Abtak Media Google News

રાઉન્ડ ધ કલોક કામ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-સુશ્રુસા કરનાર હેલ્થ વર્કરોને કોરોના રસીકરણમાં અપાઈ પ્રાથમિકતા

સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યુ હતુ તે ઘડી આજે આવી છે તેમ જણાવી ગુજરાત રાજ્ય સ્તરના કોરોના વેક્સિનનની કાર્યક્રમની શરૂઆત અમદાવાદ સિવિલ હોસ્પિટલથી કરાવતા મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ કહ્યુ કે કોરોના મહામારીથી હેરાન- પરેશાન થયેલા લોકો માટે આજે અમૃત સમાન વેક્સિન આવી ગઇ છે. ૧૬ મી જાન્યુઆરીનો દિવસ સમગ્ર દેશ અને રાજ્ય માટે એક ઐતિહાસિક દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાં કોરોના રસીકરણ પ્રક્રિયાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. ત્યારે દેશ અને રાજ્યમાં કોરોના રસીકરણનો પ્રારંભ દ્વારા કોરોનાના અંતની શરૂઆત થઇ છે.  પ્રથમ તબક્કામાં ગુજરાત રાજ્યમાં ૧૬૧ કેન્દ્ર ઉપર ૧૬હજાર થી વધુ હેલ્થકેર વર્કરો કોરોના રસીકરણ હાથ ધરવામાં આવશે તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે કોરોના વેક્સિનેસન કામગીરીનો રાજ્ય સ્તરે આરંભ થયો છે ત્યારે હેલ્થકેર વર્કરો દ્વારા ઉત્સાહભેર આ રસીકરણને આવકારવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના રસીકરણના પ્રથમ તબક્કામાં મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ તેમજ સફાઇકર્મીઓના સ્ટાફ જેઓએ નવ  મહિનાથી પણ વધારે સમયથી સતત ખડેપગે રહીને રાઉન્ડ ઘ ક્લોક રાજ્યના કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરી છે કોરોનાની બીમારીથી સપડાયેલા લોકોને બહાર કાઢવા દિવસ રાત જહેમત હાથ ધરી છે તેમને આ રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં  આવવાનું જણાવ્યુ હતુ. મુખ્યમંત્રીએ કહ્યુ કે કોરોનાકાળમાં પોતાના જીવના જોખમે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી છે અને કોરોનાગ્રસ્ત દર્દીઓનો જીવ બચાવતા પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા છે તે તમામ હેલ્થકેર વર્કરોનો કોરોના વેક્સિનેસન પર પ્રથમ હક રહેલો છે જેના ભાગરૂપે જ તેમની કર્તવ્યનિષ્ઠાને બિરદાવવા ભારત સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં રસીકરણ પ્રક્રિયામાં આવા બાહોશ હેલ્થકેર વર્કરોને પ્રાથમિકતા આપવામાં આવી છે. અમદાવાદના નામાંકિત તબીબો, મેડિકલ જગતના તજજ્ઞો, પદાધિકારીઓએ પણ આજે વેક્સિન લઇને અન્ય  લોકોને પ્રોત્સાહનરૂપ ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે.જયારે તબીબી જગત સાથે જોડાયેલ તજજ્ઞો કોઇપણ જાતના ડર વગર રસી લઇ રહ્યા હોય ત્યારે આપણે પણ કોઇપણ જાતના ડર વગર કોરોના વેક્સિનેસન પ્રક્રિયા અનુસરીને તેનો લાભ લેવો જોઇએ.  કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર જે રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે દરમિયાન ગુજરાતના નાગરિકો કોઇપણ જાતના ભ્રમ, સંકોચ રાખ્યા વગર અફવાઓથી દૂર રહી આ વેક્સિન લઇ શકે છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નાગરિકોને અપીલ કરી હતી.

હાલ રસીકરણ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાઇ રહેલી કોવિડશિલ્ડ વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવતા મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ કહ્યુ કે રાજ્યના નાગરિકો આ વેક્સિન પર પૂરો ભરોષો રાખી તેને ગ્રહણ કરી પોતાને અને પરિવારને સુરક્ષિત કરે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના રસીકરણના પ્રાથમિકતા તબક્કામાં ૫.૪૧ લાખ જેટલા કોરોના રસીના ડોઝ આપવામાં આવવામાં આવ્યા છે જેમાં ૪.૪૦ લાખ જેટલા હેલ્થકેર વર્કરોને ૨૮૭ કોરોના રસીકરણ કેન્દ્રો પર કોવિડશિલ્ડ કોરોના રસીનો ડોઝ આપવામાં આવશે.જેના ભાગરૂપે આજે મુખ્યમંત્રી દ્વારા સમગ્ર રાજ્યના ૧૬૧ રસીકરણ કેન્દ્ર પર ૧૬ હજારથી વધુ લોકોમાં કોરોના રસીકરણ પ્રક્રિયાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલ  કોરાના રસીકરણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિ, આરોગ્ય કમીશ્નર,સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ, તબીબી તજજ્ઞો એ ઉપસ્થિત રહીને કોરોના રસી લેનાર હેલ્થકેર વર્કરોનો ઉત્સાહ વધાર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.