Abtak Media Google News

“વચનબદ્ધ વિધાયક મુદતો ઉપર મુદત આપતા હતા પરંતુ તેમના પક્ષની સરકારમાં જ તેમનું કોઈ સાંભળવા વાળુ ન હતું, આનું નામ તે રાજકારણ!”

નિર્ણાયક જંગનું પરિણામ

આખરે ગોધરા કાંડ પછીની મધ્યસત્ર ચૂંટણીઓ રૂપી રાજકારણીઓ માટેનો નિર્ણાયક જંગ પૂરો થયો, ચૂંટણી કમિશનની અગ્ની કસોટીઅને પોલીસ દળ માટે કુરૂક્ષેત્ર જેવા યુધ્ધનો અંત આવ્યો. જોકે આ યુધ્ધ દરમ્યાન કોઈનોભોગ તો લેવાયો નહિ પરંતુ કેટલાયની જેલયાત્રા, કેટલાયની તબીયતો લથડી અને એવા પણ બનાવો બન્યા કે તંત્રના અધિકારીઓ અને રાજકારણીઓના આ જંગમાં મનતો ખાટા થયા જ ઉપરાંત કયાંક કયાંક વ્યવહારો પણ વિકૃત વાણી વિલાસને કારણે બાંડા થયા.

ઉંઝા પીઆઈ જયદેવનો મગજ બંને રાજકીય પાર્ટીઓની રીતી નીતિને કારણે ખૂબજ ઉગ્ર બની ગયો હતો. તેને મતદાન પૂરૂ થતા જ એસ.ટી.એસસીએલના ડીવાયએસપી પેન્થર સરે ખરેખર વેલ્ફેરની દ્રષ્ટિએ દસ દિવસની હકક રજા ઉપર ઉતારી તાબાના કર્મચારીની સાથેસાથે ખાતાની પણ સરાહનીય સેવા કરી હતી. જયદેવ પણ પેલી પંકતી’ હતો દુ:ખીયો, થયો સુખીયો સમજો છૂટયો રણ (યુધ્ધ)થી માફક વતન તરફ જવા રવાના થયો. આથી ઘણા લાંબા સમયે જયદેવે શાંતી અને મુકતીનો અહેસાસ કર્યો.

તે પછી તો બે ત્રણ દિવસમાં જ મહેસાણા ખાતે રેગ્યુલર પોલીસ વડા પણ તેમની ફરજ ઉપર મૂળ જગ્યાએ હાજર થઈ ગયા આખરે જે ચૂંટણી પરિણામ માટે તમામ રાજકીય પક્ષો જ નહિ સમગ્ર રાજય, દેશ અને વિશ્ર્વ આખુ ‘ચાતક નજરે રાહ જોતું હતુ’ તે આવી જ ગયું રાજયની જનતાએ લોકશાહી ઢબે મતદાન કરી ફરી એજ રાષ્ટ્રવાદી પાર્ટીને સત્તારૂઢ થવા જનાદેશ કર્યો.

આ તરફ જયદેવ પણ આખરે એક માનવ જ હતો, તેને પોતાને પણ અંગત ઈચ્છા, જરૂરીયાત અને અપેક્ષાઓ હોય જ તેને પોતાને ભલે આ ચૂંટણી પરિણામ સાથે કોઈ લેવા દેવા ન હોય કે ફાયદો કે ગેરફાયદો નહોય પરંતુ પેલો વ્યકિત ગત સ્વાર્થ હતો કે જે ઉંઝાના વિધાયક કમ રાજયમંત્રી એ ચૂંટણી પહેલા તૈયાર થયેલો જયદેવનો બદલી હુકમ એમ કહી રદ કરાવેલો કે મધ્યસત્ર ચૂંટણી પછી તેઓ જયદેવ ઈચ્છે ત્યાં અને તે જગ્યાએ પોતે હુકમ કરાવી આપશે. જુઓ પ્રકરણ ૨૨૨ ‘આંતરિક કોમવાદ’ આથી જયદેવને હવે ઉંઝાથી રાજકોટ શહેરમાં કોઈપણ બ્રાંચમાં બદલી થઈ જાય અને શારીરીક સાથે માનસિક પણ શાંતી થઈ જાય તેવી ઈચ્છા હતી.

