છે અને ૩૯ કરોડનું લેણુ નિકળે છે. આમ કોઠારીયા અને વાવડીમાં આવેલી ઔધોગિક અને રહેણાંક હેતુની આશરે ૫૦ હજારથી વધુ મિલકતો પાસે કુલ ૯૧ કરોડ જેટલો વેરો બાકી હોય તેની વસુલાત માટે હવે હાર્ડ રીકવરી શરૂ કરાશે.

કોઠારીયા અને વાવડીમાં આવેલા કારખાનાઓને બાકી વેરા પેટે નિકળતી રકમનો ૫૦ ટકા વેરો શુક્રવાર સાંજ સુધીમાં ભરપાઈ કરી દેવા તાકીદ કરવામાં આવી છે. અન્યથા મિલકત સીલ કરવા સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કાર્પેટ એરિયાની અમલવારી બાદ કારખાનાઓના વેરામાં ભારાંક વધુ લાગતા ઉધોગપતિઓની રજુઆતને ધ્યાનમાં રાખી ૨.૫૦ નો ભારાંક ૧.૭૫ કરી દેવામાં આવ્યો છે છતાં હજી કારખાનાઓના માલિકો મિલકતો વેરો ભરવાની તસ્દી લેતા નથી. શહેરના અન્ય વોર્ડમાં આવેલા કારખાનાઓ સામે હાલ હાર્ડ રીકવરી ચાલી રહી છે. હવે કોઠારીયા અને વાવડી વિસ્તારમાં પણ હાર્ડ રીકવરી શરૂ કરવામાં આવશે.

ડોકયુમેન્ટસ ચકાસ્યા વિના ટેન્ડર મંજુર કરનાર શાખા અધિકારીનું આવી બનશે

મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીનો પરીપત્ર: ભ્રષ્ટાચાર પર લગામ કસવાનો પ્રયાસ

રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ કામો માટે આપવામાં આવતા કોન્ટ્રાકટમાં ટેન્ડરમાં કોન્ટ્રાકટર દ્વારા રજુ કરવામાં આવતા દસ્તાવેજોની પુરતી ચકાસણી કર્યા વિના જ આડેધડ ટેન્ડર મંજુર કરી નાખતા હોવાની ફરિયાદ મળ્યા બાદ મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ એક પરીપત્ર પ્રસિઘ્ધ કર્યો છે.જેમાં ડોકયુમેન્ટની ચકાસણી કર્યા વિના ટેન્ડર મંજુર કરનાર શાખા અધિકારીની જવાબદારી ફિકસ કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોઈપણ ટેન્ડર સબમીટ કરતી વેળાએ એજન્સી કે કોન્ટ્રાકટર દ્વારા જે દસ્તાવેજ રજુ કરવામાં આવે છે તે દસ્તાવેજ ગેઝેટેડ ઓફિસર પાસે ટ્રુ કોપી કરાવેલા હોવા જોઈએ અથવા એજન્સીએ પોતે પ્રામાણિત કરેલા હોવા જોઈએ જો આવું કરેલું નહીં હોય અને ટેન્ડર મંજુર કરવામાં આવશે તો જવાબદાર શાખા અધિકારી સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.