Abtak Media Google News

જુનાગઢ જીલ્લા સહકારી બેંકની મુખ્ય કચેરીનું ભૂમિપૂજન કરાશે: પ્રાકૃતિક કૃષિ શિબિરમાં ર0 હજાર ખેડૂતો હાજરી આપશે

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આવતીકાલે રવિવારના રોજ જૂનાગઢ-એપીએમસી ખાતે ખેડૂતોની સવલતોમાં વધારો કરતું કિસાન ભવનનું લોકાર્પણ તથા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના મુખ્ય કચેરીના ભવન અને પ્રાકૃતિક કૃષિ બજારનું ભૂમિપૂજન કરવામાં આવશે. આ સમારોહની સાથે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક કૃષિ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 20 હજાર જેટલા ખેડૂતો સહભાગી થશે.

આ ભવનમાં ખેડૂતો માટે કેન્ટીન, આરામ ગૃહ અને કિસાન માહિતી કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે. ઉપરાંત એપીએમસીના હોદ્દેદારો  માટે બોર્ડ મીટીંગ રૂમ અને કર્મચારીઓ માટેની ઓફિસ પણ તૈયાર કરવામાં આવી છે. આમ, જૂનાગઢ એપીએમસીની માળખાગત સુવિધામાં ખૂબ મોટો વધારો થવા જઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કિસાન ભવન, એપીએમસીના જુદા-જુદા શેડના નવા છાપરા, એક નવા શેડનું નિર્માણ અને એપીએમસીમાં આંતરિક સીસી રોડ અંદાજે રૂ.8 કરોડના ખર્ચે  આ કામોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા સહિતના ખેડૂતોને ભેટ મળશે. સક્કરબાગ પાસે સૌરાષ્ટ્ર સિલિકેટ નામે જાણીતી જગ્યામાં 3764 ચોરસ મીટરમાં પ્રાકૃતિક કૃષિ બજારનું નિર્માણ કરવામાં આવશે. અહીંયા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત ખેત પેદાશનું વેચાણ કરવા માટેનું પ્લેટફોર્મ મળી રહેશે. આમ, પ્રાકૃતિક ખેતીને પણ વેગ મળશે.

એપીએમસી-જૂનાગઢ ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીના હસ્તે વિવિધ જનહિતના કાર્યોનો લોકાર્પણ -ભૂમિપૂજન સમારોહની સાથે પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાનાર છે. જેમાં રાજ્યકક્ષાના સહકાર, લધુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામદ્યોગ, નાગરિક ઉડ્ડયન મંત્રી જગદીશ વિશ્વકર્માની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.  જિલ્લા સહકારી બેંક અને એપીએમસી જૂનાગઢના ચેરમેન કિરીટભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં કેન્દ્રિય મંત્રીના સમગ્ર કાર્યકમની પૂર્વ તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી છે. આ સમારોહમાં ઉપસ્થિત રહેનાર ખેડૂતો માટે ભોજન ઉપરાંત અન્ય મૂળભૂત સુવિધાઓ માટે તકેદારી લેવામાં આવી રહી છે.

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની મુખ્ય કચેરીનું રૂ. 9.85 કરોડના ખર્ચે નિર્માણ પામશે

શહેરના ઝાંઝરડા રોડ પરના ભીંડી જ્વેલર્સ પાછળની જગ્યામાં ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. નું રૂ. 9.85 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથેનું નિર્માણ પામનાર ચાર મંજીલા ઈમારતનું કેન્દ્રીય મંત્રીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવશે. આ ભવનમાં એકાઉન્ટ, લોન બ્રાન્ચ, એટીએમ, 500 લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ સહિતની માળખાગત સુવિધા સાથેનું ભવન નિર્માણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.