ગત ચૂંટણી પહેલા ઉંઝા અને સિધ્ધપૂર બંનેના વિધાયકો રાજયનાં મંત્રીઓ હતા. પરંતુ ગત ચૂંટણીમાં સિધ્ધપૂરના વિધાયક ટુંકી લીડથી પરાજય પામ્યા અને ઉંઝાના વિધાયક ફરીથી ચૂંટણી જીત્યા ખરા પણ તેમને નવી રચાયેલ સરકારમાં પ્રધાનપદુ મળ્યું નહિ આથી જયદેવને મનમાં ધ્રાસ્કો પડયો કે આના કારણે વળી કયાંક અહીં ઉંઝામાં જ સલવાઈ જવાય નહિ કેમકે મંત્રી તરીકે અને એક વિધાયક તરીકે સરકારમાં કામ કરાવવાની બાબતમાં વ્યકિત વિશેષ તરીકે વજનમાં ઘણો ફર્ક પડે અને થયું પણ તેમજ જયદેવનો હવે ઉંઝાથી બદલીનો હુકમ વિધાયક કરાવી શકતા ન હતા. અને તેઓ જયદેવને કહેતા હતા કે પોતે આપેલા વચનને પણ પૂરેપૂરા પ્રતિબધ્ધ છે. તોફાનો બાદ અને ચૂંટણી જાહેર થયા પહેલા આ જ વિધાયક રાજ્ય સરકારના મંત્રી હતા અને ત્યારે જયદેવનો બદલી હુકમ ભાવનગરનો થયેલો તે તેમણે એમ કહી સરકારમાં તે હુકમ રદ્દ કરાયેલો કે ચૂંટણી પછી પોતે જયદેવને તે કહે ત્યાં બદલી કરાવી આપશે. પરંતુ ચૂંટણી પછી તેમને પ્રધાનપદુ જ મળ્યુ નહીં અને જયદેવ ઉંઝામાં ફસાયો ! જયદેવને મનમાં ઉત્પાત એ હતો કે પરંતુ કયારે? લાંબો સમય વિત્યા બાદ ‘બ્રાહ્મણ પણ ગત તિથી વાંચતા નથી’ અને રાજકારણીઓ તો ‘બીત ગઈ સો બાત ગઈ’ મુજબ સામાન્ય રીતે વ્યવહાર કરતા હોય છે. અને તેમ થાય તો? જો કે ઉંઝાના વિધાયક દિલથી બદલી માટે પ્રયત્નો કરતા હતા પણ જેમ સામાન્ય રીતે બનતુ હોય છે કે જંગી બહુમતી મળ્યા પછી શાસકોમાં અકડાઈ અને હું પણુ આવી જતુ હોય છે. અને બન્યું પણ તેમજ, હવે રાજય સરકારમાં જયદેવની બદલી કરાવી આપે તેવી કોઈ વ્યકિતનું સ્થાન હતુ નહિ.

જયદેવ કમને ફરીથી ઉંઝા પોલીસ સ્ટેશનમાં હાજર થયો, ફરી એજ ‘તેલ પળી અને ત્રાજવું’ માફક નોકરી ચાલુ કરી તેને થયું કે ‘દળી દળીને ઢાંકણીમાં ઉધાર્યા’ પ્રમાણે જ થયું બદલીનો કોઈ અણસાર ન હતો જોકે મહેસાણાના પોલીસ વડા આ સમગ્ર બાબતથી વાકેફ હતા. અને તેઓ પણ જયદેવની મુશ્કેલીથી પરિચિત હતા આથી તેમણે જયદેવને મહેસાણા જીલ્લાની ક્રાઈમ બ્રાંચમાં નિમણુંક માટે કહ્યું પરંતુ હવે જયદેવ થાકયો હતો તેને તો વતન ઘર તરફ જવું હતુ આથી તેણે પોલીસ વડાનો આભાર માની સ્પષ્ટના પાડી દીધી. ઉંઝાના વિધાયક પોતાના વચન પાલન માટે મૂદતો ઉપર મૂદતો આપતા હતા. પરંતુ હવે તેમના પક્ષની સરકારમાં જ તેમનું કોઈ સાંભળવા વાળુ ન હતુ. આનુ નામ તે રાજકારણ !

આ દરમ્યાન ગોધરાકાંડ અન્વયે થયેલા કોમી તોફાનોના કારણોની ન્યાયીક તપાસ માટે નિમાયેલું તપાસ પંચ જે નાણાવટી કમિશન તરીકે જાણીતું થયેલું આ કમિશન દ્વારા રાજયના તમામ પોલીસ સ્ટેશનો કે જયાં જયાં કોમી તોફાનો થયેલા હતા તેની રજેરજ અને વિગતવારની તપાસ માટે આ પંચ દ્વારા કાર્યવાહી ચાલુ થઈ.

