Abtak Media Google News

મહાનુભાવોના હસ્તે વિજેતાઓને પારિતોષિક એનાયત: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં ફૂટબોલ ટૂર્નામેન્ટનું સમાપન

રાજકોટ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શહેરમાં ચાલી રહેલી ઓપન ગુજરાત ફૂટ બોલ સ્પર્ધાનું સમાપન કરાવ્યું હતું અને વિજેતા થયેલી ટીમ વડોદરા ફૂટબોલ ક્લબ તથા રનર્સ અપ અમદાવાદ ઇન્કમટેક્સને ઇનામો આપી નવાજ્યા હતા. આ તકે તેમણે તારસ્વરે કહ્યું કે, રાજ્ય સરકાર રમત ગમતની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે. એટલે જ રમતગમત માટે વર્ષ ૨૦૦૯માં રૂ. ૨૦ કરોડનું બજેટ તે વધીને ૨૦૧૯માં રૂ. ૫૮૧ કરોડ થયું છે.

રમતગમત પ્રોત્સાહક પ્રવૃત્તિના સંદર્ભમાં મુખ્યમંત્રી રૂપાણીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના  મુખ્યમંત્રી હતા ત્યારે, તેમણે ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો. તેના ઉજળા પરિણામો મળ્યા છે. ખેલાડીઓને પ્રોત્સાહન મળ્યું છે.

તેમણે જણાવ્યું કે, ગત વર્ષે રમાયેલા ખેલ મહાકુંભમાં રાજ્યભરમાંથી ૪૦ લાખ લોકોએ ભાગ લીધો હતો અને રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત રૂ. ૪૦ કરોડના ઇનામો આપવામાં આવ્યા હતા. આ બાબત દર્શાવે છે રાજ્ય સરકારે રમતગમતની પ્રવૃત્તિને વેગવાન બનાવી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયસ્તરે ગુજરાતનુ ંનામ રોશન કરનારા ખેલાડીઓને માતબર રકમના ઇનામો આપવામાં આવ્યા છે. ૨૦૨૪ના ઓલ્મ્પિકમાં ગુજરાત અને ભારતના ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે,  એવો મને દ્રઢ વિશ્વાસ છે.

મુખ્યમંત્રીએ રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ ફૂટબોલ એસોસિએશનને આઠમી ઓપન ગુજરાત ફૂટબોલ ટુર્નામેન્ટ સફળતા પૂર્વક યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મહાનુભાવોએ વિેજેતા વડોદરા ફૂટબોલ ક્બલને રૂ. ૫૧ હજાર અને ટ્રોફી તથા રનર્સઅપ અમદાવાદ ઇન્કમટેક્સને રૂ. ૩૫ હજાર તથા ટ્રોફી એનાયત કરી હતી. સાથો સાથ ડી. જી. કપમાં હોકી સ્પર્ધામાં વિેજેતા થયેલી રાજકોટ શહેર પોલીસની ટીમને પણ મુખ્યમંત્રીના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી.

રાજકોટ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ રાણાને તેમના પુત્ર સ્વ. જયદીપસિંહ રાણાનું અકસ્માતમાં મૃત્યુ થવા બદલ રૂ. ૩૦ લાખનો ચેક મુખ્યમંત્રીએ એક્સીસ બેંકના અધિકારીઓની ઉપસ્થિતિમાં અર્પણ કર્યો હતો. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય,  સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી, કલેશભાઇ મીરાણી, રાજુભાઇ ધૃવ, ગુણુભાઇ ડેલાવાળા, પરાક્રમસિંહ જાડેજા, ડો. રાહુલ ગુપ્તા, બંછાનિધિ પાની,  મનોજ અગ્રવાલ,  રવિમોહન સૈની તથા મનોહરસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.