2.Tuesday 2

તમામ પોલીસ સ્ટેશનો માટે એક સમાન એક જ પ્રકારે માહિતી મળીરહે તે માટે સુચનો હુકમો થયા. જયદેવેપણ આ સુચનો મુજબ ઉંઝા ખાતે તા.૨૭/૨ થી તા. ૩૧-૪ દરમ્યાન બનેલા કોમી તોફાનો અંગે દાખલ થયેલા ગુન્હાઓ, પકડાયેલા આરોપીઓ,લીધેલ અટકાયતી પગલાઓ, તોફાનો દરમ્યાનની પોલીસની ભૂમિકા (કરેલ કાર્યવાહી) ઉપરાંત ઉંઝાની ભૌગોલીક, સામાજીક ઔદ્યોગીક પરિસ્થિતિ અને ઉંઝા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોનાં મંજૂર અને હાજર મહેકમ (સંખ્યા)ની વિગતવારની માહિતી તૈયાર કરી પોલીસે તોફાનો દરમ્યાન કરેલ કાર્યવાહી ખાસ કરીને ઉંઝા નાગોરી બીલ્ડીંગ, મકતુપુર ગામે મધ્યરાત્રીનાં અને વહેલી સવારના મહેરવાડા ગામે અને ઉંઝા કોટકુવા વિસ્તારની કરેલી કાર્યવાહીનો પણ ઉલ્લેખ કરી તેની એફીડેવીટ એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ ઉંઝા પાસે કરાવી (એપેન્ડીક્ષ)

આ કોમી તોફાનો સમયે મહેસાણાના પોલીસ વડા તરીકે રહેલા અધિકારી તો અગાઉ જણાવ્યા પ્રમાણે તોફાનો બાદ પણ ચૂંટણી પહેલા બદલાઈ ગયેલા પરંતુ આ તપાસ પંચ સમક્ષ તેમને પણ ઉપસ્થિત રહેવાનું હતુ. તે મુજબ કમિશનની મહેસાણા ખાતેની મુદત પહેલા આગલા દિવસે તે સમયનાં જીલ્લા પોલીસ વડા પણ આવી ગયા અને જયદેવને ફોન ઉપર કહ્યું કે તમોએ કોમી તોફાનો દરમ્યાન ખૂબજ પ્રશંસનીય કામગીરી કરેલ હતી અને અનેક લઘુમતી ઓને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બચાવ્યા હતા તો તમે આપૈકી કોઈ એક લઘુમતી કોમની વ્યકિતની આ બાબતની એફીડેવીટ તૈયાર કરાવી તપાસ પંચમાં રજૂ કરો તો સોનામાં સુગંધ ભળે તેવું કામ થાય.

પરંતુ જયારે રાજય સરકારે પ્રશંસનીય કામગીરીનો અહેવાલ માંગ્યો ત્યારે ખાતાના જ એક તેજો દ્વેષી અધિકારીએ જયદેવે મોકલેલો અહેવાલ ઉપલી સતામાં મોકલેલો નહિ તેથીતે ખીન્નતો હતો જ અને હવે આ કામગીરીની બડાઈ હાંકવાનો કોઈ અર્થ ન હતો તેમ તે માનતો હતો છતા શિસ્તબધ્ધ દળના સભ્ય તરીકે ઉપરી અધિકારીના જણાવ્યા પ્રમાણે તેણે નાગોરી બિલ્ડીંગમાં ભોગ બનનારાઓની તપાસ કરતા તેઓ ઉનાવાથી રાજસ્થાન ઉદેપૂર બાજુ ચાલ્યા ગયાની હકિકત મળી આથી તે મકતુપુરના ભોગ બનનાર વિસ્થાપિતો કે જેઓ સિધ્ધપૂરા રહેતા હતા. તેનો સંપર્ક કરવા રવાના થયો પણ ઉંઝા સિધ્ધપૂર વચ્ચે જ નેશનલ હાઈવે ઉપર મકતપૂર ગામની સીમમાં બળીને ખંડેર થયેલ હોટલની કંપાઉન્ડ વોલ ઉપર તેનો માલીક નિરાશ વદને બેઠો હતો. આથી જયદેવે જીપ ઉભી રાખતા જ તે દિવાલ ઉપરથી ઉતરીને હોંશે હોંશે જયદેવને મળ્યો અને આવકાર આપી ચા-પાણી પીવાનો આગ્રહ કર્યો. પરંતુ જયદેવને હવે આ કબ્રસ્તાન જેવી બનેલી હોટલ ઉપર ચાનો ઘૂંટડો ગળે કેમ ઉતરે ? જયદેવે આભાર માની ચાની ના પાડી મૂળ મુદાની વાત તોફાનો સમયે પોલીસે કરેલી મદદ અંગે એફીડેવીટ કરવાની વાત કહેતા તેણે કહ્યું સાહેબ તમારી વાતતો સાચી જ તે રાત્રીનાં તમે ફરિસ્તા માફક આવ્યા નહોત. તો તે દિવસ અમારો કયામતનો જ દિવસ બની જાત તમે અમને બચાવેલા પરંતુ અમને ઉપરથી આદેશ છે કે રાજય સરકારનું સારૂ દેખાય તેવું કોઈ નિવેદન આપવું નહિ આ બચાવ કામગીરી તમે વ્યકિતગત ધોરણે અને માનવતાપૂર્વક કરી હતી પરંતુ જો હું આવી એફીડેવીટ કરૂ તો તેનાથી આખરે તો રાજય સરકારનું જ સારૂ દેખાવાનું ને? કેમકે પોલીસ દળ રાજય સરકારનું જ છે ને? જયદેવને થયું કે આ તો બાવાના બેય બગડયા મુજબ ન તો રાજય સરકારે કદર કરી કે નતો રાજય સરકાર આનો લાભ ખાટી જાય તે કારણે ભોગ બનનારે કદર કરી !

જોકે જયદેવને આથી કોઈ નવાઈ લાગી નહિ કેમકે મત લાલચુઓ મત માટે વર મરો ક્ધયા મરો માફક ઉપજાવી કાઢેલી ચર્ચાઓ જાહેરમાં કરી, ગમે તેવા તર્કહિન નિવેદનો કરવા અને આવી કૃતઘ્ન સૂચનાઓ આપવી તેમના માટે સહજ બાબત હતી અન્યથા આવા એક સામાન્ય હોટેલીયરને આવી બુધ્ધિ સુજે નહિ સિવાય કે આવા મત લાલચુઓની સલાહ હોય !

આથી જયદેવે ખાસ કોઈ આગ્રહ કર્યો નહિ અને તે પછી બીજો કોઈ પ્રયત્ન પણ કર્યો નહિ કેમકે જયદેવનું મન ના પાડતું હતુ અમુલ્યની કિંમત સામાન્ય પાસે કરાવાય નહિ આથી પેલા પોલીસ વડા સહેજ નારાજ થયા કે જયદેવને કાંઈ પડી નથી. બીજે દિવસે તપાસ પંચ સમક્ષ ઉંઝા ઉનાવાના લોકો ઉપસ્થિત થયા જે રજૂઆતો કરવાની હતી તે થઈ પરંતુ ઉનાવા મીરાદાતાર ટ્રસ્ટના ટ્રસ્ટી વારીસઅલીએ તપાસ પંચ સમક્ષ જયદેવ અને પોલીસ દળની કાર્યવાહીની પ્રશંસા કરી પરંતુ સરકાર દ્વારા મળતા રાહત પૂરવઠા અંગે પડતી મુશ્કેલીઓની રજૂઆત કરી આમ પોલીસનું તપાસ પંચ પુરતુ તો કામ પૂર્ણ થયું.

જયદેવની બદલીની અપેક્ષા અને ઈચ્છા આગળ અંધકાર છવાયેલો હોવા છતાં જયદેવ પોતાની કામગીરી ધગશ, નિષ્ઠા અને મહેનતપૂર્વક કર્યે જતો હતો જયારે નવી સરકાર રચાયે દિવસો નહિ મહિનાઓ (છ મહિના) વિતવા છતા જયદેવની બદલી ઉંઝાથી થઈ ન હતી જો કે ઉંઝા પોલીસ સ્ટેશનમાં નિમણુંક માટે તો પીઆઈઓની લાઈન લાગી હતી. ઘણા રાહ જોતા હતા અને તેમાં ના કેટલાક તે માટે વિધાયકને પણ કરગરતા હતા પરંતુ તેમને વિધાયક કયા મોઢે કહી શકે કે મારો તો વચન ભંગ થઈ રહ્યો છે?આ દરમ્યાન એક દિવસ બપોરનાં દોઢેક વાગ્યે જયદેવ હજુ જમવા જ ઉભો થવાની તૈયારીમાં હતો ત્યાં રાયટર પુનાજી દોડતા તેની પાસે આવ્યા અને કહ્યું કે પેલા બાતમીદાર રામોજી (જુઓ પ્રકરણ ૧૯૫ બાતમી)નો ફોન હતો કે માર્કેટ યાર્ડ પાસેના સરદાર કોમ્પ્લેક્ષમાં આવેલ એક ચોકકસ ટ્રાન્સપોર્ટની ઓફીસમાં અમુક ગુનેગાર માણસો આવ્યા છે. જેમનું કનેકશન ચાર પાંચ દિવસ પહેલા મહેસાણા શહેરમાં થયેલ આંગડીયા ખૂન લૂંટ કેસ સાથે છે. જયદેવ માટે તો આ બાબત તેજીને ટકોરા જેવી હતી.

હજુ ત્રણ ચાર દિવસ પહેલા જ મહેસાણા શહેરમાં મુખ્ય બજારમાં ભરબપોરે માનવ મેદની વચ્ચે જ આંગડીયા કર્મચારીનું રીવોલ્વરના ભડાકે ખૂન કરી તેની પાસે રહેલા રૂપીયા છ એક લાખની લૂટ થયેલી આ ગુન્હા અંગે મહેસાણા પોલીસને હજુ સુધી આરોપીઓ અંગે કોઈ સુરાગ કે કડી મળી નહતી અને સુરાગ કે કડી મળવા પણ ઓછો સંભવ હતો તેવી વાત બનાવ બન્યાના બીજે દિવસે ઉંઝા આવેલા મહેસાણા ફોરેન્સીક સાયંન્સના નિષ્ણાંત મોદીએ જ જયદેવને કહેલ કે ‘આ મહેસાણામા થયેલ આંગડીયાના ખૂનમાં વપરાયેલ હથીયાર ૭.૬૫ એમ.એમ બોરનું છે. પોતે અગાઉ રાજયની મુખ્ય ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી અમદાવાદ ખાતે બેલાસ્ટીક (અગ્ની શસ્ત્ર ને લગતુ વિજ્ઞાન) એકસ્પર્ટ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે આજ બોરનાં હથીયારનો છેલ્લા બાર ચૌદ વર્ષનો ઈતિહાસ એવો છે કે આજ પધ્ધતિએ અને આજ ૭.૬૫ એમએમ બોરની પીસ્ટલ કે રીવોલ્વર વડે રાજયનાં જુદા જુદા શહેરોમાં આંગડીયાના ખૂન અને લૂંટમાં ગુન્હાવાળી જગ્યા કે મરનારના શરીરમાંથી મળી આવેલ બુલેટ કે કાર્ટીસ આજ બોરનો હતા. એટલે કે આજ હથીયાર વડે તે તમામ ગુન્હા એકજ આરોપીએ કરેલા અને તે તમામ હજુ સુધી વણશોધાયેલા જ છે. અને જયાં સુધી આ હથીયાર નહિ પકડાય કે આરોપી મરે નહિ ત્યાં સુધી ગુન્હા અટકવાના નથી! આવા ગુન્હાઓ પૈકી એક નડીયાદનો આંગડીયાનો છટકીને બચવા માટે કોઈક ઘરમાં ઘુસી ગયેલો તો ગુનેગારે બે ખૌફ તે પાછળ ઘરમાં ઘુસીને આંગડીયાને આ બોરનાં હથીયાર વડે જ શૂટ કરી મારી નાખેલ અને મોટી લૂંટતો કરેલ જ! આ ગુન્હાઓ વડોદરા, બોરસદ, આણંદ, ગોધરા, ભરૂચ, નડીયાદ વિગેરે શહેરોનાં ૧૩-૧૪ જેટલા ગુન્હા આટલા વર્ષોથી વણ શોધાયેલા જ પડયા છે, તેમાં આ મહેસાણાનો એક ગુન્હો વધ્યો તે પણ વણ શોધાયેલો રહેવાનો છે. તેમ આ એફએસએલ નિષ્ણાંત મોદીએ વાત કરેલી.

ત્યારે જયદેવે તેમને કહેલ કે તે તો જયારે પાપનો ઘડો છલકાશે ત્યારે આપોઆપ ફૂટી જશે. પરંતુ ત્યારે જયદેવને ખબર ન હતી કે આ આરોપીઓના પાપનો ઘડો જયદેવના હાથે જ ફૂટવાનો છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.